જામનગરમાં ગરમીનું જોર વધ્યું: મહત્તમ તાપમાન 31 ડીગ્રી

25 February 2020 02:55 PM
Jamnagar Saurashtra
  • જામનગરમાં ગરમીનું જોર વધ્યું: મહત્તમ તાપમાન 31 ડીગ્રી

ઠંડી-ગરમીના મિશ્ર વાતાવરણ વચ્ચે તાપમાન ઉચકાયું: આગામી દિવસમાં ગુલાબી ઠંડી ઘટવાની શક્યતા

જામનગર.તા.25
જામનગરમાં તાપમાનમાં ચડાવ-ઉતાર વચ્ચે મહતમ તાપમાન એક ડીગ્રી વધ્યું છે. બપોરના સમયે સૂર્ય નારાયણના આકરા મિજાજથી લોકો પરેશાન થઇ ગયા છે. જો કે રાત્રીના સમયે ફૂકાતા ઠંડા પવનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે. આગામી દિવસોમાં ઠંડીનું જોર ઘટે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
જામનગરમાં વહેલી સવારે અને રાત્રી દરમ્યાન અનુભવાતી ઠંડી અને બપોરના સમયે ગરમીનાં માહોલથી મિશ્ર વાતાવરણ અનુભવાય રહ્યું છે. સતત ગરમી ઠંડીના માહોલને કારણે દર્દીઓની સંખ્યા પણ વધી છે. ત્યારે હવે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ ઘટે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હાલ જામનગરમાં વાદળિયા વાતવરણ વચ્ચે વહેલી સવારે અને રાત્રી દરમ્યાન ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. જયારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે.
જામનગરમાં સવારના સમયે જેમ-જેમ સૂર્ય નારાયણના દર્શન થાય છે તેમ-તેમ અસહ્ય ઉકળાટ સાથે વાતાવરણ હુંફાળું બની જાય છે. જયારે જેમ-જેમ દિવસ પસાર થતો જાય છે તેમ-તેમ ગરમીનું જોર પણ વધતું જાય છે. બપોરના સમયે ગરમીનું પ્રમાણ વધતા મહતમ તાપમાનનો પારો 30 ડીગ્રીને પાર પહોચી જાય છે. જયારે સાંજ ઢળતા જ વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધી જાય છે અને ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. જામનગરમાં છેલ્લા 24 કલાક દરમ્યાન લઘુતમ તાપમાન 15.2 ડીગ્રી, મહતમ તાપમાન 31 ડીગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 79 ટકા જયારે પવનની સરેરાશ ઝડપ 4.2 કી.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી.


Loading...
Advertisement