દિવાળી-ઉત્તરાયણમાં થયેલા ઝઘડાની ફરિયાદ કરી હોત તો કદાચિત વિદ્યાર્થીની હત્યા ન થાત

14 February 2020 12:08 PM
Jasdan Rajkot Saurashtra
  • દિવાળી-ઉત્તરાયણમાં થયેલા ઝઘડાની ફરિયાદ કરી હોત તો કદાચિત વિદ્યાર્થીની હત્યા ન થાત

જસદણના લાતીપ્લોટ વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં બે મિત્રો પર ત્રણ શખ્સોનો છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો: ઘવાયેલા દલિત યુવકનુ ઘટના સ્થળે મોત: એકને ઈજા

રાજકોટ, તા. 14
જીવનમાં સફળ થવા માટે સારા મિત્રોની આવશ્યકતા હોય છે, પરંતુ કુષ્ટ મિત્રોની સંગત હંમેશા જીવલેણ સાબિત થતી હોય છે. આવીજ ઘટના જસદણના લાતીપ્લોટ વિસ્તારમાં ઘટી છે. જસદણ લાતીપ્લોટ ગોખલાણા ગામે રીક્ષા સ્ટેન્ડ પાસે આઈટીઆઈમાં અભ્યાસ કરતા બે મિત્રો પર તેના જ ગામના ત્રણ શખ્સોએ જુના ઝઘડાનો ખાર રાખી છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં એક વિદ્યાર્થીનુ ઘટના સ્થળે મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી. જયારે હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતક યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે. મૃતકના પિતાએ અગાઉ ઉતરાણ-દિવાળી સમયે થયેલા ઝઘડા સમયે પોલીસ ફરિયાદ નોંધાવી હોત તો આજે કદાચીત હત્યા સુધી વાત ન પહોંચી હોત.

પ્રાપ્ત વિગતો મુજબ જસદણના આંબેડકરનગરમાં રહેતો આઈટીઆઈમાં અભ્યાસ કરતો કિરણ રમેશભાઈ પરમાર ઉ.વ.28 નામનો દલીત યુવક ગત તા.13ને ગુરૂવારના રોજ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં લોહીયાનગર બેઠેલ પુલ પાસે ધુધલ છાત્રાલય નજીક હતો. ત્યારે જુના ઝઘડાનો ખાર રાખી કિરણ મકવાણા, અનિલ મકવાણા, સંજય મકવાણાએ ઝઘડો કર્યો હતો. જે ઝઘડા સમયે રીક્ષા ચાલક સહિત સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ જતા બધા ત્યાથી છુટા પડી ગયા હતાં. બાદમાં દલીત યુવક પોતાના મિત્ર જયદીપ પરમાર તથા દિપક પરમાર સાથે લાતીપ્લોટમાં ગોખલણા રીક્ષા સ્ટેન્ડ પાસે ઉભો હતો. તે અરસામાં ફરી વખત અનીલ મકવાણા, સંજય મકવાણા અને કિરણ મકવાણાએ આવી કિરણ તથા તેના મિત્ર સાથે ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. ઝઘડામાં કિરણ ઉર્ફે જીનીયાને પીઠના ભાગે તેના મિત્ર કિરણ મકવાણાએ છરી વડે એક જીવલેણ ઘા ઝીંકયો હતો. જયારે વચ્ચે છોડાવવા પડેલા જયદીપને પણ છરી ઝીકી હતી. બંન્ને મિત્રો પર હુમલો કરી ત્રણેય શખ્સો નાસી છુટયા હતાં.

ઝઘડામાં ઘવાયેલા કિરણ રમેશ
પરમાર ઉ.વ.18 ને પીઠના ભાગે જીવલેણ ઈજાથી ઘટના સ્થળે મોત નિપજયુ હતું. જયારે તેના મિત્ર જયદીપ અનિલ પરમાર ઉ.વ.17 ને મોઢે અને હાથના ભાગે ઈજાઓ પહોંચતા 108 ની મદદથી સારવાર માટે જસદણની સરકારી હોસ્પીટલમાં ખસેડાયો હતો. આ ઘટનાની જાણ થતા જસદણ પોલીસ મથકના પીએસઆઈ એન.એચ.જોષી સહિતનો કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો અને યુવકના મૃતદેહને પીએમ માટે જસદણની સરકારી હોસ્પીટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતકના કિરણના પરિવારજનોને જાણ થતા સીવીલ હોસ્પિટલ દોડી ગયો હતો. લોકોના ટોળા એકઠા થઈ જતા થોડા સમય માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો.

હત્યાના બનાવમાં જસદણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.એચ.જોષીની ટીમે મૃતકના પિતાની ફરીયાદના આધારે જીવલેણ હુમલો કરનાર કિરણ ભીખા મકવાણા, અનિલ મનુ મકવાણા, સંજય લખુ મકવાણા વિરૂદ્ધ આઈપીસી 302, 326, 323,504, 114 મુજબ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. પોલીસે જણાવ્યુ હતું કે મૃતક કિરણ ત્રણ ભાઈમાં સૌથી નાનો હતો. તથા તેને અગાઉ અનીલ ઉર્ફે ડી મનુ મકવાણા, કિરણ મકવાણા, સંજય મકવાણા સાથે નાની-નાની બાબતોમાં ઝઘડો થયો હતો. અગાઉ આ ત્રણેય જણા સાથે દિવાળી તેમજ ઉતરાયણ તહેવાર વખતે પણ બોલાચાલી થઈ હતી, અઠવાડીયા પહેલા પણ ઝઘડો થયો હતો.
ગઈકાલે ઝઘડામાં ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ યુવકને છરીનો ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધુ હતું.


Loading...
Advertisement