મોરબીના સિરામીક જગત માટે સાઉદીના દરવાજા બંધ! 400 એકમો ધ્રુજયા

20 February 2020 12:19 PM
Morbi Gujarat
  • મોરબીના સિરામીક જગત માટે સાઉદીના દરવાજા બંધ! 400 એકમો ધ્રુજયા

ચાઇનાથી બમણી એન્ટી ડમ્પીંગ ડયુટી નક્કી : ભારતના માલ પર 41.02 ટકાનો રેટ : ભારત સરકાર મઘ્યસ્થી ન કરે તો ઉદ્યોગોની કમ્મર ભાંગી જવા ભય

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.20
મોરબીના સિરામિક ઉદ્યોગમાં મુશ્કેલીઓ પૂરું થવાનું નામ લેતી જ નથી એક પછી એક પીડા ઉદ્યોગકારો સામે આવતી જ રહેશે ત્યારે સાઉદી અરેબીયા દ્વારા ભારતની સિરામિક ટાઈલ્સ ઉપર ચાઈના કરતા બમણી એન્ટીડંમ્પીંગ ડયુટી નાખવા માટેની જે કવાયત કરવામાં આવી રહી હતી તેમાં બ્રેક લાગે તેના માટે મોરબી સિરામિક એસો.ના હોદેદારો સહિતનાએ ખુબ જ મહેનત કરી હતી. પણ મોરબીથી સૌથી વધુ ટાઈલ્સ જે દેશમાં જાય છે તે સાઉદી અરેબિયામાં મોરબીના સિરામિક ઉદ્યોગ માટે રસ્તો બંધ થઇ જશે તે નક્કી જ છે કેમ કે, છેલ્લે કરવામાં આવેલ મીટીંગ પછી અગાઉ નક્કી કરવામાં આવેલ ડ્યુટીમાં માત્ર 1.07 ટકાના ઘટડો કરીને સાઉદીના મંત્રી મંડળમાં ફાઈલ મોકલી દેવામાં આવી છે. તેના ઉપર મંજુરીની મહોર લાગી જાય એટલે ગમે ત્યારથી સાઉદીમાં મોરબીની ટાઈલ્સ ઉપર ચાઈના કરતા બમણી એન્ટીડંમ્પીંગ ડયુટી લાગુ થઇ જશે જેથી મોરબીના સિરામિક ઉદ્યોગકારોની મુઝવણ હાલમાં વધી ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા આ મુદ્દે દરમ્યાનગીરી નહિ કરવામાં આવે તો આગામી દિવસોમાં મોરબીના સિરામીક ઉધોગનો મૃત્યુઘંટ વાગી જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

છેલ્લા ઘણા સમયથી સાઉદી અરેબિયા દ્વારા ગલ્ફના દેશોમાં એન્ટી ડમ્પીંગ ડ્યૂટી લગાવવા માટે ડ્યૂટીની ટકાવારી નક્કી કરી દેવામાં આવી છે જેમાં ચાઇનાની આંગળીના ટેરવે ગણી શકાય તેટલી કંપનીને બાદ કરતા ચાઇના ઉપર 23.5 ટકા તેમજ ભારતની ત્રણ કંપનીને બાદ કરતા 42.09 ટકા ડ્યૂટી લગાવવા માટેની બન્ને દેશને જાણ કરી દેવામાં આવી હતી એટલે કે ચાઈનાની ટાઈલ્સ કરતા ભારતની ટાઈલ્સમાં ઉપર બમણી ડ્યૂટી લાગે તેમ હોવાથી ભારતમાંથી સાઉદીમાં એક્સપોર્ટ કરવામાં આવતી ટાઈલ્સ ઉપર બ્રેક લાગી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું જેથી મોરબી સિરામિક એસો.ના આગેવાનો સાઉદી થોડા સમય પહેલા સાઉદીની ઓથોરીટીની સાથે મિટિંગ કરવા માટે ગયા હતા અને જીસીસીના એન્ટી ડમ્પિંગ ડ્યુટી વિભાગના વડાની સાથે મીટીંગ કરવામાં આવી હતી ત્યારે ભારતીય એમ્બેસીના અધિકારીઓ, વાણીજ્ય મંત્રાલયના અધિકારીઓ તેમજ મોરબી સીરામીક એસો. ના પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા સહિતના હાજર રહ્યા હતા. ચાઈના કરતા બમણી ડ્યુટી મોરબીના ઉદ્યોગ ઉપર લગાવવા બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી જેના અંતેે એવું લાગતું હતું કે, સાઉદીમાંથી સકારાત્મક જવાબ મળશે પરંતુ આવું થયું નથી તેવું સૂત્ર પાસેથી જાણવા મળેલ છે.

