હવે યુ-વીન કાર્ડ ધારકોને પણ રૂા.10માં ભરપેટ ભોજન: મહિલા શ્રમિકોને બે પ્રસુતિ સુધી રૂા.27500ની સહાય રાજય સરકાર આપશે

26 February 2020 07:05 PM
Gujarat
  • હવે યુ-વીન કાર્ડ ધારકોને પણ રૂા.10માં ભરપેટ ભોજન: મહિલા શ્રમિકોને બે પ્રસુતિ સુધી રૂા.27500ની સહાય રાજય સરકાર આપશે

શ્રમિક વર્ગ પર વરસી પડતી રૂપાણી સરકાર: ભોજન અને પ્રસુતિ સહાય વધી : રાજકોટ સહિતના શહેરોમાં શ્રમિકોને સીટી બસના પાસમાં રાજય સરકાર સહાય આપશે

રાજકોટ તા.26
ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જયારે શ્રમ અને રોજગાર મંત્રી હતા ત્યારે તેઓએ રાજયના શ્રમીકો માટે ફકત રૂા.10માં ભરપેટ ભોજનની શ્રમીક અન્નપૂર્ણા યોજના જાહેરાત કરી હતી અને તે આજે રાજયના રાજકોટ સહિતના શહેરોમાં દરેક શ્રમીકો માટે વરદાન રૂપ બની છે. હવે આ યોજનામાં યુ-વીન કાર્ડ ધારકોને પણ સમાવાયા છે અને તેઓને પણ રૂા.10માં ભરપેટ ભોજન મળશે. બીજી તરફ બાંધકામ શ્રમીકોને સીટી બસમાં આવવા જવા માટે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં સરકાર દ્વારા ખાસ પાસ યોજના હેઠળ રાહત આપવામાં આવશે. આ માટે સરકારે રૂા.50 કરોડની જોગવાઈ કરી છે જેના કારણે શ્રમીકોને કામકાજના સ્થળે જવા માટે પેટ્રોલ ડીઝલ જેવા ખર્ચામાં રાહત મળશે.
આજે રાજયના બજેટમાં આ ઉપરાંત બાંધકામ શ્રમીકના પત્ની અને મહિલા શ્રમીકને માટે પણ રાજય સરકારે મહત્વની જાહેરાત કરી છે. જેમાં મહિલા બાંધકામ શ્રમીકને સગર્ભા અવસ્થા દરમ્યાન છેલ્લા બે માસ અને પ્રસુતીના બે માસ એક કુલ ચાર માસ સુધી પ્રતિમાસ રૂા.5000ની સહાય આપવામાં આવશે. આમ મહિલા શ્રમીકના બે બાળકો સુધી પ્રસુતી સહાયની જે અગાઉ રૂા.7500ની સહાય મળતી હતી તે કુલ રૂા.27500 મળશે. જે ગરીમ શ્રમીક માટે એક મહત્વપૂર્ણ રાહત હશે. આ ઉપરાંત નાણામંત્રીએ જણાવ્યું હતું કે બાંધકામ શ્રમીકોને હાઉસીંગ સબસીડી યોજના હેઠળ બેંકમાંથી મેળવાયેલ લોનમાં પાંચ વર્ષ સુધી પ્રતિમાસ રૂા.20 હજારની વ્યાજ સહાય મળશે. નીતીનભાઈએ આ ઉપરાંત ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ કોર્પો.ની સ્થાપના કરવા જાહેરાત કરી છે. જયાં શ્રમીકને આધુનિક ટેકનોલોજીની તાલીમ આપવામાં આવશે.


Loading...
Advertisement