કાન્સ, બર્લિન કે ઑસ્કાર? : દિલ્હી અભી દૂર હૈ!

14 February 2020 03:08 PM
India
  • કાન્સ, બર્લિન કે ઑસ્કાર? : દિલ્હી અભી દૂર હૈ!
  • કાન્સ, બર્લિન કે ઑસ્કાર? : દિલ્હી અભી દૂર હૈ!

1946થી 1994નો ગાળો એવો હતો, જ્યારે ભારતે ઉત્તમ ફિલ્મ-મેકર્સ પેદા કર્યા. સત્યજીત રેની ફિલ્મોએ ચાર વખત અને મૃણાલ સેનની ફિલ્મોએ ત્રણ વખત કાન્સની ફિલ્મોને બરાબરની ટક્કર આપી હતી. ભારતીય સિનેમાનો સુવર્ણકાળ તો એ હતો સાહેબ, જ્યારે સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’એ 1956માં ‘બેસ્ટ હ્યુમન ડોક્યુમેન્ટ પ્રાઇઝ’ જીત્યું. મૃણાલ સેન પણ ક્યાં કમ હતાં?

આલેખન-પરખ ભટ્ટ : 1994નાં એપ્રિલ મહિનાનાં ઉનાળાની ભરબપોર. ફિલ્મ-મેકર શાજી કરૂણ પોતાનાં મિત્ર સુખવંત સિંઘ દાઢા સાથે મુંબઈના સાન્તાક્રુઝ ખાતેની કસ્ટમ ઓફિસમાં સ્ટીલની એક ભારે-ભરખમ પેટી ચડાવી રહ્યા છે, જેમાં શાજી કરૂણની મલયાલમ ફિલ્મ ‘સ્વહમ’ની આઠ રીલ છે. બંને મિત્રો ફ્રાંસ જઈ રહ્યા છે, કારણકે તેમની ફિલ્મ કાન્સ ખાતેનાં પ્રખ્યાત ‘ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં પસંદગી પામી છે. પહેલી દિક્કત એ નડી હતી કે, ટિકિટનાં પૈસા કોણ આપશે? બધી મૂડી તો પિક્ચર બનાવવામાં ખર્ચી નાંખી છે.

એવામાં ‘હિન્દુસ્તાન લેટેક્સ’માં કામ કરતા એમના મિત્ર રાજામોહને બંનેની ફ્રાંસ સુધીની ટિકિટ કરાવી આપી. ત્યાં રહેવા-ખાવા-પીવાનું માંડ માંડ ગોઠવાયું. ઓછું ભાડુ ધરાવતી કાન્સની સાવ સાંકડી નાનકડી એક રૂમમાં બંને મિત્રો ચાર દિવસ સુધી પડ્યા રહ્યા. ‘નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન’ને ત્યારબાદ સદબુદ્ધિ સૂઝી કે શાજી કરૂણ તો વિશ્વનાં સૌથી નામાંકિત ફિલ્મ ફેસ્ટિવલમાં ગયા છે, માટે એમને વ્યવસ્થિત રહેઠાણ-હોટેલની વ્યવસ્થા તો કરી જ આપવી જોઇએ!! શાજી કરૂણ એ દિવસે સફેદ ધોતી અને સફેદ શર્ટ પહેરીને કાન્સની રેડ-કાર્પેટ ઇવેન્ટમાં હાજર રહ્યા.. પોતાની ફિલ્મ ‘સ્વહમ’ સાથે!

એ વર્ષનો કાન્સનો સૌથી પ્રેસ્ટિજીયસ અવોર્ડ ‘પામ દ’ઓર’ ક્વેન્ટિન ટેરેન્ટિનો નામનાં અમેરિકન ફિલ્મ-મેકરને ફાળે ગયો, ફિલ્મનું નામ હતું : પલ્પ ફિક્શન! આજે એ વાતને પચ્ચીસ વર્ષ વીતી ગયા, સાહેબ. પરંતુ 1994 બાદ ભારતની એકપણ ફિલ્મો ત્યાં સુધી નથી પહોંચી શકી! નસીબની બલિહારી જુઓ. ફક્ત ફિલ્મો નથી પહોંચતી એટલું જ નહીં, પરંતુ અહીંના ફિલ્મ-મેકર્સનો સમાવેશ પણ ત્યાંના જ્યુરી-મેમ્બર્સમાં નથી કરવામાં આવતો! ચાલુ વર્ષે 1845 ફિલ્મો ઓફિશિયલ સિલેક્શન માટે મોકલવામાં આવી હતી. જેમાંથી 47 ફિલ્મો ફાઇનલ રાઉન્ડમાં પહોંચી.

