મોરબીના નવલખી પોર્ટ પર મજૂરના પગ પર ટ્રકનું તોતીંગ વ્હીલ ફરી વળ્યું : ઇજા

21 February 2020 02:49 PM
Morbi
  • મોરબીના નવલખી પોર્ટ પર મજૂરના પગ પર ટ્રકનું તોતીંગ વ્હીલ ફરી વળ્યું : ઇજા

વાહન અકસ્માતના અલગ-અલગ બનાવોમાં ચારને ઇજા

(જીજ્ઞેશ ભટ્ટ)મોરબી તા.21
મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવેલ નવલખી પોર્ટ ખાતે ગઈકાલે અકસ્માત બનાવ બન્યો હતો જેમાં ટ્રકનું ટાયર પગ ઉપરથી ફરી વળતા શ્રવણકુમાર સેનારામ નામના 19 વર્ષના યુવાનને ગંભીરપણે ઘવાયેલા હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અહીં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે શ્રવણકુમારને રાજકોટ લઇ જવાયો હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળેલ છે.

જુદા જુદા વાહન અકસ્માતમાં ચારને ઇજા
મોરબી શહેર અને જિલ્લા વિસ્તારમાં ગઇકાલે વાહન અકસ્માતના જુદાજુદા ચાર બનાવો બન્યા હતા જેમાં ઘવાયેલા ચાર લોકોને સારવારમાં લઇ જવાય છે.જેમાં મોરબીના જૂના બસ સ્ટેશન પાસે ઈદ મસ્જિદ રોડ પર રહેતા નસીમબેન ફારૂકભાઈ સંધિ નામના 43 વર્ષના મહિલા પગપાળા માધાપર રોડ આસ્વાદ પાન પાસેથી જઈ રહ્યા હતા ત્યારે બાઇક ચાલકે તેઓને હડફેટ લેતાં નસિમબેનને સારવારમાં ખસેડાયા છે.જ્યારે હળવદના રહેવાસી હીરાબેન અમરશીભાઈ પરમાર નામના 60 વર્ષના વૃધ્ધા ઘેરથી બાઈકમાં બેસીને સ્વામિનારાયણ મંદિરે જઈ રહ્યા હતા દરમિયાનમાં સરા ચોકડી નજીક બાઇક સ્લીપ થઇ જવાના બનાવમાં ઇજા થવાથી હીરાબેનને સારવારમાં ખસેડાયા હતા.

જ્યારે ટંકારાના યોગેશ્વરનગરમાં રહેતા કેશુભાઈ દાનાભાઈ ચાવડા નામના પચાસ વર્ષના આધેડ બંગાવડી અને દેવળીયા ગામની વચ્ચેથી જઈ રહ્યા હતા તે દરમિયાન થયેલા વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી કેશુભાઈને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા તેમજ હળવદ તાલુકાના પાંડાતીરથ ગામનો ભરત ધનજી ડાભી નામનો 30 વર્ષનો યુવાન મેારબી-રાજકોટ હાઈવે ઉપરથી જતો હતો ત્યારે અજંતા અને વિરાટ હોટલ વચ્ચે થયેલ વાહન અકસ્માતના બનાવોમાં ઈજા થવાથી ભરતને અહીં સારવારમાં ખસેડાયો હતો.


Loading...
Advertisement