જમતારા : સાઇબર ક્રાઇમનું હબ ગણાતું અંતરિયાળ ગામડું!

12 February 2020 10:54 AM
India Technology
  • જમતારા : સાઇબર ક્રાઇમનું હબ ગણાતું અંતરિયાળ ગામડું!
  • જમતારા : સાઇબર ક્રાઇમનું હબ ગણાતું અંતરિયાળ ગામડું!
  • જમતારા : સાઇબર ક્રાઇમનું હબ ગણાતું અંતરિયાળ ગામડું!

તાજેતરમાં નેટફ્લિક્સે સત્ય ઘટના પર આધારિત વેબસીરિઝ ‘જમતારા’ના માધ્યમથી ભારતના સાઇબર-ક્રાઇમ હબ ગણાતાં ઝારખંડને ઉઘાડું કર્યુ છે. જોકે, એ વાત અલગ છે કે નેટફ્લિક્સની ‘જમતારા’માં સાઇબર-ક્રાઇમ વિશે સાવ ઓછી અને ભાઈ-ભાઈ વચ્ચેની દુશ્મનાવટ અંગે વધુ પડતી વાત કરવામાં આવી છે!

  એક સમય એવો હતો, જ્યારે સમગ્ર ભારતમાં થનારા સાઇબર-ક્રાઇમના 90 ટકા કેસના તાર સીધા જમતારા સાથે જોડાતાં હતાં! ત્યાંના નિરક્ષર પરિવારો માટે સાઇબર-ક્રાઇમ તદ્દન સામાન્ય ગણાતું રોજીરોટીનું સાધન બની ગયું હતું. ફરેબી ફોન-કોલ્સ અને પૈસાની ઓનલાઇન હેરાફેરીને કારણે જમતારાના ગામવાસીઓએ આજે બબ્બે કરોડ રૂપિયાના ઘર ચણી નાંખ્યા છે!
આલેખન-પરખ ભટ્ટ:
     ‘ગુડ મોર્નિંગ મેડમ, હું સ્ટેટ બેન્ક ઇન્ડિયાની મુખ્ય શાખામાંથી વાત કરું છું.’ સામેથી આવેલા એ ફોન પર એક પડછંદ જણાતા વ્યક્તિએ અત્યંત સોફિસ્ટિકેટેડ રીતે પોતાનો પરિચય આપતાં જણાવ્યું.
     ‘હાઁ ભાઈ, બોલો.’ રિયાએ થોડાક આશ્ચર્યના ભાવ સાથે જવાબ આપ્યો. તેણે તાજેતરમાં અમદાવાદમાં નોકરી કરવાની શરૂઆત કરી હતી. સૌરાષ્ટ્રના ગામડાંમાંથી નવીસવી શહેરમાં આવેલી રિયાને હજુ બેન્કના ખાતા કે ડેબિટ કાર્ડ વિશે ઝાઝી ગતાગમ નહોતી. બેન્કની મુખ્ય શાખામાંથી આવેલા ફોન-કોલને લીધે તે થોડી ગભરાઈ ગઈ હોય એવું લાગ્યું.
‘મેડમ, તમારૂં ડેબિટ કાર્ડ થોડા જ દિવસોની અંદર બ્લોક થઈ જવાનું છે. એને કાર્યરત રાખવું હોય તો તમારે થોડીક વિગતો અમારી સાથે શેર કરવી પડશે.’ સામે છેડેથી શુદ્ધ હિન્દી ભાષીય પુરૂષે પોતાની જાળ પાથરવાની શરૂ કરી.
‘કેમ બ્લોક? મેં તો હજુ હમણાં જ ડેબિટ કાર્ડ લીધું. એ ખાતામાં અત્યારે ઑલરેડી અત્યારે એક લાખ રૂપિયા પડ્યા છે, જે મારી માતા પાસે છે. હું તો બધા જ વ્યવહારો કેશમાં કરું છું’ બિચારી રિયા સાવ ભોળાભાવે પોતાની બધી જ વિગતો આપી રહી હતી.
‘એક્ચ્યુલી મેડમ, બેન્કનો આ પ્રોટોકોલ છે. તમારી વિગતોને સુરક્ષિત રાખવા માટે દર થોડાક મહિને અમે આ પ્રક્રિયાનું અનુસરણ કરતા હોઈએ છીએ. તમે તમારા ડેબિટ કાર્ડ પર લખેલો 16 ડિજિટ નંબર, કાર્ડની એક્સપાયરી ડેટ અને પાછળની બાજુ સફેદ પટ્ટી પર લખેલો સીવીવી કોડ આપી દો, એટલે અમે તમારા મોબાઇલ પર એક ઓટીપી મેસેજ આવશે. એ અમને આપી દેશો એટલે તમારૂ કાર્ડ બ્લોક નહીં થાય, એવી સૂચના અમે અમારી સિસ્ટમને આપી દઈશું.’ પેલા વ્યક્તિએ છેલ્લો ઘા માર્યો.
‘સારૂ, લખી લો ત્યારે!’ રિયાએ ઘડીભરમાં પોતાની બધી વિગતો પેલા અજાણ્યા શખ્સને જણાવીને ઓટીપી પણ આપી દીધો.
‘તમારૂ કાર્ડ સિક્યોર થઈ ગયું છે, બહેન. આભાર. અને હા, બેન્ક તરફથી આપને તકેદારી રાખવાની સૂચના આપવામાં આવે છે. કોઈ પણ અજાણ્યા શખ્સને આપનો એટીએમ પીન નંબર આપશો નહીં.’ સામે છેડેથી પેલા માણસે ફોન મૂકતાં પહેલાં કહ્યું.