એ યાદીમાં પણ ભારતનું ક્યાંય નામોનિશાન નથી. આટલી વિશાળ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી, લાખો લોકોની જઠરાગ્નિ ઠારતી આ ધમધીકતી બજાર, દર વર્ષે હજારોની સંખ્યામાં પ્રોડ્યુસ થતી ફિલ્મો ને એમ છતાંય ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્લ્મેરસ ફોટો ખેંચાવતી બોલિવૂડ હીરોઇનો સિવાય આપણા દેશનું ક્યાંય નામ જ ન હોય એ ખરેખર વિચારપ્રેરક બાબત છે.

આ ફિલ્મોત્સવમાં વિશ્વનાં પુષ્કળ દેશો પોતપોતાની કૃતિ મોકલે છે, જેને ડોક્યુમેન્ટરી, શોર્ટ ફિલ્મ, ફિચર ફિલ્મ સહિતનાં અલગ-અલગ વિભાગોમાં વર્ગીકૃત કર્યા બાદ અવોર્ડ કેટેગરી મુજબ નિહાળવામાં આવે છે. કાન્સનાં ડેપ્યુટી જનરલ ડેલિગેટ અને ફિલ્મ ડિપાર્ટમેન્ટનાં ડિરેક્ટર ક્રિશ્ચિયન જૂને કહ્યું કે, ભારતમાંથી પણ અમને ઘણી એન્ટ્રી મળી હતી. એમાંની ચાર ફિલ્મોને અમે શોર્ટ લિસ્ટ પણ કરી, પરંતુ છેવટે અન્ય દમદાર કૃતિઓની સામે તે ટકી ન શકી! (બાય ધ વે, ક્રિશ્ચિયન જૂન એ જ વ્યક્તિ છે, જેમણે નીરજ ઘાયવનની ‘મસાન’ના વખાણ કર્યા હતાં. વિકી કૌશલ અને રિચા ચઢ્ઢા સ્ટારર આ ફિલ્મ ત્યારબાદ અન્ય ફિલ્મ ફેસ્ટિવલ્સ અને ભારતનાં માર્કેટમાં બહુ નામના પામી.) અલબત્ત, આ વર્ષે એકેય જાપાનિઝ કે ઓસ્ટ્રેલિયન ફિલ્મો પણ કાન્સમાં પ્રવેશ નથી નોંધાવી શકી.

એમ છતાં મોટાભાગનાં ફિલ્મ-ક્રિટિક્સનું માનવું છે કે 2019નું વર્ષ ભારત માટે બહુ નબળુ પૂરવાર થયું. ખૂબીની વાત એ છે કે, 1994માં ઇતિહાસ રચી દેનાર શાજી કરૂણની ‘સ્વહમ’ પહેલા કુલ બાવીસ ફિલ્મો કાન્સનાં ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચી શકી હતી.

1946થી 1994નો ગાળો એવો હતો, જ્યારે ભારતે ઉત્તમ ફિલ્મ-મેકર્સ પેદા કર્યા. સત્યજીત રેની ફિલ્મોએ ચાર વખત અને મૃણાલ સેનની ફિલ્મોએ ત્રણ વખત કાન્સની ફિલ્મોને બરાબરની ટક્કર આપી હતી. ભારતીય સિનેમાનો સુવર્ણકાળ તો એ હતો સાહેબ, જ્યારે સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’એ 1956માં ‘બેસ્ટ હ્યુમન ડોક્યુમેન્ટ પ્રાઇઝ’ જીત્યું. મૃણાલ સેન પણ ક્યાં કમ હતાં? 1983માં એમની ‘ખારિઝ’ ફિલ્મે જ્યુરી પ્રાઇઝ જીત્યું. આ ઉપરાંત, બિમલ રોય, વી.શાંતારામ, રાજ કપૂર, પ્રકાશ અરોરા, શ્યામ બેનેગલ વગેરેની ફિલ્મો પણ ખરા!

