લાઠીના માલવીયા પીપરીયાના બે વર્ષના બાળકની અમદાવાદ સિવિલમાં સારવાર

14 February 2020 02:49 PM
Amreli
  • લાઠીના માલવીયા પીપરીયાના બે વર્ષના બાળકની અમદાવાદ સિવિલમાં સારવાર

દોઢ લાખના ખર્ચનું ઓપરેશન આરોગ્ય તંત્રની મદદથી નિ:શુલ્ક : 44 કલાકમાં બાળક સ્વસ્થ

અમરેલી તા.13
લાઠીના માલવીયા પીપરીયા ગામે બે વર્ષનો માનવઆંત્ર એક બીજામાં ગૂંથાઈ જવાની ગંભીર બીમારીથી પીડાતો હતો. જો સારવારમાં મોડું થાય તો બીમારી જીવલેણ સાબિત થઈ શકે તેમ હતી. પરંતુ જિલ્લા આરોગ્ય તંત્ર તરફથી તાત્કાલિક મદદ મળતા માનવને માત્ર 48 કલાકમાં અમદાવાદ સિવિલ પહોંચાડી સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
લાઠી તાલુકા આરોગ્ય કચેરીના ડો. હરિવદન પરમારે જણાવ્યું હતું કે માનવને ઘણા દિવસોથી સતત પેટમાં દુ:ખાવો અને વારંવાર ઉલટીઓ થતી હતી. માતા નીતાબેને અને પિતા નરેશભાઈએ તુરંત જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી. આ કેસની જાણ મને થતા કોઈ ગંભીર રોગની શંકા જણાઈ. સોનોગ્રાફી કરાવી ચકાસ્યું તો જાણવા મળ્યું કે માનવ આંત્ર એક બીજામાં ગૂંથાઈ જવાની ગંભીર બીમારીથી પીડાય છે. રોગની ગંભીરતા સમજી મેં તાત્કાલિક સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર માટે લઈ જવાની સલાહ આપી. એમના ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવાથી એમને શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મળતી સહાય અંગે બાળકના માતાપિતાને માર્ગદર્શન આપ્યું અને જિલ્લા કક્ષાએથી તાત્કાલિક મંજૂરી મેળવવા મદદ કરી.
વધુમાં ડો. પરમારે જણાવ્યું કે તાત્કાલિક મંજૂરી મળતા માતાપિતા બાળકને અમદાવાદ સિવિલ લઈ ગયા અને સર્જનોએ પેટ પર કોઈ મોટો ચીરો કર્યાવિના, આંત્ર કાપ્યા વિના કેમેરા અને સોનોગ્રાફી મશીન સાથે જોડેલ અત્યાધુનિક સાધનો મળમાર્ગમાં દાખલ કરી ન્યૂમેટિક રિડકશન અંડર ફલોરોસ્કોપિક ગાઈડન્સ પદ્ધતિથી આંત્રની સફળ સારવાર કરવામાં આવી. સારવાર બાદ માનવ એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત છે.
બાળકના માતાપિતા સાથે વાત કરતા એમણે કહયું હતું કે સરકારી દવાખાને બતાવતા પહેલા અમે માનવને ખાનગી હોસ્પિટલમાં બતાવ્યું હતું પરંતુ ડોકટરોએ પેટ ચીરીને આંત્ર કાપવું પડે એમ છે અને અંદાજે દોઢ લાખના ખર્ચની વ્યવસ્થા કરવા કહયું હતું. પરંતુ આ અંગે સ્થાનિક આશાબેનને જાણ કરતા એમણે નાની ઉંમરમાં ગંભીર ઓપરેશન જોખમ વિશે માહિતી આપી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મીઓ સાથે સંપર્ક સાધવા જણાવ્યું હતું. આરોગ્ય કેન્દ્રના કર્મીઓએ અને ડોકટરે માનવના રોગને પારખી તાત્કાલિક સારવારમાં મદદ કરી બદલ અમે સમગ્ર સ્ટાફના આભારી છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નવજાત શિશુથી લઈ 6 વર્ષ સુધીના આંગણવાડીમાં નોંધાયેલ બાળકો, ધો. 1 થી 1ર સુધીના સરકારી, ખાનગી શાળાના વિદ્યાર્થીઓ, મદરેસા જૂનાઈલ હોમ, અનાથાશ્રમમાં રહેતા બાળકો અને શાળાએ ન જતા 18 વર્ષ સુધીના બાળકોની જન્મજાત ખામીઓ, ઉણપો, રોગો- વિકલાંગતાઓમાં વર્ગીકરણ કરીપ્રાથમિક તપાસથી લઈ સુપર સ્પેશ્યાલિટી સુધીની સંદર્ભસેવા દ્વારા વિના મૂલ્યે સારવાર, ચશ્મા વિતરણ, આરોગ્ય શિક્ષણ અને તરુણાવસ્થા અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.


Loading...
Advertisement