ભારતનો વ્હાઈટવોશ: સળંગ ત્રીજી વનડેમાં હાર

11 February 2020 07:00 PM
Sports
  • ભારતનો વ્હાઈટવોશ: સળંગ ત્રીજી વનડેમાં હાર

3 મેચની શ્રેણીમાં ભારતના શ્રેષ્ઠ બોલર બુમરાહને એકપણ વિકેટ ન મળી : 297 રનનો જીતનો ટારગેટ કિવીઝે 47.1 ઓવરમાં પાર કરી લીધો: ગુપ્તીલ, નિકોલસ, ગ્રાન્ડહોમની સટાસટી

વન-ડે શ્રેણીમાં ન્યુઝીલેન્ડે ભારત સામે બદલો લઈ લીધો હતો તેમ શ્રેણીના ત્રીજા અને આખરી મેચમાં પણ ઝમકદાર વિજય મેળવ્યો હતો. 297 રનનો ભારતે ટારગેટ આપ્યો હતો. કિવીઝે 47.1 ઓવરમાં જ ટારગેટ ચેઈઝ કરીને પાંચ વિકેટે જીત મેળવી હતી. ગુપ્તીલ, નિકોલસ તથા ગ્રાન્ડહોમે સટાસટી બોલાવી હતી.
શ્રેણીના ત્રીજા અને આખરી મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ દાવમાં ઉતાર્યુ હતું. ભારતની શરૂઆત નબળી હતી. મયંક અગ્રવાલ 1 તથા કપ્તાન કોહલી 9 રને ઉડતા 32 રનમાં બે વિકેટ પડી ગઈ હતી ત્યારે પૃથ્વી શો તથા શ્રેયસ ઐય્યરે બાજી સંભાળી લીધી હતી. પૃથ્વીએ બે છગ્ગા તથા ત્રણ ચોકકા સાથે 40 રન ઝુડયા હતા ત્યારે રનઆઉટ થઈ ગયો હતો. આ પછી ઐય્યર અને રાહુલે ચોથી વિકેટમાં 100 રન ઉમેર્યા હતા. ઐય્યર 62 રને આઉટ થયો હતો. કે.એલ.રાહુલ સટાસયી બોલાવતો રહ્યો હતો. બે છગ્ગા અને 9 ચોગ્ગા સાથે 113 દડામાં 112 રન ઝુડયા હતા. મનીષ પાંડેએ પણ આક્રમક 42 રન ઝુડયા હતા. નિર્ધારિત 50 ઓવરમાં ભારતના 7 વિકેટે 296 રન કર્યા હતા.
297 રનના ટારગેટ સાથે મેદાને પડેલ ન્યુઝીલેન્ડે ઝમકદાર શરુઆત કરી હતી. ગુપ્તીલ તથા નીકોલસે ઓપનીંગમાં 106 રનની ભાગીદારી કરી હતી. ગુપ્તીલે 46 દડામાં 66 રન ઝુડયા હતા. 4 છગ્ગા અને 6 ચોકકા ઝીકયા હતા. સામા છેડે નિકોલસે 80 રન ફટકાર્યા હતા. વીલીયમ્સને 22 તથા રોસ ટેલરે 12 રન બનાવ્યા હતા. નીશમે 19 રન કર્યા હતા. અંતિમ ઓવરોમાં ગ્રાન્ડહોમે 28 દડામાં 58 રન તથા લેથમે અણનમ 32 કર્યા હતા. 47.1 ઓવરમાં કિવીઝે ટારગેટ પાર કરી લીધો હતો.
ભારતે શ્રેણીનો ત્રીજો મેચ ગુમાવ્યો છે અને ન્યુઝીલેન્ડે વ્હાઈટવોશ કરી ટી20 શ્રેણીની હારનો બદલો લઈ લીદો હતો. ત્રણ વન-ડેની શ્રેણીમાં ભારતના શ્રેષ્ઠ બોલર બુમરાહને એકપણ વિકેટ મળી ન હતી.


Loading...
Advertisement