પ્રિયંકા ગાંધીને રાજયસભામાં લઈ જવાશે: છતીસગઢના મુખ્ય પ્રધાનની ઓફરથી કોંગ્રેસમાં અટકળોનો દોર

17 February 2020 07:19 PM
India Politics
  • પ્રિયંકા ગાંધીને રાજયસભામાં લઈ જવાશે: છતીસગઢના મુખ્ય પ્રધાનની ઓફરથી કોંગ્રેસમાં અટકળોનો દોર

ગુલાબનબી આઝાદ, દિગ્વીજયને રિપીટ કરાય તેવી શકયતા

નવી દિલ્હી તા.17
કોંગ્રેસ મહામંત્રી અને ઉતરપ્રદેશના પક્ષપ્રભારી પ્રિયંકા ગાંધી વડરાને છતીસગઢથી રાજયસભામાં મોકલવા નેતાગીરીએ તૈયારી કરી હોવાના અહેવાલો છે. જો કે સઘળો દારોમદાર પ્રિયંકા પર છે.
રાજયસભામાં એપ્રિલમાં કેટલાય સભ્યો નિવૃત થઈ રહ્યા છે. કોંગ્રેસ ખાલી પડનારી બેઠકો માટેના ઉમેદવારોની પસંદગી વિચારી રહી છે.
છતીસગઢના મુખ્યપ્રધાન ભુપેશ બધેલા તરફથી કોંગ્રેસ હાઈકમાન્ડને પ્રિયંકાને ઉમેદવાર બનાવવા પ્રસ્તાવ મોકલવામાં આવ્યું છે. યુપીની જવાબદારી સાથે રાજયસભામાં પ્રિયંકાને મોકલવાના પ્રસ્તાવ વિષે હાઈકમાંડ કેવી પ્રતિક્રિયા આપે છે. તેના પર બધાની નજર છે. પ્રિયંકા ઉતરપ્રદેશમાં અત્યંત સક્રીય છે તો અવારનવાર ત્યાંની મુલાકાત લઈ રહ્યા છે. રાજયમાં 2020માં વિધાનસભાની ચૂંટણી થનારછે અને કોંગ્રેસને બેઠી કરવાનું તેમણે બીડું ઉઠાવ્યુ હતું.
ગત લોકસભાની ચૂંયણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસીમાં મુકાબલો કરવા પ્રિયંકાનું નામ સામે આવ્યું હતું, પણ આખરે પક્ષે તેમને ઉભા રાખ્યા નહોતા. સક્રીય રાજકારણમાં આવ્યા પહેલાં પ્રિયંકા તેની માતાની રાયબરેલી લોકસભા બેઠકનું કામકાજ સંભાળતા હતા.
ઉલ્લેખનીય છે કે નિવૃત થઈ રહેલા સભ્યોમાં વિપક્ષના નેતા ગુલામનબી આઝાદ, મોતીલાલ વોરા, દિગ્વીજયસિંહ, કુમારી શૈલજા, અંબિકા સોની, મધુસુદન મિસ્ત્રી, હુસેન દલવાઈ જેવા સભ્યો સામેલ છે. એમાંથી આઝાદ અને દિગ્ગીરાજા સહિતનાં સભ્યોને ફરી રિપીટ કરાશે.
2018ની આખરમાં છતીસગઢ વિધાનસભામાં પ્રચંડ જીત મેળવનારી કોંગ્રેસ પાસે પાંચમાંથી બે સીટો છે. બન્ને સીટો 10 એપ્રિલે ખાલી થઈ રહી છે. કોંગ્રેસના મોતીલાલ વોરા અને રણવિજયસિંહ જુદેવનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે. ગૃહમાં બહુમતી જોતાં બન્ને બેઠકો પર કોંગ્રેસનો વિજય પાકો મનાય છે.


Loading...
Advertisement