રવિવારે વિરપુરમાં સર્વજ્ઞાતીય સમૂહલગ્ન

14 February 2020 02:16 PM
Gondal
  • રવિવારે વિરપુરમાં સર્વજ્ઞાતીય સમૂહલગ્ન

64 નવદંપતીઓ પ્રભુતામાં પગલા માંડશે

વિરપુર (જલારામ), તા. 14
રાજકોટ જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પૂ.જલારામબાપાની ભુમી જયાં સેવાની જયોત હંમેશા જલની રહે છે તેવા વિરપુર ગામે સામાજીક સંસ્થા આવિષ્યકાર યુનિવર્સલ ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા હેત પ્રાયમરી સ્કુલ આવિષ્યકાર મહિલા વિકાસ મંડળના સંયુકત ઉપક્રમે નવમો સર્વજ્ઞાતીય સમુહ લગ્ન આગામી તા.16-2 ને રવિવારના રોજ યોજાશે. કોઠારી મેદાન તરીકે ઓળખાતી જગ્યામાં સવારે 7 થી 10, 32-નવદંપતીઓ અને 10 થી 1 બીજા 32-નવદંપતિઓના લગ્નના આયોજન બે વિભાગમાં હાથ ધરાયા છે. આ સમુહ લગ્નમાં મુંબઈ શહેરના દાતાશ્રીઓનો દાતાઓના સહયોગથી દરેક નવદંપતીઓને 100 જેટલી વસ્તુઓ કરીયાવરમાં અપાશે. મુંબઈ શહેરથી વિનોદભાઈ ચોથાણી, નુતનબેન સોની, હેમાબેન દાવડા, થાણેના દાતા નાનજી ખીમજી થાણાવાલા, ભુલેશ્ર્વર મંદિરના યોગેશભાઈ વસાણી, રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, પોરબંદરના સંસદ સભ્ય રમેશભાઈ ધડુક, હાસ્ય કલાકાર ધીરૂભાઈ સરવૈયા તથા લોક સાહીત્યકાર અમુદાનભાઈ ગઢવી, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, જેતપુરના પૂર્વ ધારાસભ્ય જશુમતીબેન કોરાટ, જેતપુરના મનસુખભાઈ ખાચરીયા, સંતો-મહંતો, ભોજલરામ મંદિરના ગાદીપતી ભકિતરામબાપા, રાજકોટ જીલ્લા યુવા ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, ઉગમબાપા આશ્રમ બ્રાંદ્રાના ગાદીપતી ગોરધનભાઈ કડબાલ બાપા સીતારામ મંદિરના જયેશભાઈ સોઢા, સમસ્ત ખાંટ રાજપુત સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
હિન્દુ શાસ્ત્રોકત લગ્ન વિધિ માનકેશ્ર્વર મંદિરના પૂજારી મુકુન્દ અદા કરાવશે. એકજ દિવસમાં 5000 માણસો માટે ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાશે. 200 સ્વયં સેવકો ખડે પગે સેવા આપશે. ઉપરોકત સર્વ જ્ઞાતીય સમુહ લગ્નમાં નવ દંપતિઓને આશિર્વાદ આપવા જ્ઞાતિના આગેવાનો, સાધુ સંતો, ઉપસ્થિત રહેવા સંસ્થાના પ્રમુખ અનિલભાઈ સરવૈયા દ્વારા જણાવાયું છે.


Loading...
Advertisement