શેરબજારમાં તેજી: સેન્સેકસ 41000ને પાર

11 February 2020 07:33 PM
Business India
  • શેરબજારમાં તેજી: સેન્સેકસ 41000ને પાર

હેવીવેઈટ શેરો ઉછળ્યા: મેટલ શેરો ઝળક્યા

રાજકોટ તા.11
મુંબઈ શેરબજારમાં આજે તેજી તરફી પલ્ટો આવ્યો હતો. હેવીવેઈટ સહિત મોટાભાગના શેરોમાં ધૂમ લેવાલી નીકળતા સેન્સેકસ ફરી 41000ને પાર કરી ગયો હતો તે 351 પોઈન્ટનો ઉછાળો સૂચવતો હતો.
શેરબજાર આજે માનસ તેજીનુ બન્યુ હતું. વિશ્ર્વબજારોમાં પ્રોત્સાહક વલણ જેવા કારણોએ ભાગ ભજવ્યો હતો. દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર મીટ હતી.
ભાજપનો ગજ નહીં વાગવાનું એકઝીટ પોલમાં તારણ નીકળ્યું જ હતું. પરિણામ અપેક્ષિત આવ્યુ હતું. ભાજપને ઝટકારૂપ પરિણામ ગણી શકાય તેમ હોવા છતાં અપેક્ષિત ગણીને બજારે કોઈ પ્રત્યાઘાત આપ્યો ન હતો.
શેરબજારમાં આજે મોટાભાગના હેવીવેઈટ શેરો લાઈટમાં હતા. ગેઈલ, જેએસડબલ્યુ સ્ટીલ, એનટીપીસી, હિન્દાલ્કો, ટાટા મોટર્સ, મારૂતી, ઈન્ડુસઈન્ડ બેંક, અદાણી પોર્ટ, પાવરગ્રીડ, ઝી એન્ટર, ટીસ્કો, રીલાયન્સ, બજાજ ફીમ, વેદાંતા, સ્ટેટ બેંક, ટાઈટન, ડો. રેડ્ડી, આઈસીઆઈસીઆઈ બેંક વગેરે ઉંચકાયા હતા. યશ બેંક નેસ્લે, મહીન્દ્ર, બ્રિટાનીયા, ટીસીએસ વગેરેમાં ઘટાડો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 351 પોઈન્ટના ઉછાળાથી 41331 હતો જે ઉંચામાં 41444 તથા નીચામાં 41179 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 113 પોઈન્ટના ઉછાળાથી 12145 હતો. જે ઉંચામાં 12172 તથા નીચામાં 12103 હતો.


Loading...
Advertisement