ધડાધડ નિર્ણયો! માર્કેટયાર્ડ કાલથી ખોલી નખાશે; દલાલમંડળના પ્રમુખ સહિત ત્રણને નોટીસ; એસોસીએશનની ઓફીસને તાળા

26 February 2020 06:13 PM
Rajkot Gujarat Saurashtra
  • ધડાધડ નિર્ણયો! માર્કેટયાર્ડ કાલથી ખોલી નખાશે; દલાલમંડળના પ્રમુખ સહિત ત્રણને નોટીસ; એસોસીએશનની ઓફીસને તાળા

દલાલમંડળની જીદ સામે છેવટે યાર્ડ સતાધીશો આકરા પાણીએ: એસોસીએશનને જ વિખેરી નાખ્યુ : ચેરમેન ડી.કે.સખીયાની જાહેરાત: દાદાગીરીપૂર્વક યાર્ડને ‘બાન’માં રાખવા ન દેવાય: એક નાનો વર્ગ જ આંદોલન કરે છે, મોટાભાગના વેપારીઓ-દલાલો-મજુરો કામે ચડી જવા તૈયાર હોવાનો દાવો

રાજકોટ તા.26
રાજકોટ માર્કેટયાર્ડમાં છેલ્લા નવ-નવ દિવસથી હડતાળ અને મડાગાંઠ વચ્ચે હવે યાર્ડ સતાધીશો આકરાપાણીએ થયા છે અને આવતીકાલથી યાર્ડ ખોલી નાખવાની જાહેરાત કરી છે એટલું જ નહીં દલાલમંડળનું વિસર્જન (માન્યતા રદ) કરીને ઓફીસને તાળુ મારી દીધુ છે તથા એસોસીએશનના પ્રમુખ અતુલ કામાણી, ડાયરેકટર વલ્લભ પાંચાણી સહિત ત્રણને નોટીસ ફટકારી છે. ત્રણ દિવસમાં કામે ન ચડે તો લાયસન્સ સસ્પેન્ડ કરવાની ચેતવણી આપી છે.
માર્કેટયાર્ડના ચેરમેન ડી.કે.સખીયા તથા વાઈસ ચેરમેન હરદેવસિંહ જાડેજાએ આજે વાતચીતમાં કહ્યું હતું કે કમીશન એજન્ટો તથા વેપારીઓનો એક નાનો વર્ગ દાદાગીરી જેવુ વાતાવરણ સર્જીને હડતાળ પાડી રહ્યો છે. યાર્ડ સતાધીશોએ છેલ્લા દિવસોના ઘટનાક્રમમાં તમામ પ્રકારનો સહકાર આપવાની તૈયારી બતાવી હતી છતાં પોલીસ કેસ પાછા ખેંચવાની અવાસ્તવિક જીદ સાથે કામકાજ ખોરવી રહ્યા છે જે હવે ચલાવી ન શકાય. મોટાભાગના વેપારીઓ, દલાલો તથા મજુરોએ પણ કામકાજ કરવાની તૈયારી બતાવી છે એટલે કાલથી માર્કેટયાર્ડ ચાલુ કરી દેવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. અગાઉ સહકારી મંડળીઓ મારફત કામકાજ શરૂ કરવાનો વિકલ્પ વિચારવામાં આવ્યો હતો. પરંતુ મોટાભાગના કમીશન એજન્ટોએ જ હરરાજીમાં ભાગ લેવાની તૈયારી બતાવી છે એટલે વૈકલ્પિક વ્યવસ્થાનો પ્રશ્ર્ન નથી. કમીશન એજન્ટો ઉપરાંત વેપારીઓએ પણ કામકાજની તૈયારી બતાવી છે.
કાલથી માર્કેટયાર્ડ ખોલી નાખવાના નિર્ણય વચ્ચે કમીશન એજન્ટો સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવી છે. કમીશન એજન્ટ એસોસીએશનના પ્રમુખ અતુલ કામાણી, ડાયરેકટર વલ્લભ પાંચાણી તથા કીશોર દોંગાને નોટીસ ફટકારવામાં આવી છે. ત્રણ દિવસમાં કામકાજ શરૂ ન કરે તો લાયસન્સ સસ્પેન્ડ કરવાની ચેતવણી આપવામાં આવી છે.
આ સિવાય દલાલમંડળની ઓફીસ પણ પાછી લઈ લેવામાં આવી હોય તેમ એસોસીએશનની ઓફીસને યાર્ડ સતાધીશોએ તાળુ મારી દીધુ છે.
યાર્ડ સતાધીશોના ધડાધડ નિર્ણયોને પગલે દલાલો-વેપારીવર્ગમાં તીવ્ર પ્રત્યાઘાતો પડયા છે. લાંબી હડતાળની તરફેણમાં ન હોય તેવા વેપારીઓએ આવકાર આપ્યો છે. સૂત્રોએ કહ્યું કે યાર્ડ સતાધીશોએ દલાલમંડળમાં જ ભંગાણ સર્જી દીધુ છે એટલે ભવિષ્યમાં પણ દબાણની રાજનીતિ કામ નહીં આવે.
એમ કહેવાય છે કે માર્કેટયાર્ડમાં હડતાળના ઘટનાક્રમમાં ભાજપની જ આંતરિક જુથબંધીનું રાજકારણ ઘુસી ગયુ હોવાના કારણોસર સતાધીશો આકરા પાણીએ થયા હતા.