શાજી કરૂણને પૂછવામાં આવ્યું કે એમના મત મુજબ, કાન્સમાં ભારતનું પ્રદર્શન ખરાબ રહેવા પાછળ કયું પરિબળ જવાબદાર છે? તેમણે કહ્યું કે, ફિલ્મ-મેકર્સ! સત્યજીત રે અને મૃણાલ સેન બાદ ઇન્ડિયન સિનેમા જાણે પોતાનું નૂર ખોઇ બેઠું છે! પહેલા તો આપણે એવા સક્ષમ પ્રોડ્યુસર ઉભા કરવા પડશે જે આર્ટ-સિનેમાને સમજતા હોય તેમજ તેને પ્રોત્સાહન આપવા માંગતા હોય! ભારતના નવા ઉભરી રહેલા ફિલ્મ-મેકર્સ મૂડીથી માંડીને કોન્ટેક્ટ્સ, ઇન્ફર્મેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે મૂંઝવણમાં છે. તેમની પાસે ઉત્કૃષ્ટ વિચારો તો છે, પરંતુ પૂરતી સગવડોનો અભાવ છે. જેના લીધે તેમની સર્જનાત્મકતા એક સીમિત દાયરાની અંદર કેદ થઈને રહી જાય છે.

બીજી બાજુ, શહરબાનૂ સાદતનો કિસ્સો છે. 29 વર્ષની આ અફઘાની ફિલ્મ-મેકર (જે પોતાની જિંદગીની પહેલી ફિલ્મ સાથે 20 વર્ષની વયે કાન્સનાં ધુરંધરો ધરાવતાં મેદાનમાં ઉતરી એ છોકરી) ભારતીય બેકડ્રોપ ધરાવતી વાર્તા સાથે કાન્સમાં પ્રતિસ્પર્ધી તરીકે ઉતરી! એની ફિલ્મનું નામ : ધ ઓર્ફનેજ. 1980ના દાયકામાં કાબુલમાં રહેતા 15 વર્ષીય છોકરાની આ વાત. થિયેટરની ટિકિટબારી પર બ્લેકમાં ટિકિટ વેચતો ડાય-હાર્ડ બોલિવૂડ ફેન. 2010ની સાલમાં પહેલી વખત કાન્સ આવેલી શહરબાનૂને આ વાર્તા પોતાનાં મિત્ર અનવર હાશ્મીનાં ડાયરીમાં મળી, જે ત્યારબાદ મોટા પડદે નિર્માણ પામી. શહરબાનૂ ખૂબ ગર્વભેર કહે છે કે અમારા કાબુલમાં તમને એકપણ ટેક્સી એવી નહીં જોવા મળે જ્યાં 80-90નાં દાયકાનાં બોલિવૂડ ગીતો ન વાગતાં હોય! બસ, એ જ મારી પ્રેરણા!

કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ
" જૂન, 1939માં શરૂઆત. પહેલી સપ્ટેમ્બરની સવારે ફક્ત એક ફિલ્મ (ધ હન્ચબેક ઓફ નોત્ર દેમ : અમેરિકન જર્મન ડિરેક્ટર-વિલિયમ ડિટર)નાં સ્ક્રીનિંગ બાદ સમગ્ર કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો.
" બીજા વિશ્વયુદ્ધને કારણે 1939થી 1946 સુધી કાન્સનું કોઇ અસ્તિત્વ નહોતું. ત્યારબાદ 20 સપ્ટેમ્બર, 1946નાં રોજ ફરી કાન્સનો પ્રારંભ થયો, જેમાં કુલ 18 દેશોએ ભાગ લીધો." દર વર્ષે 30,000થી પણ વધુ લોકો ખાસ કાન્સ માટે ફ્રાન્સ આવે છે.
bhattparakh@yahoo.com


Loading...
Advertisement