ઉનામાં સરદાર પટેલની પ્રતિમા બળદે તોડી પાડતા હોબાળો

21 February 2020 05:05 PM
Veraval Gujarat
  • ઉનામાં સરદાર પટેલની પ્રતિમા બળદે તોડી પાડતા હોબાળો

કોઈ તત્વોએ નુકશાન કર્યાની ફરિયાદ નગરપાલીકાએ કરી દીધા બાદ સીસીટીવીમાં હકીકત દેખાઈ: અંતે મામલો ઠંડો પડયો

(ફારૂક કાજી) ઉના, તા. 21
ગીર-સોમનાથના ઉનામાં નગરપાલીકા પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને તોડી પડાતા ઉના શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. જે અંગે નગરપાલીકાએ પોલીસ ફરિયાદ કરી દીધા બાદ સીસીટીવી ફુટેજમાં બળદે આ પ્રતિમા તોડી નાખ્યાનું ધ્યાન પર આવતા તનાવ દૂર થઈ ગયો હતો.

આજે બપોરે કોઈએ પ્રતિમાને નુકશાન કર્યાની વાત ફેલાતા આ પ્રતિમાને તોડી પાડનાર શખ્સો સામે પગલા લેવા માંગણી ઉઠતા નગરપાલીકાના સતાધીશોએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ઉના શહેરમાં પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના કાર્યાલય સામે અને નગરપાલીકા ભવનનીની નીચે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને કોઈએ તોડી પાડયાની વાત ફેલાતા લોકોનો મોટો સમુદાય એકઠો થયો હતો.

આ અંગે નગરપાલીકાના સત્તાધીશોએ પોલીસમાં કોઈ અજાણ્યા શખ્સો સામે પ્રતિમા તોડી પાડયાની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધી સીસીટીવી ફુટેજના આધારે આ ગુન્હામાં સંડોવાયેલાઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન પોલીસ ફરિયાદ બાદ સીસીટીવી ફુટેજ ચકાસવામાં આવ્યા હતાં. તેમાં ધણખુંટે આ પ્રતિમા સાથે માથુ ભટકાવતા મૂર્તિ ખંડીત થયાનું ધ્યાન પર આવ્યુ હતું. આથી પોલીસે આ દિશામાં કાર્યવાહી કરી છે. કોઈ તત્વોએ પ્રતિમાને નુકશાન નહીં કર્યાનું ધ્યાન પર આવતા ટોળા શાંત થયા હતાં.


Loading...
Advertisement