ભૂજની ગર્લ્સ કોલેજમાં બેશર્મ ઘટના બાદ છાત્રાઓને ધમકી!

14 February 2020 12:02 PM
kutch Gujarat Woman
  • ભૂજની ગર્લ્સ કોલેજમાં બેશર્મ ઘટના બાદ છાત્રાઓને ધમકી!

માસિક ધર્મની તપાસ કરાતા ફિટકારની લાગણી : સંચાલકોએ સહીઓ લઇ લીધી : આવુ થતું જ રહેશે!!

(ગની કુંભાર) ભચાઉ તા.14
સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં કોલેજની વિદ્યાર્થિનીઓના કપડાં ઉતારીને તેમના માસિક ધર્મ અંગે તપાસ કરાતા ચકચાર મચી છે. વિદ્યાર્થિનીઓની તપાસ કરાતા તેમણે વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર મામલે સંચાલકોએ વિદ્યાર્થિનીઓ પર દબાણ લાવીને મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનો વિદ્યાર્થિનીઓ આરોપ લગાવી રહી છે.

વિદ્યાર્થિનીઓએ માંગણી કરી છે કે તેમની સાથે ગેરવર્તણૂંક કરનાર સંચાલકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે. વિદ્યાર્થિનીઓએ આરોપ લગાવ્યો છે કે તેમને કોલેજ અને હોસ્ટેલમાંથી કાઢી મૂકવાની સંચાલકોએ ધમકી આપી છે. બેજવાબદાર બનેલા સંચાલકોએ ચીમકી આપી છે કે આવી રીતે ભવિષ્યમાં પણ તપાસ કરવામાં આવતી રહેશે. જો કોઈને મંજૂર ન હોય તો કોલેજ કે હોસ્ટેલ છોડીને જતાં રહે.

વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો હતો કે, બુધવારે તેમને ચાલુ ક્લાસમાંથી બહાર પેસેજમાં બેસાડવામાં આવી હતી. ત્યારબાદ માસિક ધર્મને લઈને પૂછપરછ કર્યા બાદ એક પછી એક વિદ્યાર્થિનીને વોશરૂમમાં લઈ જવાઈ હતી અને માસિક ધર્મની તપાસ કરાઈ હતી. માસિક ધર્મની તપાસ કરાતા કોલેજની વિદ્યાર્થિનીઓના તીવ્ર વિરોધને પગલે સંચાલકોએ કેટલીક વિદ્યાર્થિનીઓને ઓફિસમાં બોલાવી હતી. વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો હતો કે તેમને ઓફિસમાં ઇમોશનલ બ્લેકમેઇલ કરીને તેમની પાસેથી લખાણ લખાવી લીધું હતું. તેમજ સંચાલકોએ વિદ્યાર્થિનીઓને એમ પણ જણાવી દીધું હતું કે, તમને અમારા પ્રત્યે લાગણી હોય તો આવું ન કરો. પગલાં લેવાની વાત જવા દો.

બુધવારે હોસ્ટેલમાંથી કોલેજમાં ફોન કરાયો હતો કે છોકરીઓના માસિક ધર્મ અંગે તપાસ કરવામાં આવે. બાદમાં કોલેજના સંચાલકોએ ચાલુ કોલેજમાં વિદ્યાર્થિનીઓને પેસેજમાં બેસાડી હતી. જે વિદ્યાર્થિનીઓ માસિક ધર્મમાં હોય તેને ઊભી થવાનું કહેવાયું હતું. જેને પગલે બે છોકરીઓ ઊભી થઈને બાજુમાં બેસી જતાં તેમને એક બાદ એક એમ તમામ છોકરીઓને વોશરૂમમાં લઈ જવાઈ હતી અને માસિક ધર્મની તપાસ કરવામાં આવી હતી.

સંચાલકોના આદેશ બાદ અમે કપડાં ઉતારવા મજબૂર થયાં હતાં. તે લોકો સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ. કોલેજના મહિલા પ્રિન્સિપાલ રીટાબેને અને અન્ય શિક્ષિકાઓએ અમને આવી ફરજ પાડી હતી. કોઈની સાથે કોલેજ, હોસ્ટેલ કે અન્ય જગ્યાએ આવું ન થવું જોઈએ. આ બનાવને લઈને કડક પગલાં લેવા જોઇએ તેમ છાત્રાઓએ જણાવ્યું હતું.


Loading...
Advertisement