લવ આજકલ : ઝોલા ખાતી પ્રેમકહાણી!

15 February 2020 10:48 AM
Entertainment
  • લવ આજકલ : ઝોલા ખાતી પ્રેમકહાણી!
  • લવ આજકલ : ઝોલા ખાતી પ્રેમકહાણી!

ડિરેક્ટર તરીકે ઇમ્તિયાઝ અલી હોય એટલે સિનેમાએ થિયેટર ભણી હડી કાઢવી જ પડે! જોકે, એમના જેવા ફિલ્મ-મેકર પોતાની બનાવેલી ફિલ્મની જ રી-મેક લઈને પ્રેક્ષકો સમક્ષ હાજર થાય એ વાત અજુગતી લાગે એવી છે. પ્રેમકહાનીનું હાર્દ, તેનું ઊંડાણ અને પ્રવાહ એ ઇમ્તિયાઝની ફિલ્મોની જાન છે. તમાશા જોઈ લો કે પછી 2018ની સાલની લૈલા મજનુ! (લૈલા મજનુનો સ્ક્રીનપ્લે ઇમ્તિયાઝ અલી દ્વારા લખાયો હતો.) બીજી મહત્વની વાત છે, ઇમ્તિયાઝના કલાકારો! વિષયવસ્તુ અને વાર્તાના ગર્ભને ઝીલવા માટે ફિલ્મના અભિનેતા અને અભિનેત્રીની પસંદગી કરવામાં ઇમ્તિયાઝ એક્કા છે. આમ છતાં લવ આજકલની આ સિક્વલ (કે રી-મેક) માટે તેઓ થાપ ખાઈ ગયા છે.
1990ની સાલના રઘુ (કાર્તિક આર્યન) અને 2020ની સાલના વીર (કાર્તિક આયન)ની વાર્તા સમાંતરે ચાલે છે. એકનો સૂત્રધાર છે રણદીપ હુડા, અને બીજાનો કાર્તિક આર્યન પોતે! ઇમ્તિયાઝ અલીએ કાર્તિક આર્યનને જ હાઇલાઇટ કરવા માટે 1990ની સાલના પ્રોટેગનિસ્ટની એક્ટિંગ તેની પાસે કરાવી છે, એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. બીજી બાજુ, ડેબ્યુટન્ટ આરૂષી શર્મા અને સારા અલી ખાન પણ મુખ્ય અભિનેત્રીઓ તરીકે સ્ક્રીન પર સ્થાન જમાવે છે. 2009ની લવ આજકલની માફક અહીં પણ બે પ્રેમકહાણીઓની વાત છે, પરંતુ બંને વચ્ચે કોઈ જ સામ્યતા નથી એ વાત અલગ છે!
સિનેમા હજુ પણ દ્રઢપણે એવું માને છે કે સારા અલી ખાન ભવિષ્યની આલિયા ભટ્ટ છે. કેદારનાથ વખતથી જ તેણે આ ભવિષ્યવાણીને સત્ય પૂરવાર કરવાની નેમ લીધી છે. ઇમ્તિયાઝના લખાણને ઝીલવાની કોશિશ કરવી એ જેવી તેવી અભિનેત્રીનું કામ નહીં! સારાએ પૂરી શિદ્દત સાથે પ્રયાસ કર્યો છે, પરંતુ હજુ તેને તમાશાની દીપિકા પદુકોણ બનતા વાર લાગશે. કાર્તિક આર્યન અહીં સાવ મિસ-ફિટ લાગ્યો છે. પ્યાર કા પંચનામા અને સોનુ કે ટિટુ કી સ્વિટીની છાપ અગર તે પાછળ ન છોડી શક્યો તો તેનું ભવિષ્ય ધૂંધળું છે, એવું સિનેમાને દેખાઈ રહ્યું છે. રણદીપ હુડા અને આરૂષી શર્માને સ્ક્રીન પર જોઈને રાજી થઈ શકાય એવા એમના પર્ફોમન્સ છે. ખાસ કરીને સારા અલી ખાનની માતાનો કિરદાર નિભાવી રહેલી સિમોન સિંઘ માટે આપણને પહેલેથી જ સોફ્ટ કોર્નર છે. સ્ટાર પ્લસ પરની સીરિયલ ‘એક હસીના થી’ વખતથી તેની એકદમ ડેલિગેટ પર્સનાલિટી અને હટકે ગ્રે શેડના આપણે ફેન બની ગયા છીએ. માખણ જેવા લીસ્સા ચહેરા પરની નમણાશ અને સંવાદ બોલતી વખતે તેની આંખોમાં દેખાતી ચમક સિમોન સિંઘને ખાસ બનાવે છે.
લવ આજકલના ગીતોમાં કોઇ ખાસ દમ નથી. આજ વખતે પણ બર્ફીલી પહાડીઓના દ્રશ્યો ઇમ્તિયાઝના દિગ્દર્શનની પહેચાન બન્યા છે, પરંતુ એ સિવાય તેઓ કશું નવું નથી પીરસી શક્યા એ વાતનો સિનેમાને ખેદ છે. બે સમયખંડ વચ્ચે ઝોલા ખાતી અને એકબીજાથી સાવ ડિસકનેક્ટેડ એવી વાર્તાઓ દેખાડવાના ચક્કરમાં ડિરેકટરસાહેબ ભૂલ કરી ગયા છે, એ નક્કી! ફિલ્મ બોરિંગ નહીં લાગે, પરંતુ કંઈક હટકે જોયાનો પણ અહેસાસ નહીં થાય.
bhattparakh@yahoo.com


Loading...
Advertisement