ભાજપે ત્રણ રાજયોના પ્રદેશ પ્રમુખ નિમ્યા: ગુજરાતમાં રૂપાણી સાથે ખભ્ભો મિલાવી શકે તેવા ચહેરાની શોધ

15 February 2020 07:10 PM
India
  • ભાજપે ત્રણ રાજયોના પ્રદેશ પ્રમુખ નિમ્યા: ગુજરાતમાં રૂપાણી સાથે ખભ્ભો મિલાવી શકે તેવા ચહેરાની શોધ

હાલના વિવાદો પણ અસર કરશે: પંચાયત-પાલીકા ચૂંટણી ગુજરાત ભાજપને તેના જ ‘દમ’ પર લડવી પડશે

નવી દિલ્હી: દિલ્હી ચૂંટણીના કારણે પાછા ઠેલાઈ રહેલા ભાજપના સંગઠનમાં હવે ધીમે ધીમે સંચાર શરુ થયો છે અને પક્ષના પ્રમુખ જે.પી.નડ્ડાએ મધ્યપ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે વિષ્ણુદત શર્માને નિયુક્તિ કરી છે. શર્મા ખજુરાહોના ભાજપના સાંસદ છે. તેઓ પક્ષના રાજય એકમના મહામંત્રી હતા. ભાજપે આ ઉપરાંત સિકકીમના પણ નવા પ્રદેશ પ્રમુખ પણ નિયુક્તી કરાય છે. બીજી તરફ ગુજરાતમાં જે રીતે પ્રદેશનું કોકડું ગુંચવાયું છે તેમાં હવે જે.પી.નડ્ડા કે અમિત શાહ ધ્યાન આપશે કે કેમ તેના પર સૌની નજર છે. હાલ ભાજપનું તંત્ર અનામત વિવાદ અને ટ્રમ્પમાં વ્યસ્ત છે. સૂત્રોના જણાવ્યા મુજબ નવા પ્રદેશ પ્રમુખ ઓબીસી બનાવવા કે પાટીદાર તેના પર વાત અટકી છે તો જીલ્લા મહાનગર સહિતમાં પણ નિરીક્ષકોના બે-ત્રણ પ્રવાસ છતાં પક્ષના મોવડીઓ સ્પષ્ટ ચિત્ર મેળવી શકતા નથી. વિજય રૂપાણીએ ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે રાજીનામુ આપી સી.એમ. પદ સંભાળ્યા બાદ સંગઠનમાં બહું કામ થયુ નથી તે વાસ્તવિકતા છે. ઓકટોબર પછી રાજયમાં પંચાયત મહાપાલિકા ચૂંટણી આવી રહી છે અને આ સમયે બિહારની ચૂંટણી પણ હશે. અમિત શાહ કે મોદી હવે પંચાયત-પાલિકા ચૂંટણી માટે ગુજરાતમાં પ્રચારમાં આવી શકે નહી અને તે જવાબદારી સ્વાભાવિક રીતે મુખ્યમંત્રી વિજય રૂપાણી પર જ આવશે અને તેમની સાથે ખભેખભા મિલાવીને દોડે તેવો ચહેરો જરૂરી છે. ભૂતકાળમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા તો વિજય રૂપાણીએ મહામંત્રી તરીકે રાજયની સંગઠન ચિંતા સંભાળી હતી. ઉપરાંત અમિત શાહ પણ ગુજરાતમાં હતાં.
જો કે 2015માં પાટીદાર આંદોલનના કારણે ભાજપને નુકશાન થયું હતું પણ જયાં સુધી ગ્રામીણ સંગઠન મજબૂત નહી હોય ત્યાં સુધી જીલ્લા પંચાયત જીતવી મુશ્કેલ છે. ધારાસભા-લોકસભા ચૂંટણી સમયે કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લાવવામાં આવ્યા હતા તેઓ હવે તેમના માટે કંઈક તરાહ જુવે છે અને આંતરિક કક્ષાએ પક્ષના મૂળભૂત નેતાઓ કોંગ્રેસના પુર્વ નેતાઓને બહું ફાવવા દેવાના મુડમાં નથી. ભાજપે વિધાનસભાની ત્રણ પેટાચૂંટણી ગુમાવી હતી. પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ કાનૂની વિવાદથી વધુ બેઠકોની પેટાચૂંટણી આવી શકે છે અને તેના પરિણામો પક્ષને સાનુકુળ હોય તે ‘સ્થિરતા’ માટે જરૂરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ કોઈ યુવા ચહેરા-ધારાસભ્યને પક્ષનું સુકાન સોપી શકાય છે.


Loading...
Advertisement