રાજકોટના ગાયકવાડીમાં અપંગ વૃદ્ધ અને તેના પૌત્ર પર પાડોશીનો હુમલો

15 February 2020 06:14 PM
Rajkot
  • રાજકોટના ગાયકવાડીમાં અપંગ વૃદ્ધ અને તેના પૌત્ર પર પાડોશીનો હુમલો

વૃદ્ધના પુત્રવધુ ઘર બહાર ડુંગળી સાફ કરતા હોય પાડોશમાં રહેતા બે શખ્સે બોલાચાલી કરી: સમજાવવા જતા છરી-ધોકાથી તુટી પડયા

રાજકોટ, તા. 15
શહેરના જંકશન પ્લોટ પાસે આવેલા ગાયકવાડીમાં અપંગ વૃદ્ધ અને તેના 15 વર્ષના પૌત્રને પાડોશમાં રહેતા બે શખ્સોએ છરી-ધોકા વડે હુમલો કરતા બંન્નેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. વૃદ્ધના પુત્રવધુ ઘર બહાર ડુંગળી સાફ કરતા હોય તે બાબતે ઝગડો કરી હુમલો કર્યો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગાયકવાડી-3 ના છેડે રહેતા ચમનભાઈ દેવાભાઈ હળદવીયા ઉ.વ.71 નામના વૃદ્ધે પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા સંદિપ સુધીર હળવદીયા અને મયુર પરબત હળદવીયાનું નામ આપ્યુ છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ વૃદ્ધનું અગાઉ એકસીડેન્ટ થયુ હોય તે ચાલી શકતા ન હોય ઘર બહાર વ્હીલચેર પર બેઠા હતા ત્યારે તેમની પુત્રવધુ જયોત્સનાબેન સાથે બોલાચાલી કરતા હોય તેને સમજાવવા જતા સંદિપે છરી કાઢી વૃદ્ધને કપાળ અને હાથ પર છરકા કરી દીધા હતા તેમજ તેમનો 15 વર્ષનો પૌત્ર વિશાલ કૈલાશભાઈ સમજાવવા જતા સંદીપે તેને પણ છરી ઝીંકી દીધી હતી. તેમજ મયુરે ધોકા વડે ફટકારતા વિશાલને ડાબા હાથે કાંડા પર ઈજા પહોંચી હતી. બાદમાં બંનેને સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતાં.
ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ વૃદ્ધના પુત્રવધુ ઘર બહાર શેરીમાં ડુંગળી સાફ કરતા હોય આરોપીઓએ રસ્તામાંથી આઘા ખસો તેમ કહી બોલાચાલી કરી આ હુમલો કર્યો હતો. પોલીસે વૃદ્ધની ફરિયાદ પરથી બંને આરોપી સાથે આઈપીસીની કલમ 319, 323, 509, 114 તથા 135 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement