હેટ્રીક કર્યા બાદ કેજરીવાલ મોદી-શાહના રથને રોકવા વિપક્ષનો ચહેરો બનશે

12 February 2020 12:33 PM
Politics
  • હેટ્રીક કર્યા બાદ કેજરીવાલ મોદી-શાહના રથને રોકવા વિપક્ષનો ચહેરો બનશે

આપ’ના મોઢામાં પાણી આવે છે, પણ લાડવો ખાવા ઉતાવળ નહીં કરે

નવી દિલ્હી તા.12
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજયને વિપક્ષોએ વધાવી લીધો છે. હવે કાનાફૂસી થઈ રહી છે કે અરવિંદ કેજરીવાલ મોદી-શાહના રથને ઉંધો પાડી દેશે કે કેમ? વિપક્ષોના વધાઈના સંદેશાઓમાં કેજરીવાલ વિપક્ષના મોટા નેતાઓની હરોળમાં આવી ગયા છે.
જો કે અભૂતપૂર્વ વિજય છતાં આપના ટોચના નેતાઓ કહે છે કે તે ફુંકી ફુંકીને આગળની કેડી કંડારશે. પક્ષ પાસે નાણાની તંગી છે, અને કેટલાય ઉમેદવારોને પ્રચાર માટે લોકો પાસેથી નાણાં ઉઘરાવ્યા હતા. પક્ષ હવે જે રાજયમાં મજબૂર કેડર હોય ત્યાંથી જ ચૂંટણીઓમાં સંસાધનો રોકશે. દિલ્હી બહારના રાજકીય સાહસોમાં આપનો ફેબ્રુઆરી 2017ની પંજાબની ચૂંટણીઓમાં દેખાવ સારો રહ્યો હતો, જો કે તેના રાજય એકમમાં જૂથવાદ અને આંતરિક લડાઈ ચાલુ છે.પક્ષના વરિષ્ઠ નેતાઓના જણાવ્યા મુજબ પક્ષ આગામી બે વર્ષ પંજાબ પર ધ્યાન આપશે. આપના રાષ્ટ્રીય પ્રવકતા બજોયકુમારે જણાવ્યું હતું કે અત્યારે અમારે દિલ્હીના વિજય પર ધ્યાન આપી વચન પાળવા પર કામ કરવું પડશે. દિલ્હીના લોકચૂકાદાને વધુ અથવા ઓછો આંકવાની જરૂર છે. દિલ્હીમાં અમે સારું કર્યું એથી બીજે પણ પરિણામ સારા આવશે તેવું માનવી લેવાની જરૂર નથી.
પક્ષે રાજસ્થાન, ગોવા, છતીસગઢ ધારાસભાની ચૂંટણીઓ લડી હતી પણ એકપણ રાજયમાં ધારાસભ્ય ચૂંટાયો નહોતો. મ્યુનીસીપલથી માંડી સંસદીય ચૂંટણી તે પક્ષના સ્થાપનાકાળથી લડી ચૂકયો છે, પણ સફળતા મળી નથી. દિલ્હીમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી પક્ષનો જન્મ થયો અને એનો કુદરતી વિકાસ થયો. પક્ષના ટોચના એક નેતાએ જણાવ્યું હતું કે મુંબઈમાં પણ ભ્રષ્ટાચાર વિરોધી ચળવળ થઈ હતી અમને ત્યાં સારા દેખાવની આશા હતી, પણ ધારાસભાની ચૂંટણીઓના પરિણામો અમારા માટે નિરાશાજનક હતા. ત્રીજી ટર્મ કેજરીવાલનું વિપક્ષમાં સ્થાન મજબૂત કરશે, પણ અમે આવી શકીએ એ કરતાં વધુ કોળીયો ભરીશું નહીં.
2014માં પંજાબમાંથી પક્ષના ત્રણ સાંસદો ચૂંટાયા હતા, પણ 2019માં માત્ર એક જીત્યા હતા. લોકસભાની ગત ચૂંટણીમાં પક્ષે 49 ઉમેદવારો ઉભા રાખ્યા હતા. ગત વર્ષે પક્ષના ત્રણ ઉમેદવારો રાજયસભામાં ચૂંટાયા હતા.


Loading...
Advertisement