ફરી હવામાન પલટો! સવારે વાદળા, બપોરે ગરમી સાથે ફૂંકાતો પવન

13 February 2020 04:46 PM
kutch Gujarat Rajkot Saurashtra
  • ફરી હવામાન પલટો! સવારે વાદળા, બપોરે ગરમી સાથે ફૂંકાતો પવન

શહેરમાં આજે પણ મહત્તમ તાપમાન 33 ડિગ્રીને પાર પહોંચી જવાની પૂરી શકયતા : સવારે ચોમાસુ માહોલ બાદ બપોરે 22 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા નગરજનોમાં આશ્ચર્ય!

રાજકોટ તા.13
રાજકોટ શહેરમાં આજે સવારે ગુલાબી ઠંડીના બદલે વાતાવરણ પલટો આવ્યો હતો અને સવારે તાપમાન વધવા સાથે આકાશમાં વાદળો ચડી આવેલ હતાં. સવારમાં ચોમાસા જેવી ઋતુ છવાઇ જતાં નગરજનો આશ્ર્ચર્યોમાં મૂકાઇ ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોથી રાજકોટવાસીઓ સવારે અને રાત્રે ઠંડક તથા બપોરે ઉનાળા જેવી ગરમી અનુભવે છે. આમ ડબલ ઋતુનો અનુભવ થાય છે. તેને બદલે આજે રાજકોટવાસીઓએ ત્રિપલ ઋતુ અનુભવી હતી. આજે સવારે 19.8 ડિગ્રી તાપમાન વચ્ચે આકાશમાં વાદળો છવાઇ ગયા હતા અને સૂર્યદેવતા ગાયબ થઇ ગયા હતા અને મોડી સવાર સુધી આ પ્રકારનો ચોમાસુ માહોલ છવાયેલો રહ્યો હતો. આજે સવારે લઘુત્તમ તાપમાન 19.8 ડીગ્રી રહ્યા બાદ હવામાં ભેજ 64 ટકા રહ્યો હતો અને પવનની સરેરાશ ઝડપ 6 કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી.

દરમ્યાન બપોરે 12 વાગ્યા બાદ વાદળો હપ્તા ફરી સૂર્ય દેવતાનો તાપ વર્તાવા લાગ્યો હતો અને લોકોએ ગરમીનો અહેસાસ કર્યો હતો. આજે બપોરે 2:30 કલાકે શહેરનું તાપમાન 32.6 ડિગ્રી નોંધાયું હતું. જે બપોરે 4 વાગ્યા આસપાસ વધીને 33 ડિગ્રી ઉપર પહોંચી જવાની સંભાવના છે. આજે બપોરે 2:30 કલાકે હવામાં ભેજ 37 ટકા રહ્યો હતો અને પવનની ઝડપ નિર્ધારીત કરતા વધુ રહી હતી. બપોરે 2:30 કલાકે 22 કિ.મી.ની ઝડપે પવનનાં સુસવાટા ફૂંકાતા રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે બપોરે રાજકોટમાં ચાલુ માસનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો અને ગઇકાલે બપોરે મહત્તમ તાપમાન 34.પ ડિગ્રી નોંધાયું હતું.
દરમ્યાન આજે સવારે ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સવારે વાદળા છવાયા બાદ બપોરે ગરમી સાથે પવનનાં સુસવાટા બોલ્યા હતા. હવામાના ખાતાએ એવો સંકેત પણ આપેલ હતો કે સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ આવતા 3 દિવસ માટે ગરમી-બફારાનો માહોલ યથાવત રહેશે.


Loading...
Advertisement