ગરમી આ વર્ષે તમામ રેકોર્ડ તોડશે: વિશ્વમાં જાન્યુઆરી 141 વર્ષના ઈતિહાસમાં સૌથી ઉષ્ણ

14 February 2020 11:57 AM
India
  • ગરમી આ વર્ષે તમામ રેકોર્ડ તોડશે: વિશ્વમાં જાન્યુઆરી 141 વર્ષના ઈતિહાસમાં સૌથી ઉષ્ણ

એન્ટાર્કટીકામાં18.3 ડીગ્રી તાપમાનનો રેકોર્ડ

નવી દિલ્હી તા.14
ફેબ્રુઆરી મહીનો હજુ અડધો માંડ વીત્યો છે, ત્યાં ગરમીનો અનુભવ થવા લાગ્યોછે. જાન્યુઆરીમાં ખાસ કરીને ઉતર ભારત ભયંકર ઠંડીથી ઠુંઠવાઈ રહ્યું હતું. હવે ગરમીના કહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 12 ફેબ્રુઆરીએ તાપમાન અન્ય દિવસોની સરખામણીએ થોડુ વધુ મહેસૂસ થયું હતું. આ જોતાં એવી શકયતા છે કે આ વર્ષે ગરમી જૂના રેકોર્ડ તોડશે. રેકોર્ડ તૂટે તો પણ નવાઈ ન લાગવી જોઈએ. કેમકે વિજ્ઞાનીઓ કેટલાક વર્ષોથી જલવાયુ પરિવર્તનની ગંભીર અસરોની વિશ્વને ચેતવી રહ્યા છે. ચાલુ સદીના બીજા દસકામાં વિશ્વભરમાં ગરમી વર્ષ પ્રતિવર્ષ નવા રેકોર્ડ બનાવી રહી છે.

આઈઆઈટી ખડગપુરના અભ્યાસમાં જણાવાયું છે કે ભારતના ગામો સામે શહેરોમાં ગરમી વધુ પડી રહી છે. આ સમસ્યાને વૈજ્ઞાનિક પરિભાષામાં ‘અર્બન હીટ આઈલેન્ડ’ કહેવામાં આવે છે. સંશોધકોએ 16 વર્ષ સુધી દેશના 44 શહેરોના રિસર્ચ પછી આ ખુલાસો કરવામાં આવ્યો છે. આઈઆઈટીના જણાવ્યા મુજબ ગરમી ભવિષ્ય માટે મોટો ખતરો બની શકે.

શહેરોમાં વધતી ગરમીનું કારણ બિલ્ડીંગ મટીરીયલ્સ છે. આવી બાંધકામ સામગ્રી સૂર્યની ઉર્જાને શોષણ હોવાથી ગરમી વધી રહી છે. ડામર, સ્ટીલ, ઈંટ જેવા પદાર્થો ઘેરા કાળા, ભુરા રંગના હોવાથી પ્રકાશ ઉર્જાના તરંગોનેજલ્દી છોડે છે અને એ ફરી ઉર્જામાં પલટાઈ જાય છે. બીજી બાજુ, વૃક્ષછેદન અને સતત બની રહેલી સડકો તાપમાન વધારવામાં ભૂમિકા ભજવી રહી છે.

આઈઆઈટીના અભ્યાસમાં 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં દિવસનું તાપમાન વધુ જોવા મળ્યું હતું. રાત્રી તાપમાન પણ સામાન્ય કરતા વધુ હતું.
દરમિયાન, 9 ફેબ્રુઆરીએ ઈતિહાસમાં પહેલીવાર એન્ટાર્કિયામાં 20 ડીગ્રી સેલ્સીયસ ગરમી નોંધાઈ છે. જાન્યુઆરી 1982એ સીમોર આઈલેન્ડ ખાતે નોંધાયેલા 19.8 ડીગ્રી સેલ્સીયસ તાપમાન સામે 9 ફેબ્રુઆરીએ એનાથી પણ એક ડીગ્રી વધુ તાપમાન નોંધાયું હતું.

દરમિયાન, વિજ્ઞાનીઓએ જાહેર કર્યુ છે કે જાન્યુઆરી મહીનો વિશ્વમાં સૌથી ઉષ્ણ રહ્યો હતો. 20મી સદીની સરેરાશ કરતાં તાપમાન ગત મહીને 2 ડીગ્રી ફેરન્હાઈટ વધુ રહ્યું હતું. અગાઉ ગત દસકો ઈતિહાસમાં સૌથી હોટેસ્ટ જાહેર થયો હતો.

141 વર્ષ પહેલા વિજ્ઞાનીઓએ ટેમ્પરેચર ડેટા એકત્ર કરવાની શરુઆત કરી હતી. છેલ્લા 4 અતિ ઉષ્ણ જાન્યુઆરી 2016 પછી નોંધાયા છે.


Loading...
Advertisement