આખરે સરકારના ટ્રબલ શુટર કેકે મેદાને: અનામત-બિનઅનામત વિવાદ સોપી દેવાયો

15 February 2020 06:39 PM
Ahmedabad Gujarat
  • આખરે સરકારના ટ્રબલ શુટર કેકે મેદાને: અનામત-બિનઅનામત વિવાદ સોપી દેવાયો

બિન અનામત વર્ગ મોદીના ‘માતા’ પાસે રજુઆત માટે જવાની જાહેરાત કરી હોવાની ચર્ચાએ જ પોલીસને દોડતી કરી

રાજકોટ તા.15
ગુજરાતમાં ટ્રમ્પની મુલાકાત ટાંકણે જ આંદોલનો શરુ થતા અને આ અંગે રાજયના આઈબી વિભાગ ફરી ઉંઘતો ઝડપાતા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પણ નારાજ છે. એક તરફ દિલ્હીથી આ આંદોલનને હવે ખત્મ થાય તેવા પગલા લેવા જબરુ દબાણ છે. અમેરિકી અધિકારીઓ તથા પ્રમુખ ટ્રમ્પની એડવાન્સ ટીમ અમદાવાદમાં ઉતરવા લાગી છે અને જે રીતે હજુ રાજયના વહીવટીતંત્રને આંદોલનકારીઓ સાથે વાટાઘાટમાં જ વ્યસ્ત રહેવું પડે છે. તેનાથી હવે રાજય સરકારના ટ્રબલ શુટર ગણાતા અને મુખ્યમંત્રી કાર્યાલયના અગ્ર સચિવ શ્રી કે.કૈલાસનાથને દૌર સંભાળી લીધો છે અને તેઓએ ગુપ્તચરની બે ટીમોને બન્ને આંદોલન છાવણી પર સતત નજર રાખવા આદેશ આપ્યો છે તો બિનઅનામત વર્ગ તેમની રજુઆત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા પાસે જઈ શકે છે તેવા ખબર આવતા જ તંત્ર દોડતું થયું હતું અને એક તરફ મોદીના માતાના નિવાસે પોલીસ ગોઠવી દીધી હતી.
તો આંદોલનકારીઓને આ પ્રકારના ‘આઈડીયા’ પડતા મુકવામાં સમજાવવામાં સફળતા મળી છે. સીએમ નિવાસે પણ અધિકારીઓની આવાગમનની ધૂમ છે. નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીન પટેલ બિનઅનામત વર્ગને સમજાવે છે પણ હવે પરિપત્રનું કોકડું ન ઉકેલાય ત્યાં સુધી આ વિવાદ સમાપ્ત થશે નહી. જો કે પરિપત્ર સુધારવો તે પણ સમસ્યા છે.


Loading...
Advertisement