યાર્ડ ચાલુ થાય તો દલાલમંડળ અવરોધ નહીં સર્જે; વેપારી એકતા તોડવાનું અયોગ્ય: કામાણી
આખરી નિર્ણય વેપારીઓ સાથે વાતચીત કરીને લેવાશે
રાજકોટ માર્કેટયાર્ડ કમીશન મર્ચન્ટ એસોસીએશનના પ્રમુખ અતુલ કામાણીએ કહ્યું કે વેપારીઓ-ખેડુતો-દલાલો સામેના પોલીસકેસો પાછા ખેંચવાની માંગણી ઉભી જ છે. યાર્ડ સતાધીશોએ એસોસીએશનની ઓફીસને તાળુ મારી દીધુ છે. પોતાના સહિત ત્રણને લાયસન્સ સસ્પેન્ડ કરવાની નોટીસ ફટકારી છે. વેપારી-દલાલમંડળની એકતા તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તે નિંદનીય છે.
તેઓએ સ્પષ્ટ કર્યુ કે વૈકલ્પિક વ્યવસ્થા અંતર્ગત યાર્ડ સતાધીશો કામકાજ ચાલુ કરાવી દયે તો તેની સામે દલાલમંડળને કોઈ વાંધો નથી. દલાલમંડળ દ્વારા કોઈ આવરોધ નાખવામાં નહીં આવે. ખેડુતોના હિતમાં જરૂર હોય ત્યાં સહયોગ આપવાની પણ તૈયારી છે. બાકી દલાલમંડળ પોતાના અભિગમ વિશેનો આખરી નિર્ણય આગેવાન વેપારીઓ-કમીશન એજન્ટોની બેઠક-વાતચીતના આધારે લેશે.

યાર્ડ સતાધીશો એકાએક કેમ ‘આકરા’ બન્યા?
ગઈ સાંજે રાજકીય વિરોધીની ઓફિસે અમુક વેપારીઓએ બેઠક કર્યાની ગંધ આવતા જ બ્રહ્માસ્ત્ર ઉગામ્યુ
માર્કેટયાર્ડમાં નવ દિવસથી ચાલતી હડતાળમાં ભાજપનું જ આંતરિક રાજકારણ ઘુસી ગયાનું સ્પષ્ટ થવા લાગ્યુ હતું. હરિફ જૂથના ઈશારે અને દોરીસંચારથી હડતાળ ચલાવવામાં આવતી હોવાની ચર્ચા હતી. યાર્ડ સતાધીશોએ હજુ ગઈકાલ સુધી ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપવાનું નકકી કર્યુ હતું તે દરમ્યાન ગઈ સાંજે હરિફ જૂથના એક નેતાની ઓફિસે કેટલાક વેપારીઓએ બેઠક કર્યાની વાત આવી હતી એટલે યાર્ડ સતાધીશો સાવધ બન્યા હતા. રાજકીય જૂથબંધી પ્રેરિત હડતાળને વધુ વખત ચાલવા દેવાને બદલે તોડી નાખવા ધડાધડ ત્રણ નિર્ણયો લઈ લીધા હતા. સવારથી જ ધડાધડ નિર્ણયો લઈ લેવાયા હતા. એક કાંકરે બે પક્ષી મારવાનો આશય છે. હડતાળ ખત્મ કરવા ઉપરાંત સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ પુર્વે વિરોધીઓને કોઈ ઉંબાડીયા લેવાથી દૂર રહેવાનો સંદેશ આપવાનો પણ ઈરાદો હોવાનું મનાય છે.


Loading...
Advertisement