રાજકોટથી 150 જેટલી બસોમાં આગેવાનોને લઇ જવા માટે લિસ્ટ બનાવાશે : સરકાર સાથે કલેકટર સંપર્કમાં

17 February 2020 05:34 PM
Ahmedabad Gujarat Rajkot
  • રાજકોટથી 150 જેટલી બસોમાં આગેવાનોને લઇ જવા માટે લિસ્ટ બનાવાશે : સરકાર સાથે કલેકટર સંપર્કમાં

રાજકોટથી ઉદ્યોગપતિઓ-આગેવાનોને ટ્રમ્પના કાર્યક્રમમાં લઇ જવાશે : ‘લીસ્ટ’ બનાવવા કલેકટરને સૂચના

રાજકોટ તા.17
અમદાવાદની મુલાકાતે આગામી તા.24 અને 25 ફેબ્રુઆરીના રોજ અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવી રહ્યા હોય , આ કાર્યક્રમમાં રાજકોટથી 150 જેટલી એસટી બસોમાં શહેર-જિલ્લાના ટોચના ઉદ્યોગપતિઓ જુદી-જુદી સંસ્થાઓના પ્રતિષ્ઠિીત આગેવાનોને લઇ જવા માટેની વ્યવસ્થા ગુજરાત રાજય સરકારના મુખ્ય સચિવે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનને સોંપી દીધી છે. આ માટેનું લીસ્ટ બનાવવા જિલ્લા કલેકટર કામે લાગ્યા હોવાનું જાણવા મળેલ છે.

ગુજરાત રાજયના આર્થિક પાટનગર મનાતા અમદાવાદ ખાતે તા.24 ફેબ્રુઆરીના રોજ અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવી રહ્યા છે. મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે નમસ્તે ટ્રમ્પ નામનો જબરદસ્ત કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજયમાંથી મોટા ઉદ્યોગપતિ અને પ્રતિષ્ઠિત આગેવાનોને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવનાર છે. આ માટે ગુજરાત એસટીએ 2200 જેટલી બસો ગુજરાત રાજય સરકારને ફાળવી છે. નવી નક્કોર બસો ગુજરાત રાજયભરમાંથી ટ્રમ્પના કાર્યક્રમમાં મહેમાનોને લઇ જશે.

ગુજરાત એસટીએ 2200 જેટલી બસો રાજય સરકારને ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમમાં ફાળવી છે તેમાં રાજકોટ જિલ્લાને 150 જેટલી બસો આપવામાં આવી છે. આ એસટીની નવી નક્કોર બસોમાં રાજકોટ શહેર અને જિલ્લાના પ્રતિષ્ઠિીત નાગરિકો આગેવાનો અને મોટા ગજાના ઉદ્યોગપતિઓને ટ્રમ્પના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા લઇ જવામાં આવશે. આ માટેનું લીસ્ટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવનાર છે.

રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન ગુજરાત રાજય સરકાર સાથે સીધા સંપર્કમાં છે અને લીસ્ટ તૈયાર થયે રાજય સરકારને મંજૂરી માટે મોકલી આપવામાં આવશે અને લીસ્ટ ફાયનલ થયે રાજકોટ શહેર જિલ્લાના મોટા ગજાના ઉદ્યોગપતિઓ, પ્રતિષ્ઠિીતો અને આગેવાનોને અમદાવાદ ખાતે લઇ જવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.


Loading...
Advertisement