સોનામાં તેજી; 1000 કરોડના સોદા સામે પ્રશ્ર્નાર્થ

21 February 2020 06:16 PM
India
  • સોનામાં તેજી; 1000 કરોડના સોદા સામે પ્રશ્ર્નાર્થ

મુંબઈના જવેલરી શોમાં 1000 કરોડની જવેલરીના સોદા થયા હતા પણ ભાવ વધી જતા ખરીદનારા ‘ડીલીવરી’ અટકાવશે તેવી ઝવેરીઓને શંકા

મુંબઈમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ જવેલરી શોમાં ભારતીય જવેલર્સોએ કરેલા સોનાના 1000 કરોડના વેચાણ સોદા સામે શંકાના વાદળો ઘેરાયા છે. સોનાના ભાવમાં ધરખમ વધારો થતા સોનાના દાગીનાની જંગી બોર્ડર આપનારા વિદેશી વેપારીઓ ડીલીવરી લેશે કે કેમ તે વિશે અનિશ્ર્ચિતતા ઉભી થતી જવેલરી ઉદ્યોગમાં સ્તબ્ધતા છવાઈ ગઈ છે.
ચીનમાંથી ઉદભવેલા કોરોના વાયરસનો પગપેસારો અન્ય દેશોમાં થઈ રહ્યો છે અને તેની વૈકલ્પિક અર્થતંત્ર પર ગંભીર અસર થવાની આશંકાને કારણે સોનાના ભાવોમાં પુરપાટ તેજી શરૂ થઈ છે. છેલ્લા દિવસોમાં સોનાના ભાવમાં ધરખમ વધારો થયો છે એટલે જવેલરી શોમાં કરાયેલા વેચાણ વ્યવહારો સાકાર થશે કે કેમ તે વિશે ઝવેરીઓમાં શંકા ઉઠવા લાગી છે.
જવેલરી ઉદ્યોગના સૂત્રોએ કહ્યું કે જવેલરી શો પછી સોનાના ભાવ વધ્યા છે એટલે સોનાના દાગીના ખરીદનારા વેપારીઓ સમયસર ડીલીવરી લેશે કે કેમ તે વિશે શંકા ઉભી થવા લાગી છે.
ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જવેલરી ડોમેસ્ટીક કાઉન્સીલના ચેરમેન અનંથ પદ્મનાભને કહ્યું કે દાગીનાના ખરીદ સોદા કરનારા વેપારીઓ સમયસર ડીલીવરી લેશે કે કેમ તેની ચિંતા છે. તેઓ હાથ ઉંચા કરી દયે તો ઘરઆંગણે ઝવેરીઓની મૂડી સલવાય જવાનું જોખમ છે.
મુંબઈમાં 13થી16 ફેબ્રુઆરી દરમ્યાન મુંબઈમાં યોજાયેલા જવેલરી શોમાં 600થી વધુ જવેલર્સોએ ભાગ લીધો હતો. નિષ્ણાંતોમાં એવો દાવો કરી રહ્યા છે કે કોરોના વાયરસની અસર હેઠળ ટુંકાગાળામાં સોનાના ભાવો હજુ વધુ વધી શકે છે. સોનુ કટોકટીમાં સૌથી સુરક્ષિત રોકાણ ગણાતુ હોવાની વિશ્ર્વસ્તરે ડીમાંડ વધવા લાગી છે.
કોરોના વાયરસ ફેલાયા પછી સોનામાં 3 ટકાની તેજી થઈ ગઈ છે. ચીને 20મી જાન્યુઆરીએ કોરોના વાયરસની પૃષ્ટિ કરી હતી ત્યારબાદ સોનાનો આંતરરાષ્ટ્રીય ભાવ 1600 ડોલરને વટાવી ગયો છે. ટુંકાગાળામાં 1645 ડોલર થવાનો અંદાજ ઝવેરીઓ દર્શાવી રહ્યાં છે.
ઝવેરીઓનો એવો પણ મત છે કે ઉંચા ભાવને કારણે ઘરઆંગણે પણ ખરીદીમાં બ્રેક લાગવાની શકયતા છે. લગ્નગાળો પુરો થતા જ ઘરાકી અર્ધોઅર્ધ ઘટી જશે.


Loading...
Advertisement