‘ઓકે, ભાઈ.’ રિયાએ ફોન મૂક્યો. ત્યાં બીજી જ સેક્ધડે તેના મોબાઇલ ફોન પર પોતાના ખાતામાંથી એક લાખ રૂપિયા ઉપડી ગયાનો મેસેજ બ્લિન્ક થયો. તેને અહેસાસ થયો કે સિક્યોરિટીના બહાને કોઈક ઠગ તેની સાથે દગો કરી ગયો છે. પોતાની માતાએ ભેગી કરેલી બધી મરણમૂડી તે ખોઈ બેઠી હતી!
છાશવારે આપણા મોબાઇલ ફોન પર આવતાં આવા કોલ્સ વિશે આજે માંડીને વાત કરવી છે. હવે પછી ક્યારેય આ પ્રકારની માંગણી કરતો કોઈ ફોન આવે તો બેધડક પૂછી લેજો, ‘જમતારાથી વાત કરો છો ને?’ મોટેભાગે સામે છેડેથી કોઈ જવાબ નહીં આવે. પરંતુ ઘણા ખરા કેસમાં આવેલા ફોન ઝારખંડના જમતારામાંથી જ થયા હશે, એની ગેરંટી!
નેટફ્લિક્સે તાજેતરમાં રીલિઝ કરેલી વેબસીરિઝ ‘જમતારા’માં સાઇબરક્રાઇમ અંગે કરવામાં આવી છે. કમનસીબે, સાઇબર ફ્રોડની વધુ વાત કરવાને બદલે ભાઈ-ભાઈના નિરર્થક ઝઘડા અને વેરવૃત્તિને કેન્દ્રમાં રાખવામાં આવી છે. જેના કારણે સીરિઝનો ખરો હેતુ સાર્થક થયાની અનુભૂતિ નથી થઈ શકતી. ખેર, આપણું ફોકસ નેટફ્લિક્સ પર નહીં, જમતારા પર છે. ભારતમાં નવોસવો મોબાઇલ યુગ શરૂ થયો ત્યારે હજુ જમતારા અંધારપટમાં જીવી રહ્યું હતું. સમય જતાં ત્યાં વીજળી આવી અને આપણે ત્યાં સ્માર્ટફોન પ્રવેશ્યા. જમતારામાં સાઇબરક્રાઇમની શરૂઆત કેવી રીતે એ વિશે ચોકસાઈપૂર્વક કહેવું મુશ્કેલ છે, કારણ કે એ અંગેના પુરાવાઓ મૌજૂદ નથી. પરંતુ 2015, 2016 અને 2017ની સાલમાં જમતારામાં સાઇબરક્રાઇમની બોલબાલા હતી, એવું કહીએ તો પણ અતિશયોક્તિ નહીં ગણાય.
વાસ્તવમાં, નેટફ્લિક્સની ’જમતારા’માં દર્શાવેલો મોંડલ પરિવાર આની પાછળ કારણભૂત છે. 2015 થી 2017 દરમિયાન કુલ 12 રાજ્યોની પોલીસે 23 વખત જમતારાની મુલાકાત લેવી પડી હતી, જે દરમિયાન એમણે કુલ 38 આરોપીની ધરપકડ કરી હતી! જુલાઈ 2014 થી જુલાઈ 2017ની વચ્ચે જમતારાના 330 રહેવાસીઓ પર સાઇબરક્રાઇમના કુલ 80 થી વધુ કેસો રજીસ્ટર થયા હતાં. 2017ના વર્ષમાં ધરપકડ કરાયેલા આરોપીની સંખ્યાનો આંકડો 100 ને વટી ગયો હતો.
જ્યાંના પોલીસ સ્ટાફને ‘ફિશિંગ’ શબ્દ પણ ઢંગથી બોલતાં નથી આવડતો, ત્યાં છેલ્લા દસ-બાર વર્ષથી સાઇબર-ક્રાઇમ ફૂલ્યો છે. ભારતના 90 ટકા સાઇબર-ફ્રોડના કેસોનું હબ જમતારા છે, એ વાત પૂરવાર થઈ ચૂકી છે. 7.91 લાખની જમતારા જિલ્લાની વસ્તીમાંથી 58.71 ટકા લોકો બેરોજગાર બેઠા છે. બાકીનું મોટાભાગનું જમતારા ખેતીવાડી પર નિર્ભર કરે છે. નવી પેઢી અને જૂની પેઢીને પૈસા કમાવાનો સૌથી સરળ રસ્તો સાઇબર-ક્રાઇમ લાગતો હોવાથી તેઓ પોતાના મગજનો ઉપયોગ ફક્ત લોકોને છેતરવામાં કરે છે. પોલીસની નજરમાંથી છટકી જવાનું કારણ છે, ઈ-વોલેટ્સ! લોકોને છેતરીને એમની પાસેથી મેળવેલા પૈસાને આરોપીઓ જુદા-જુદા ઈ-વોલેટ્સમાં જમા કરાવે છે, જેના લીધે સાઇબર-પોલીસ એમના સુધી આસાનીથી નથી પહોંચી શકતી. ઘણી શોધખોળને અંતે તેઓ આરોપીને પકડવામાં સફળ થાય છે, આમ છતાં એમની પાસેથી ચોરેલા પૈસા પરત મેળવવાની આશા રાખવી નકામી નીવડે છે! આ કારણોસર જ જમતારામાં હવે સાઇબર પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે, જે ત્યાંની પ્રજાને સીધા રસ્તે લાવવાનું કામ કરી રહ્યું છે. bhattparakh@yahoo.com


Loading...
Advertisement