કબડ્ડી ટીમના પાકિસ્તાન પ્રવાસનો વિવાદ વકર્યો: કેન્દ્ર સરકાર- કબડ્ડી ફેડરીશને હાથ ખંખેરી લીધા

11 February 2020 03:23 PM
India Sports World
  • કબડ્ડી ટીમના પાકિસ્તાન પ્રવાસનો વિવાદ વકર્યો: કેન્દ્ર સરકાર- કબડ્ડી ફેડરીશને હાથ ખંખેરી લીધા

વર્લ્ડ કબડ્ડી ચેમ્પીયનશીપમાં ભારતીય ટીમ પાકિસ્તાન ગયાની ખબર જ નથી; મંજુરી જ આપી નથી

લાહોર તા.11
ભારતે પાકિસ્તાન સાથેના રમતગમતના સંબંધો ઘણા વખતથી કાપી નાખ્યા છે ત્યારે વર્લ્ડ કબડ્ડી ચેમ્પીયનશીપમાં ભાગ લેવા માટે ભારતીય ટીમ લાહોર પહોંચતા વિવાદ સર્જાયો છે. ભારતીય ટીમ કે કોઈ રમતવીરોને પાકિસ્તાન જવાની પરવાનગી નહીં આપ્યાનું જાહેર કરીને રમતગમત મંત્રાલય તથા નેશનલ ફેડરેશને હાથ ખંખેરી લીધા છે.

વર્લ્ડ કબડ્ડી ચેમ્પીયનશીપ પ્રથમ વખત પાકિસ્તાનમાં યોજાય રહી છે. ભારતીય ટીમ વાઘા બોર્ડર થઈને લાહોર પહોંચી હતી તેના ફોટા તથા વિડીયો ફુટેજ સોશ્યલ મીડીયામાં વાઈરલ થયા છે. રમતગમત મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે કોઈપણ રમતવીરને પાકિસ્તાન જવાની પરવાનગી આપવામાં આવી ન હતી. વિદેશ મંત્રાલય તરફથી પણ આવી છુટ્ટ આપવામાં આવી ન હતી. આ ઉપરાંત કબડ્ડી ફેડરેશનના વહીવટીકર્તા રીટાયર્ડ જસ્ટીસ એસ.પી.ગર્ગે પણ એમ કહ્યું કે રાષ્ટ્રીય સમીતીએ પણ ટીમને મંજુરી આપી નથી. કબડ્ડી ટીમ પાકિસ્તાન ગયાનું જાણમાં નથી. તે માટે મંજુરી પણ અપાઈ નથી. કબડ્ડી ટીમ પાકિસ્તાન પહોંચી ગઈ તે વિશે પણ ખબર નથી આ મામલે કાનૂની પગલા લેવામાં આવશે.

કોઈપણ વિદેશી સ્પર્ધામાં સામેલ થવા માટે નિયત પ્રક્રિયા હોય છે. સંબંધીત રમતનું રાષ્ટ્રીય ફેડરેશન રમતગમત મંત્રાલયની મંજુરી માંગે છે. તેના દ્વારા રાજકીય મંજુરી માટે વિદેશ મંત્રાલય તથા સુરક્ષા મંજુરીમાટે ગૃહમંત્રાલયની સ્વીકૃતિ મેળવવાની રહે છે.ભારતીય ટીમ પાકિસ્તાન પહોંચતા ઈન્ડિયન ઓલિમ્પિક એસોસીએશને પણ આઘાત દર્શાવ્યો હતો. સંગઠનના વડા નરિન્દર બત્રાએ કહ્યું કે પાકિસ્તાન પહોંચેલી ટીમ સતાવાર નથી અને ભારતના બેનર હેઠળ રમી નહીં શકે. ઓલિમ્પિક એસોસીએશન કે ફેડરેશને તેને મંજુરી આપી નથી. કેટલા ખેલાડી ગયા છે તેની પણ ખબર નથી.

ભારતના કબડ્ડી ખેલાડીઓ પાકિસ્તાન પહોંચ્યા ત્યારે લાહોરની હોટલમાં ખુદ પાકિસ્તાન પંજાબના રમતગમત પ્રધાન સ્વાગત માટે હાજર રહ્યા હતા. વાઘા બોર્ડરે પણ પાકિસ્તાન કબડ્ડી ફેડરેશનના અધિકારીઓએ સ્વાગત કર્યુ હતું. 2010થી 2019 દરમ્યાન 6 વખત વર્લ્ડ કબડ્ડી ચેમ્પીયનશીપ યોજાઈ હતી તે તમામ ભારતમાં રમાઈ હતી.


Loading...
Advertisement