બગસરા પંથકમાં શાકભાજીના ભાવ તળીયે: ખેડૂતોને વળતર નહિ મળતાની બુમ

27 February 2020 09:07 AM
Amreli
  • બગસરા પંથકમાં શાકભાજીના ભાવ તળીયે: ખેડૂતોને વળતર નહિ મળતાની બુમ

કોથમીર-મેથી-ભાજી-ટમેટાના ભાવ નહિ મળતા રોષ

અમરેલી, તા. ર7
બગસરામાં શાકભાજીના ભાવો સાવ નીચા જવાથી શાકભાજી ગાયોને ખવરાવી દીધાની ઘટના પ્રકાશમાં આવી હતી. શાકભાજીનું વાવેતર કરેલા ખેડૂતોએ એપીએમસીમાં શાકભાજીના પૂરતા ભાવો ન મળતા રોષિત બન્યા છે.
અમરેલી જિલ્લામાં ઓણસાલ શાકભાજીનું 4 હજાર હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં કોથમરી, મેથી, ધાણા, લસણ, ટમેટા, દૂધી, કોબી, રીંગણા, તૂરિયા, ભીંડો, ગુવાર, વાલોળ સહિતની શાકભાજીના વાવેતર ખેડૂતોએ કર્યા છે. પણ અમરેલી જિલ્લાના બગસરા એપીએમસીમાં શાકભાજી વેચવા આવેલા ખેડૂતોને કોથમરીની એક જુડીના પ0 પૈસા જેવી કિંમત પણ ન મળતા ખેડૂતો રોષે ભરાયા હતા. તો મેથી લેવા માટે તો એકપણ વેપારી આગળ ન આવતા રોષિત ખેડૂતે કોથમરી અને મેથીને ગાયોને ખવરાવીને પોતાનો રોષવ્યકત કર્યો હતો. ત્યારે ખેડૂતોને શાકભાજીના પોષણક્ષમ ભાવો ન મળતા હોવાનો વસવસો વ્યકત ખેડૂતો કરી રહયા છે. અમરેલી જિલ્લાના એપીએમસીમાં કોથમરી, મેથી, દૂધી, કોબી લેવા કોઈ તૈયાર નથી ને 1 રૂપિયે કિલોના ભાવે શાકભાજીના ભાવો થઈ ગયા છે. જેનાથી ખેડૂતોને ખાતર, બિયારણ ને મજૂરીના પણ પૈસા મળતા નથી ને બગસરા પંથકમાં ખેડૂતોએ કોથમીર, મેથી ગાયોને ખવરાવી એવી જ અન્ય શાકભાજીના હાલ આગામી દિવસોમાં થાય તેવું હાલ લાગી રહયું છે. ત્યારે બગસરામાં કોથમીર અને મેથી ગાયોને ખવરાવનાર આવેલ ખેડૂત ભાઈએ ખેડૂતોને પૂરતા ભાવો મળે તેવી લાગણીઓ વ્યકત કરી હતી ને સરકાર ખેડૂતો પાસેથી જેમ ટેકાના ભાવે ખેત જણસો ખરીદે તેમ શાકભાજી પણ ખરીદે અથવા એનો સ્ટોરેજ કરીને વિદેશમાં શાકભાજી મોકલાઈ તો ખેડૂતોને ભાવો મળી રહે તેવી ખેડૂતોએ સરકાર પાસે આશાઓ રાખીને માંગ કરી રહયા છે.


Loading...
Advertisement