નમસ્તે ટ્રમ્પ! પ્રધાનો, ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓએ પણ ‘બસ’ પકડવી પડશે

21 February 2020 05:03 PM
Ahmedabad Gujarat
  • નમસ્તે ટ્રમ્પ! પ્રધાનો, ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓએ પણ ‘બસ’ પકડવી પડશે

અંગત કારમાં જવાની મનાઇ : તમામને ‘વોલ્વો બસ’માં લઇ જવાશે : 23મી રાત્રે જ પ્રધાનોએ બંગલે પહોંચી જવુ પડશે : ધારાસભ્યોને ફોનથી આમંત્રણ

ગાંધીનગર તા.21
ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન આયોજિત રોડ શો અને મોટેરા સ્ટેડિયમના લોકાર્પણ કાર્યક્રમમાં તમામ મંત્રીઓએ ફરજિયાત બસમાં કાર્યક્રમ સ્થળે પહોંચવું પડશે .રાજ્ય મંત્રી મંડળ ના કોઈ પણ પ્રધાન તેમને ફાળવાયેલી સરકારી ગાડીમાં સ્ટેડિયમ જઈ શકશે નહીં. અને આ માટે મંત્રી નિવાસ સ્થાને 24મી ફેબ્રુઆરીના રોજ સવારે મૂકવામાં આવેલી વોલ્વો બસમાં તમામ મંત્રીઓએ સાથે સ્ટેડિયમ પહોંચવાનું રહેશે . સાથે સાથે પ્રધાનમંડળના તમામ મંત્રીઓએ 23 મી રાત સુધીમાં મંત્રી નિવાસ સ્થાને પહોંચી જવાની સૂચના આપવામાં આવી છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીના આગમનના પગલે રાજ્યના નાગરિકોની સાથે સાથે મંત્રીઓએ પણ કેટલા નિયમોનો ફરજિયાત અમલ કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે .
આ પ્રકારનો નિર્ણય કરવાનું મુખ્ય કારણ એ છે કે 24 મી ફેબ્રુઆરીએ આયોજિત આ કાર્યક્રમમાં મંત્રીઓને ટ્રાફિકની સમસ્યા નડે નહીં અને કોઈપણ મંત્રી મોટેરા સ્ટેડિયમમાં આસાનીથી પોતાની એન્ટ્રી લઇ શકે તે હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે .
ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સમગ્ર કાર્યક્રમની તૈયારીઓની આખરી સમીક્ષા કરવામાં આવી હતી. તે સમયે આ મુદ્દા અંગે મુખ્ય સચિવ અનિલ મૂકીમેં બેઠક દરમિયાન જણાવ્યું હતું કે મોટેરા સ્ટેડિયમના કાર્યક્રમ સ્થળે પહોંચવા માટે તમામ મંત્રીઓને ફાળવાયેલી સરકારી ગાડીમાં ટ્રાફિક સમસ્યા નડી શકે તેમ છે .આ ઉપરાંત એસપીજી દ્વારા થનારા સિક્યુરિટી ચેકિંગમાં પણ મંત્રીઓને તકલીફ પડે તેમ છે. માટે તમામ મંત્રીઓને એક જ બસની અંદર લાવવા લઈ જવાની વ્યવસ્થા ગોઠવવા માટે મુખ્યમંત્રી ને માહિતગાર કરવામાં આવ્યા હતા .જેના પગલે વિજયભાઈ રૂપાણીએ પણ આ મુદ્દાની ગંભીરતા લઈને સામાન્ય વહીવટ વિભાગને વ્યવસ્થા ગોઠવવા માટે મિટિંગમાં જ સૂચના આપી હતી. જેના પરિપ્રેક્ષ્યમાં હવે પ્રધાનમંડળના કોઈપણ મંત્રી પોતાને ફાળવાયેલી સરકારી ગાડીમાં સ્ટેડિયમ જશે નહીં જેના બદલે તમામ મંત્રીઓ 24મી ફેબ્રુઆરી એ સોમવારે મંત્રી નિવાસ સ્થાનેથી એક સાથે વોલ્વો બસમાં મોટેરા સ્ટેડિયમ જશે.
આ ઉપરાંત તમામ મંત્રીઓને વિજયભાઈએ તાકીદ કરી છે કે કોઈપણ મંત્રી સરકારી કાર્યક્રમ કે તેમના મતક્ષેત્રના પ્રવાસે હોય તો તેમણે 23મી ફેબ્રુઆરી ની રાત સુધીમાં મંત્રી નિવાસે પહોંચી જવું પડશે જેથી બીજા દિવસે 24 મી એ નિર્ધારતી સમય મુજબ તમામ મંત્રીઓ એક સાથે મોટેરા સ્ટેડિયમ પહોંચી શકે.
24મી તારીખ ના કાર્યક્રમમાં તમામ ધારાસભ્યો ને ઉપસ્થિત રહેવા ગઈકાલે મોડી સાંજથી ટેલિફોન દ્વારા સૂચના આપવાની શરૂઆત કરી દિધી છે. અને તમામ ધારાસભ્યો ને 23મી ના રવિવાર સુધી માં એમ.એલ.એ કવાટર્સ (સદસ્ય નિવાસ)માં પહોંચી જવાનું ફરમાન કમલમથી કરવામાં આવ્યું છે. અને ત્યાંથી 24મી સવારે 9 થી 10 કલાક ની વચ્ચે વોલ્વો બસમાં ભાજપના તમામ ધારાસભ્યો ને મોટેરા સ્ટેડિયમ ખાતે લઈ જવામાં આવશે.
તો બીજી તરફ કેટલાક સનદી અધિકારીઓ , કેટલાક આઈ.એફ.એસ. સહિત કેટલાક ઉચ્ચ અધિકારીઓ પણ નવા સચિવાલય ખાતેથી વોલ્વો બસ દ્વારા મોટેરા સ્ટેડિયમ પહોચશે.


Loading...
Advertisement