જસદણનાં શિવસાગર ડેમની સૌની યોજનાનું પાણી ભરવા ગ્રામજનોની માંગણી : આવેદન

12 March 2020 02:27 PM
Jasdan
  • જસદણનાં શિવસાગર ડેમની સૌની યોજનાનું પાણી ભરવા ગ્રામજનોની માંગણી : આવેદન

છ ગામના ખેડૂતો-ગ્રામજનો પ્રાંત અધિકારીને મળ્યા

(ધર્મેશ કલ્યાણી)
જસદણ તા.12
જસદણ તાલુકાના માધવીપુર ગામે શિવસાગર ડેમ આવેલો છે. જેમાં હાલ ચોમાસાનું જ નીર આવતું હોવાથી ઉનાળાના પ્રારંભે આ ડેમના તળીયા દેખાઈ જતા હોય છે. જેથી શિવરાજપુર, ગોડલાધાર, કાળાસર, માધવીપુર અને ગઢડીયા(જસ) ગામના તમામ ગ્રામજનોએ ભેગા મળી આ ડેમને સૌની યોજના થકી પાણી આપવામાં આવે તેવી જસદણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી માંગ કરી છે.
આ આવેદનપત્રમાં ગોડલાધાર ગામના સરપંચ અશોકભાઈ ચાંવ, માધવીપુર ગામના સરપંચ ધનજીભાઈ, વિહાભાઈ વનાળીયા, પ્રાગજીભાઈ માનકોલીયા, દેવેન્દ્રભાઈ ઝાપડીયા, રાજુભાઈ ચાવડા સહિતના આગેવાનોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, જસદણના માધવીપુર ગામે આવેલ શિવસાગર ડેમ આજુબાજુના શિવરાજપુર, ગોડલાધાર, કાળાસર, માધવીપુર અને ગઢડીયા(જસ) ગામને પાણીની જરૂરીયાત પૂર્ણ કરે છે. આ બધા ગામોમાં ખેતીની જમીન પીયત કરવા માટે, માલઢોરને પાણી અને ચારા માટે અને પીવાના પાણી માટે આ ડેમનું પાણી ખૂબ જ ઉપયોગી તેમજ જીવાદોરી સમાન છે.
જો આ તળાવમાં પાણી ન હોય તો આ ગામોના લોકોને પીવાના પાણી માટે ખુબ દુરદુર સુધી જવું પડે છે અને માલઢોરને પણ પાણી માટે રઝળપાટ કરવી પડે છે. આ ગામોમાં ખેતીની જમીનમાં આવેલ કુવા અને બોરના તળ ખુબ ઉંડે જતા રહે છે અને જમીનની સીંચાઈ માટે પણ ખુબ જ તકલીફ પડે છે.
જો સૌની યોજનાનું પાણી માધવીપુર ગામે આવેલ શિવસાગર ડેમમાં ઠાલવવામાં આવે તો આ તમામ ગામના પાણીના તળ ઉંચે આવી જશે અને માલઢોર માટે ચારાની કાયમી ધોરણે વ્યવસ્થા થઈ જશે. વધુમાં સૌની યોજના આવશે તો આ ગામના લોકો માટે પીવાના પાણીની સમસ્યા અને સિંચાઈની સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ આવી જશે.


Loading...
Advertisement