મોરબીથી 30 ટકા થી વધુ એક્સપોર્ટ ગલ્ફના દેશોમાં થાય છે ત્યારે જો સાઉદીનું માર્કેટ બંધ થાય તો મોરબીના સીરામીક ઉદ્યોગનો મૃત્યુઘંટ વાગી જાય તેમ છે તે હક્કિત છે કેમ કે, હાલમાં મોરબીના સિરામિક ઉદ્યોગમાં માલની ડીમાન્ડ કરતા અનેક ગણું વધારે પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે જેથી ઘણા ઉદ્યોગકારોના ગોડાઉન ભરેલા પડ્યા છે ત્યારે જો સાઉદીના માર્કેટ ઉપર બમણી એન્ટી ડમ્પિંગ ડ્યુટીના કારણે જો બ્રેક લાગી જશે તો વિદેશમાં જતો માલ ભારતના માર્કેટમાં ડમ્પ થશે અને તેની સીધી અસર મોરબીના અર્થતંત્રમાં પણ થશે તેમાં શંકાને કોઈ સ્થના નથી.

હાલમાં મોરબી સિરામિક ઉદ્યોગકારો પાસેથી જાણવા મળી રહેલી માહિતી મુજબ સાઉદીમાં મોરબીની ટાઈલ્સ ઉપર 42.09 ટકા ડ્યૂટી લગાવવા માટે અગાઉ નિર્ણય કરવામાં આવ્યો હતો ત્યાર બાદ કરવામાં આવેલ મીટીંગો અને ચર્ચાઓને ધ્યાનમાં રાખીને જીસીસીના એન્ટી ડમ્પિંગ ડ્યુટી વિભાગના વડા દ્વારા અગાઉ નક્કી કરવામાં આવેલ ડ્યુટીમાં 1.07 ટકાના ઘટડો કરીને સાઉદીના મંત્રી મંડળમાં ફાઈલ મોકલી દેવામાં આવી છે એટલે કે ભારતની ત્રણ કંપનીને બાદ કરતા તમામ કંપનીઓને 41.02 ડ્યૂટી લાગશે જો કે, ચાઈનાની ટાઈલ્સ ઉપર માત્ર 23 ટકા જ ડયુટી લગાવની હોવાથી મોરબીની ટાઈલ્સ મોંઘી થવાથી સાઉદીના માર્કેટને બહુ જ મોટો ફટકો પડે તેવી શક્યતા સેવાઈ રહી છે.

અત્યાર સુધી સાઉદીમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી ઓછી લાગે તેના માટે તમામ લડાઈ કરી લેવામાં આવી છે જેથી સિરામિક એસો. માટે કાનૂની રસ્તા બંધ થઇ ગયા છે જો કે, હવે ભારત સરકાર સીધી જ દરમ્યાનગીરી કરે તો જ આ પ્રશ્ન ઉકેલાઈ તેવી શક્યતા છે નહિ તો વિશ્વ કક્ષાના ઉદ્યોગની કમર તૂટી જાય તેવો ઘાટ છે અને સરકારના કમાઉ દીકરા સમાન મોરબીના સિરામિક ઉદ્યોગકારોને હાલમાં સરકાર પાસે બહુ મોટી અપેક્ષા છે ત્યારે સરકાર દ્વારા સાઉદીના પ્રશ્ન કોઈ રસ્તો કાઢવા માટે કવાયત કરવામાં આવે તો જ સિરામિક ઉદ્યોગને હાલમાં ટકી રહેવા માટે સરકાર તરફથી હૂફ મળે તેમ છે.

ઓર્ડર લઈને બેઠેલા ઉદ્યોગકારો પણ હાલ મૂંઝવણમાં!
ચાઈના કરતા મોરબીની ટાઈલ્સ ઉપર બમણી એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવામાં આવશે તે અગાઉ નક્કી જ હતું જેથી એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગી નથી ત્યાં મોરબીની ટાઈલ્સનો માલ ભરી લેવા માટે ત્યાના વેપારીઓ સહિતનાઓ દ્વારા ઘણા ઓર્ડર આપવામાં આવ્યા છે. છેલ્લા મહિનાઓમાં અનેક ક્નટેનર મોરબીથી સાઉદીમાં મોકલાવી પણ આપવામાં આવ્યા છે જો કે, હાલમાં ત્યાના જીસીસીના એન્ટી ડમ્પિંગ ડ્યુટી વિભાગના અધિકારીઓ દ્વારા 41.02 ટકા ડયુટી લગાવવાની દરખાસ્ત સાથે સાઉદીના મંત્રી મંડળમાં ફાઈલ મોકલી દેવાતા મંત્રી મંડળ ગમે તે ઘડીએ તેના ઉપર મંજુરીની મહોર લગાવે તો મોરબીની ટાઈલ્સ ચાઈના કરતા લગભગ 20 ટકા મોંઘી થઇ જાય તેવી શકયતા છે જેથી ત્યાના વેપારીઓ દ્વારા માલના ઓર્ડરને રદ કરવામાં આવે અથવા તો અગાઉ લેવામાં આવેલ ઓર્ડરનો તૈયાર માલ મોરબીથી સાઉદી મોકલાવવામાં આવે તે પહેલા નવી ડયુટી લાગુ કરી દેવામાં આવશે તો શું આ પ્રશ્ન મોરબીના ઉદ્યોગકારોને હાલમાં સતાવી રહ્યો છે જેથી ઉદ્યોગકારો મૂંઝવણમાં મુકાયા છે.


Loading...
Advertisement