ઘોઘા-દહેજ રો-રો ફેરી સેવા ફરી શરૂ કરવા તૈયારી

14 February 2020 03:04 PM
Rajkot Gujarat
  • ઘોઘા-દહેજ રો-રો ફેરી સેવા ફરી શરૂ કરવા તૈયારી

શીપીંગ મંત્રી મનસુખ માંડવીયાએ ટોચના અધિકારીઓના એમ્પાવર્ડ ગ્રુપને જવાબદારી સોંપી

રાજકોટ તા.14
ભારત સરકારની સાગરમાલા યોજના અને ગુજરાત સરકારના ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ફંડીગથી ચાલુ કરવામાં આવેલ ‘ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ’ લોકોમાં ખુબ જ લોકપ્રિય સેવા બનેલ છે તતા લોકોની હાલાકી દુર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

પરંતુ ગત વર્ષે થયેલ અતિભારે વરસાદને કારણે દહેજ બાજુની ચેનલમાં ખૂબજ મોટી માત્રામાં સિલ્ટેશન થઈ ગયેલ છે. જેથી થોડા સમયથી આ ફેરી સર્વિસ બંધ પડેલ છે. આ ફેરી સર્વિસને પુન: ચાલુ કરવા ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારના શીપીંગ મંત્રાલય પાસે ટેકનીકલ સહાયતા માટે માંગ કરવામાં આવેલ છે.

આ અંતર્ગત કેન્દ્ર સરકારના શીપીંગ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત સરકારના શીપીંગ મંત્રાલયના સચિવ, અધિક સચિવ, સંયુકત સચિવ, સીઈઓ-ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ફેરી પાર્ટનર, વિગેરે હાજર રહેલ. આ બેઠકમાં ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસને પુન:ચાલુ કરવા અંગે વિવિધ વિકલ્પો પર ચર્ચા કરવામાં આવેલ હતી.

આ ફેરી પુન: ચાલુ કરવા ભારત સરકારના અધિક સચિવના અધ્યક્ષ પદે એક ‘એમ્પાવર્ડ ગ્રુપ’ની રચના કરવાનો નિર્ણય કરેલ છે. આ એમ્પાવર્ડ ગ્રુપમાં ભારત સરકારના અધિકારીઓ ઉપરાંત ગુજરાત સરકારના અધિકારીઓ તતા વિવિધ ટેકનીકલ એક્ષ્પર્ટસ હશે. આ એમ્પાવર્ડ ગ્રુપ આગામી થોડા દિવસોમાં ટેકનીકલ ચર્ચા વિચારણા કરીને રો રો ફેરી સર્વિસને પુન: ચાલુ કરવા ટેકનીકલ સોલ્યુશન સાથે ભલામણ કરશે.

આ બેઠકમાં ઘણા હકારાત્મક પાસા પર ચર્ચા થયેલ છે અને ટુંક સમયમાં ફેરી સેવા નિયમિત રીતે ચાલતી રહે તેવા વિકલ્પ સાથે રો રો ફેરી સર્વિસ પુન:સ્થાપિત કરવામાં આવશે.


Loading...
Advertisement