ગિરગઢડામાં જી-સ્વાન કનેકટીવીટી ખોરવાતા મામલતદાર કચેરીનો વહીવટ ખોરંભે : લોકો હેરાન

27 February 2020 09:21 AM
Veraval
  • ગિરગઢડામાં જી-સ્વાન કનેકટીવીટી ખોરવાતા મામલતદાર કચેરીનો વહીવટ ખોરંભે : લોકો હેરાન

અવારનવાર ખોરવાતી નેટ કનેટીવીટી : ધાંધિયા નિવારવા માંગ

ઉના, તા. ર7
ગીરગઢડા તાલુકાની સરકારી કચેરીમાં નેટકનેક્ટીવીટીના અભાવે સરકારી ઓનલાઇન કામગીરી બંધ રહેતા દૂર દૂરના ગ્રામિણ વિસ્તારમાંથી દરરોજ આવતા સરકારી કામો માટે અરજદારોને ધક્કા ખાવા પડતા હોવાથી પરેશાન બની ગયા છે. આ નેટકનેક્ટીવીટી માટે ગીરગઢડા મામલતદારએ ત્રણ-ત્રણ પત્ર લખી સરકારના જીલ્લા કક્ષાની કચેરીને જાણ કરવા છતાં કનેક્ટીવીટી માટે કોઇ સંતોષ પૂર્વક કામગીરી ન થતી હોવાનું જાણવા મળે છે.
ગીરગઢડા તાલુકા સેવાસદનમાં તા.13 ફેબ્રુ.2020 સવારના 10 વાગ્યાથી જીસ્વાન બંધ હોવાથી 58 ગામો હેઠળ આવેલ આટલા મોટા તાલુકામાં આવેલ મામલતદાર કચેરી, સબરજીસ્ટ્રાર કચેરી, તાલુકા પંચાયત કચેરી કાર્યરત હોવા છતા હાલમાં સરકારની ઓનલાઇન રોજબરોજની વહીવટી કામગીરી બંધ હોય અને નેટકનેક્ટીવીટીના કારણે રેશન કાર્ડ, એટી વી ટી યોજના તળેના તમામ કામો દાખલાઓ, ઇ-ધરાની, હક્કપત્ર, ખેતીના સાત-બાર, દસ્તાવેજોની નોંધણી તેમજ પંચાયત કચેરી હેઠળના તમામ વિકાસ કામોની કામગીરી કોમ્પ્યુટર દ્વારા ઓનલાઇન થતી હોય તે જીસ્વાન કનેક્ટીવીટી ન મળતી હોવાના કારણે ઠપ પડી જતાં અરજદારો અને કર્મચારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે.
સરકારી કામો વિલંબ થતા લોકોને સમય મર્યાદામાં કામો ન થતાં હોવાથી ઉશ્કેરાટ પૂર્વકની તંત્ર સામે ફરીયાદો ઉઠી રહી છે. વારંવાર જીસ્વાન કનેક્ટીવીટીના પ્રશ્નો ઉભા થવાના કારણે ખોરંભે પડતી કામગીરીના અભાવે દૂર દૂરના જંગલ વિસ્તારના લોકોને આર્થિક ખર્ચ અને સમયની બરબાદીનો ભોગ બનવું પડે છે. આ બાબતે બી એસ એન એલને ત્રણ-ત્રણ વખત મામલતદારે પત્ર લખવા છતાં બી એસ એન એલના તંત્ર દ્વારા યોગ્ય જવાબ ન મળતા આ અંગે કાયમી નિરાકરણ લાવવા જીલ્લા કલેક્ટર ગીરસોમનાથને મામલતદારે રજુઆત કરવી પડી છે. આવીજ સ્થિતી ઉના તાલુકાની કચેરીમાં પણ સર્જાતી હોવાનું જોવા મળે છે.


Loading...
Advertisement