પાલિકાના પૂર્વ પ્રમુખને વર્તમાન પ્રમુખ-કારોબારી અધ્યક્ષે માર માર્યો

20 February 2020 05:39 PM
Jasdan Rajkot
  • પાલિકાના પૂર્વ પ્રમુખને વર્તમાન પ્રમુખ-કારોબારી અધ્યક્ષે માર માર્યો

જસદણમાં પ્રેમલગ્નનો ખાર રાખી: તારો ભત્રીજો છુટાછેડાના કાગળો પર કેમ સહી કરતો નથી કહી? ઢીકાપાટુ-પાવડા વડે ફટકાર્યા: ઝપાઝપીમાં પૂર્વ પ્રમુખની સોનાની વિંટી-ચેઈન પડી ગયા: છ શખ્સો સામે ગુનો નોંધાયો

રાજકોટ તા.20
જસદણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પર વર્તમાન પ્રમુખ તથા કારોબારી અધ્યક્ષ સહિત છ શખ્સોએ વાડીએ ધસી જઈ ઢીકાપાટુ તેમજ પાવડા ખંપાળી વડે માર માર્યો હોવાની ફરિયાદથી ભારે ચકચાર જાગી છે.

પાલિકાના પૂર્વ પ્રમુખના ભત્રીજાએ કારોબારી અધ્યક્ષની ભત્રીજી સાથે પ્રેમલગ્ન કર્યા હોય તે બાબતનો ખાર રાખી વાડીએ જઈ હુમલો કર્યો હતો. બનાવ અંગે પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે.

જસદણના ગીતાનગરમાં રહેતા અને પાલિકાના પૂર્વ પ્રમુખ ધીરૂભાઈ શામજીભાઈ ભાયાણી (ઉ.65) દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જસદણ પાલિકાના વર્તમાન પ્રમુખ જીજ્ઞેશ જીવણભાઈ હીરપરા કારોબારી અધ્યક્ષ ભાવેશ પ્રાગજીભાઈ વઘાસીયા, નરેન્દ્ર કિશોરભાઈ, હસમુખ ઉર્ફે બાટલી હરજીભાઈ, સાવંત મનસુખભાઈ હીરપરા તેમજ એક અજાણ્યા શખ્સનું નામ આપ્યું છે. જેમાં આ શખ્સોએ તેમને ઢીકાપાટુ તથા પાવડા ખંપાળી વડે માર માર્યો હોવાનું જણાવતા પોલીસે આઈપીસીની કલમ 447, 323, 504, 506 (1) 114 તથા જીપી એકટ કલમ 135 મુજબ ગુનો નોંધ્યો છે.

ધીરૂભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલ સવારના નવેક વાગ્યે જુના કલોરાણાના રસ્તે આટકોટ બાયપાસની બાજુમાં આવેલી તેમની વાડીએ હતો દરમ્યાન એક ગ્રે કલરની નગરપાલીકાની ઈનોવા ગાડી લઈને નગરપાલીકાના પ્રમુખ જીગ્નેશભાઈ જીવણભાઈ હિરપરા તથા ભાવેશ પ્રાગજીભાઈ વઘાસીયા બન્ને આવ્યા હતા અને કહ્યું હતું કે તમારા ભાઈનો દિકરો જીગ્નેશ છૂટાછેડાના કાગળમાં કેમ સહી કરતો નથી? તેમ કહી આ જીગ્નેશ હિરપરાએ કાંઠલો પકડી ગાળો આપવા લાગેલ અને તે બન્ને જણાએ ઢસડીને રૂમની બહાર બાજુમાં આવેલ વાડીમાં લઈ જઈ ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપહિતી. દરમ્યાન આ ભાવેશએ કોઈને ફોન કરેલ અને થોડીવારમાં એક સફેદ કલરની ફોરવ્હીલ ગાડી મારી વાડીએ આવેલ જેમાંથી નરેન્દ્ર કિશોરભાઈ માળવીયા તથા હસુભાઈ ઉર્ફે બાટલી હરજીભાઈ રોકડ તથા સાવંત મનસુખભાઈ હિરપરા તતા એક અજાણ્યો એમ બધા ગાડીમાંથી નીચે ઉતરી મારી પાસે આવી ગાળો આપી આડેધડ ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને આ ભાવેશ વઘાસીયાએ ત્યાં વાડીમાં પડેલ પાવડો તથા હસુભાઈએ ખંપાળી લઈ તેના વડે શરી માર મારવા લાગેલ ધીરૂભાઈ દેકારો કરવા લાગતા તેનો નાનો ભાઈ ખીમજીભાઈ આવેલ અને વચ્ચે પડતા તેને માર માર્યો હતો.

ઝપાઝપી દરમ્યાન ધીરૂભાઈનો હાથમાં પહેરેલ સોનાની વીંટી તથા ગળામાં પહેરેલ સોનાનો ચેઈન કયાંક પડી ગયેલ હતા તેની મને કાઈ ખબર રહેલ નથી અને આ લોકો અમને મુંઢમાર મારી જતા જતા કહેતા ગયેલ કે જો છુટેછેડાના કાગળમાં સહી નહીં કર તો તમને જાનથી મારી નાખીશું તેમ ધમકી આપી હતી.

ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે ધીરૂભાઈના ભત્રીજા જીગ્નેશે ચારેક માસ પૂર્વે કારોબારી અધ્યક્ષ ભાવેશભાઈની ભત્રીજી સાથે પ્રેમલગ્ન કર્યા હોય તે બાબતે સારૂ ન લાગતા તેના છુટાછેડાના કાગળો પર ધરાર સહી કરાવવા માટે માર માર્યો હતો. બનાવ અંગે પાલિકાના પૂર્વ પ્રમુખની ફરિયાદના આધારે જસદણ પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે. બનાવની વધુ તપાસ પીઆઈ એન.એચ. જોષી ચલાવી રહ્યા છે.


Loading...
Advertisement