યાર્ડની હડતાળમાં રાજકારણ ઘુસી ગયું? ભાજપનો જ આંતરિક જુથવાદ કારણભૂત! સહકારીક્ષેત્રની ચૂંટણી નિશાન

22 February 2020 04:37 PM
Rajkot Saurashtra
  • યાર્ડની હડતાળમાં રાજકારણ ઘુસી ગયું? ભાજપનો જ આંતરિક જુથવાદ કારણભૂત! સહકારીક્ષેત્રની ચૂંટણી નિશાન

આગળ વધવા માટે તોફાનોનો આશરો ન લઇ શકાય! યાર્ડ હોદેદારોના વિધાનો ‘સૂચક’

રાજકોટ તા.22
રાજકોટ માર્કેટ યાર્ડમાં છેલ્લા એકાદ અઠવાડીયાથી ચાલતી હડતાળનો કોઇ ઉકેલ આવ્યો નથી અને મડાગાંઠ વધુ ગંભીર બની ગઇ છે ત્યારે સમગ્ર ઘટનાક્રમમાં ભાજપનું જ આંતરીક રાજકારણ ઘૂસી ગયા હોવાની અટકળોએ જોર પકડયું છે. આવતા મહિનાઓમાં રાજકોટ જિલ્લાની અનેક સહકારી સંસ્થાઓમાં ચૂંટણી યોજાવાની છે તેને નિશાન બનાવીને ભાજપનું જ એક હરીફ જૂથ મેદાને આવીને પલીતો ચાંપી રહ્યાની ચર્ચા થવા લાગી છે.

રાજકોટ જિલ્લા ભાજપમાં જૂથવાદ કોઇ નવી વાત નથી. જિલ્લા ભાજપના આગેવાનો જ સહકારી રાજકારણમાં સંકળાયેલા છે અને વિવિધ હોદાઓ ધરાવે છે. ઘણા વખતથી સહકારી રાજકારણમાં આંતરીક લડાઇ ચાલતી જ રહી હતી અને તેનો પ્રત્યાઘાત ભાજપના સંગઠનમાં પણ પડતો રહ્યો હતો.

હવે માર્કેટ યાર્ડની સપ્તાહથી ચાલી રહેલી હડતાળ અને તેમાં સર્જાયેલી નવી મડાગાંઠમાં તેનો પડઘો પડવા લાગ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભાજપના જ એક સહકારી આગેવાને એમ જણાવ્યું હતું કે ભાજપની આંતરીક જૂથ બંધી માર્કેટ યાર્ડની વર્તમાન મડગાંઠમાં ઘૂસી ગઇ છે. સહકારી ક્ષેત્રનું અને ભાજપ સંગઠનનું હરીફ જૂથ મેદાને આવી ગયું છે અન યાર્ડ પ્રકરણમાં સમાધાન થવા ન દેતુ હોય તેમ જણાઇ રહ્યું છે. તેઓએ એવી તર્કબઘ્ધ દલીલો કરી હતી કે પોલીસ કેસો પાછા ખેંચવાનું યાર્ડ કે ભાજપના આગેવાનોના હાથમાં ન હોય આ વાત સામાન્ય વ્યકિત પણ સમજી શકતી હોય છે. વેપારી વર્ગ ઘણો હોંશિયાર છે અને પોલીસ કેસ પાછા ખેંચવાનું યાર્ડના હાથમાં ન હોઇ શકે તે સારી રીતે જાણે છે. છતાં પોલીસ કેસ પાછા ખેંચવાની માંગ કરીને કામે નહી ચડવાનું ઠરાવ્યું છે તેના પરથી જ એવી સાબિતી મળી જાય છે કે કોઇના કહેવાથી આવી જીદ કરવામાં આવી રહી છે.

એમ કહેવાય છે કે ભાજપની જુથબંધી ઘણી જૂની છે. જિલ્લા પ્રમુખની પસંદગી વખતે પણ આ પ્રકાશમાં આવી જ હતી. એટલું જ નહી ગત વર્ષે વિવિધ સહકારી મંડળીઓની ચૂંટણીમાં પણ ભાજપના જ બે જૂથ સામસામા થયા હતા અને અમુક કિસ્સામાં મામલો કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. હવે આવતા દિવસોમાં જિલ્લા બેંક, માર્કેટ યાર્ડ, જિલ્લા સંઘ, રાજકોટ ડેરી, લોધીકા સંઘ સહિતની ટોચની સહકારી સંસ્થાઓની ચૂંટણી થવાની છે એટલે તકનો લાભ લઇને હરીફ જૂથ મેદાને પડયું હોવાનું મનાય છે. ભાજપની આ લડાઇ લાંબી ચાલવાના એંધાણ છે. મામલો કદાચ પ્રદેશ નેતા સુધી પણ પહોંચી શકે છે.

યાર્ડ સત્તાધીશોએ માથે રહીને ધોકા ખવડાવ્યા! બેઠકમાં ખૂલ્લા આક્ષેપના પગલે ઉહાપોહ
ચક્કાજામ વિશે સત્તાધીશો વાકેફ હતા, સહમતી પણ હતી : દલાલ મંડળ
માર્કેટ યાર્ડની હડતાળનો ઉકેલ લાવવા માટે આજે સવારે યાર્ડ સત્તાધીશો તથા વેપારીઓ, દલાલ મંડળ, મજૂરો વચ્ચે બેઠક થઇ હતી. પરંતુ તેમાં એકબીજા પર સામસામી આક્ષેપબાજી થતાં મામલો ગરમાયો હતો અને જબરો ઉહાપોહ સર્જાયો હતો.

માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે કે બેઠકની શરૂઆત થઇ ત્યારે જ દલાલ મંડળના હોદેદારો તથા સભ્યોએ એવો આક્ષેપ કર્યો હતો કે યાર્ડ સત્તાધીશોએ માથે રહીને જ પોલીસ બોલાવીને વેપારી ખેડૂતોને ધોકા ખવડાવ્યા હતા. બાકી મચ્છરોના ત્રાસના મુદ્દે મોરબી હાઇવે પર ચક્કાજામ કરવાનું સત્તાધીશોની હાજરીમાં જ નક્કી થયું હતું. ચક્કાજામ કરવા વિશે યાર્ડ સત્તાધીશો પણ વાકેફ હતા અને તેઓએ પણ આંદોલનના કાર્યક્રમમાં સમર્થન આપવાની બાહેંધરી આપી હતી. બેઠકમાં આ નિર્ણય થયો હતો અને એ પછી જ વેપારીઓ, ખેડૂતો અને મજૂરો સંયુકત રીતે હાઇવે પર ચક્કાજામ કરવા નીકળી પડયા હતા.

દલાલ મંડળના આ આક્ષેપ સામે યાર્ડ સત્તાધીશોએ એવો બચાવ કર્યો હતો કે ચક્કાજામનો કાર્યક્રમ સાંજે રાખવાનું નક્કી થયું હતું. એટલું જ નહી માત્ર ચક્કાજામ કરવાની વાત હતી. પથ્થરમારો કરવાની કે કાયદો હાથમાં લેવાની કોઇ વાત ન હતી. દલાલ મંડળ ખોટી વાત ફેલાવી રહ્યા છે અને ખોટો ભ્રમ ઉભો કરી રહ્યા છે. પોલીસ પર પથ્થરમારો કરવા કે અન્ય કોઇ રીતે કાયદો હાથમાં લેવા માટે યાર્ડ સત્તાધીશો કયારેય છૂટ આપી ન શકે.

બેઠકની શરૂઆતમાં જ આ પ્રકારની સામસામી આક્ષેપબાજી અને દલીલ બાજી થતા વાતાવરણ ગરમાઇ ગયું હતું અને વાત હડતાલ ખતમ કરવાને બદલે એકબીજા પર આક્ષેપો કરવા તરફ ફંટાઇ ગઇ હતી ત્યારે દલાલ મંડળ અને વેપારીએ કેસ પાછા ખેંચવાની વાત ઉચ્ચારી હતી અને ત્યાં સુધી સામે નહી ચડવાનું સ્પષ્ટ કરી દીધુ હતું.

હડતાલ નથી, વેપારીઓ દ્વારા સ્વયંભુ કામકાજ બંધ રખાયા છે : અતુલ કામાણી
રાજકોટ માર્કેટ યાર્ડમાં હડતાલ વચ્ચે કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલ કામાણીએ આજે વાતચીતમાં એવુ જણાવ્યું હતું કે દલાલ મંડળ દ્વારા હડતાલનું કોઇ એલાન આપવામાં આવ્યું નથી. પરંતુ મચ્છરોના ત્રાસ અને પોલીસના બળપ્રયોગના વિરોધમાં વેપારીઓ તથા દલાલોએ સ્વંભૂ રીતે યાર્ડમાં કામકાજ નહી કરવાનો નિર્ણય લીધો છે.

તેઓએ સ્પષ્ટ કર્યુ હતું કે પોલીસ પાછા ન ખેંચાય અને યાર્ડ નજીકની નદીની ગાંડીવેલ દૂર ન થાય ત્યાં સુધી કામકાજ નહી કરવા આજે યોજાયેલી બેઠકમાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. માત્ર દલાલ મંડળ નહી પરંતુ વેપારીઓ અને મજૂરોનો પણ સમાનસૂર રહ્યો હતો. મચ્છરનો ત્રાસ દૂર કરવાની કામગીરી ભલે ચાલુ હોય છતાં હજુ સાંજે કોઇ જાતના કામકાજ થઇ શકે તેવી સ્થિતિ નથી. આ સિવાય પોલીસના ચોપડે નિર્દોષ વેપારીઓ અને મજૂરો ચડી ગયા છે.

ખોટા કેસ કરવામાં આવ્યા છે એટલે આ ખોટા પોલીફસ કેસ દૂર ન થાય ત્યાં સુધી કામ કરવાનો કોઇ સવાલ ઉભો થતો જ નથી. પોતાનો એકલાનો નહી પરંતુ સમગ્ર વેપારી વર્ગનો એક સમાન સૂર રહ્યો છે. હવે હડતાલ કયારે ખૂલે તે પોલીસ તંત્ર અને સરકારી વિભાગોના હાથમાં છે. ખેડૂતોનું અહિત થાય તેવુ વેપારીઓ કે દલાલ મંડળ પણ ઇચ્છતા નથી. તેઓની રોજી રોટી પણ યાર્ડના વેપાર ધંધા પર જ છે. વહેલી તકે કેસો પાછા ખેંચવાનું જાહેર થાય તો કામે ચડવાની તૈયારી છે.


Loading...
Advertisement