બિનખેતી-નવી જૂની શરતના પ્રકરણો હવે ઓનલાઈન તો અરજદારો શા માટે આવે છે ? કલેક્ટર

21 February 2020 05:59 PM
Rajkot
  • બિનખેતી-નવી જૂની શરતના પ્રકરણો હવે ઓનલાઈન તો અરજદારો શા માટે આવે છે ? કલેક્ટર

બધા પ્રકરણોમાં જે તબક્કે ફાઈલ આગળ વધે તેની અરજદારોને જાણ કરો, ફેસલેસ કામગીરીનો આગ્રહ

રાજકોટ,તા. 21
રાજકોટ કલેક્ટર કચેરીમાં બિનખેતી-નવી જૂની શરત સહિતની મોટા ભાગની કામગીરી ઓનલાઈન થઇ ગઇ છે. ક્યું પ્રકરણ કોનું છે ? તેની જાણ થતી નથી. આમ છતા કલેક્ટર કચેરીની બિનખેતી-અપીલ શાખામાં અરજદારોનો જમાવડો જોવા મળે છે. આ સ્થિતિ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન કચેરીમાં ગોઠવેલા 91 સીસીટીવી કેમેરાથી લાઈવ જોઇ રહ્યા છે. તાજેતરમાં રેવન્યુ ઓફિસરોની મિટીંગમાં આ મુદ્દે બન્ને બ્રાન્ચોનાં અધિકારીને સ્પષ્ટ તાકીદ કરી હતી કે હવે ઓનલાઈન પધ્ધતિથી પ્રકરણો મંજુર-નામંજુર થાય છે તો પછી અરજદારો ફાઈલનું સ્ટેટસ જાણવા શા માટે આવે છે ? અરજદારોને ધક્કા થાય નહીં તે માટે જે સ્ટેજે ફાઈલ ક્લીયર થાય તેની વિગત અરજદારોને ઓનલાઈન જ આપી દયો તેવો સ્પષ્ટ સંદેશો જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને આપ્યો છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન બિનખેતી-નવી જૂની શરતના
પ્રકરણોમાં ફેસલેસ કામગીરી કરવાના ચુસ્ત આગ્રહી છે. કોઇ ભ્રષ્ટાચાર થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખે છે. ફાઈલ ઓનલાઈન મુકાય અને પ્રિ સ્ક્રુટીની ઓફિસર જે ચેનલ એટલે કે ગ્રીન-યલો-રેડ ચેનલ નક્કી કરે તે મુજબના સમય, દિવસ દરમ્યાન ફાઈલ મંજુર-અગ્રાહ્ય કરવાની રહે છે. નિયત દિવસોનાં ફાઈલ નિકાલનો કલેક્ટર ચુસ્ત આગ્રહ રાખે છે.
બિનખેતી-નવી જૂની શરતની ફાઈલો ઓનલાઈન થઇ ગઇ છે તો ફાઈલનું શું થયું ? તે જાણવા અરજદારો શા માટે ધક્કા ખાઇ છે ? જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને આ સ્થિતિ નિવારણ હવે આ બન્ને બ્રાન્ચનાં શાખા અધિકારીને એવી ટકોર કરી છે કે જે કોઇ ફાઈલ જે તબક્કે ક્લીયર થાય તેની માહિતી અરજદારોને તુરત જ મેઇલ-મેસેજ કરીને આપી દેવી જેથી કરીને અરજદારો કલેક્ટર કચેરીએ ધક્કા ખાઈ નહીં. દરમ્યાન રેવન્યુ ઓફિસરોની બેઠકમાં જિલ્લા કલેક્ટરે આ બન્ને મહત્વની શાખાઓને ફાઈલોનો સમયમર્યાદામાં નિકાલ કરવા, અરજદારોને ધક્કા નહીં ખાવા સહિતનાં મુદ્દે સૂચના આપી ફેસલેસ કામગીરી કરવા તાકીદ કરી હતી. આ મીટીંગમાં સહાય ઉપરાંત વેકેશન પૂર્ણ થયા છાત્રોને આવક-જાતિ સહિતના દાખલા કઢાવવા મુશ્કેલી પડે નહીં તે માટે શાળા-કોલેજ કક્ષાએથી જ આવા પ્રમાણપત્રો મળી જાય તેવી વ્યવસ્થા કરવા સૂચના કરી શાળા-કોલેજના આચાર્યો-શિક્ષણાદિધકારી સાથે ટાઈઅપ કરવા જણાવાયું હોવાનું જાણવા મળેલ છે.


Loading...
Advertisement