એમડી, એમબીબીએસ કરવા માંગતા તબીબી વિદ્યાર્થીઓએ આપવું પડશે 40 લાખનું બોન્ડ

17 February 2020 07:26 PM
Ahmedabad Gujarat
  • એમડી, એમબીબીએસ કરવા માંગતા તબીબી વિદ્યાર્થીઓએ આપવું પડશે 40 લાખનું બોન્ડ

પાંચ વર્ષમાં પાસ થયેલા 4539 સ્પેશ્યલાઈઝડ ડોકટરોમાંથી માત્ર 14% ગામડામાં નોકરી કરવા હાજર થયા : ઓગષ્ટ 2019માં એમબીબીએસ માટે બોન્ડની રકમ પાંચથી વધારી 20 લાખ કરાઈ હતી. એ સામે ગામડામાં ફરજીયાત સેવાની શરત ત્રણમાંથી એક વર્ષ કરાઈ હતી

અમદાવાદ તા.17
એમડી અને એમએસ જેવા સ્પેશ્યલાઈઝડ ડોકટરોના અભાવે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની આરોગ્ય સેવાને અસર થઈ છે. આંકડા દ્વારા આ વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં 85.7% નવા બહાર પડેલા ડોકટરોએ ગામડામાં ફરજીયાત સેવા કરવાની ખાતરીના બદલામાં મેડીકલ બોન્ડ ભર્યું છે તે જતું કર્યું છે.
પ્રાપ્ય ડેટા મુજબ 2015 અને 2019 વચ્ચે 4539 તબીબી વિદ્યાર્થીઓ પાસ થયા હતા. એમાંથી માત્ર 60% અથવા 2714 એ ગ્રામીણ વિસ્તારમાં પોસ્ટીંગ સ્વીકાર્યું હતું, પણ વાસ્તવમાં 696 પોસ્ટીંગના સ્થળે હાજર થયા હતા. આમ માત્ર 14.3% એ નોકરી સ્વીકારી છે.
ગ્રામીણ વિસ્તારોમાં સેવા કરવાથી પોસ્ટગ્રેજયુએટ છે. વિદ્યાર્થીઓની ગ્રામીણ આરોગ્ય સેવા પ્રભાવિત થયાનું એક કારણ છે.
ગામડામાં સ્પેશ્યાલીસ્ટ ડોકટરોને સેવા કરે એ માટે ગુજરાત સરકારે 30 જાન્યુઆરીએ નોટીફીકેશન બહાર પાડી મેડીકલ બોન્ડના નિયમો પીજી મેડીકલ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે સુધાર્યા છે. સરકારી તબીબી કોલેજોમાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે તેમણે 40 લાખનું બોન્ડ આપવું પડશે. અગાઉ એમબીબીએસ અને એમડી તથા એમ.એસ. બન્ને માટે બોન્ડની રકમ એકસરખી, પાંચ લાખ હતી. એમડી અને એમએસ થયેલા માત્ર 14.3% વિદ્યાર્થીઓ ગામડામાં નોકરીમાટે હાજર થયા હતા.
એમબીબીએસના વિદ્યાર્થીઓ ગામડામાં નોકરી કરશે એવી ખાતરી આપવા 20 લાખનું બોન્ડ આપે છે, પણ હવે એમડી, એમબીબીએસ કરવા માંગતા વિદ્યાર્થીઓ તેમના ડીનને વધારાનું વીસ લાખનું બોન્ડ આપવું પડશે.
રાજય સરકારે 14 ઓગષ્ટ,2019 એ પણ એમબીબીએસ કોર્ષ માટે બોન્ડની રકમ પાંચથી વધારી વીસ લાખ કરી હતી. એ સાથે તેમને પ્રોત્સાહન આપવા ગ્રામીણ સેવાની મુદત 3 વર્ષમાંથી ઘટાડી 1 વર્ષ કરાઈ હતી.
નિષ્ણાંતો અને આરોગ્ય વિભાગના બાબુઓના જણાવ્યા મુજબ બોન્ડની રકમ વધારાતા ચિત્ર બદલાશે.
જાણકારો કહે છે કે ગ્રામીણ વિસ્તારોમાં નિષ્ણાંત ડોકટરો નોકરી કરવા નહીં જતા હોવાથી અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતની 6 મોટી સિવિલ હોસ્પીટલોમાં ધસારો વધુ હોય છે.


Loading...
Advertisement