ગરીબોને રાહત: આયુષ્યમાન ભારતમાં સામેલ ન હોય તેવી બિમારી માટે લાભાર્થીને આરોગ્ય નિધિમાંથી સહાય મળશે

11 February 2020 12:10 PM
Government India
  • ગરીબોને રાહત: આયુષ્યમાન ભારતમાં સામેલ ન હોય તેવી બિમારી માટે લાભાર્થીને આરોગ્ય નિધિમાંથી સહાય મળશે

સરકારે નિયમ બદલ્યો: સરકારી સુપર સ્પેશ્યાલીટી હોસ્પીટલોમાં સારવાર માટે 15 લાખ સુધીની નાણા સહાય અપાશે

નવીદિલ્હી, તા. 11
દેશભરના ગરીબ લોકોને મફત સારવાર આપતી મહત્વાકાંક્ષી યોજના ‘આયુષ્યમાન ભારત’ હેઠળ માન્ય ન હોય તેવી બિમારીની સારવાર માટે લાભાર્થીઓને રાષ્ટ્રીય આરોગ્ય નિધિમાંથી 15 લાખ સુધીની નાણાકીય સહાય આપવાનો આરોગ્ય મંત્રાલયે નિર્ણય લીધો છે.

આયુષ્યમાન ભારત યોજનામાં મફત સારવાર માટે બિમારીનું નિશ્ર્ચિત લીસ્ટ છે તે સિવાયની બિમારીમાં યોજના લાગુ પડતી નહતી એટલે ગરીબ પરિવારોને તકલીફમાં મુકાવુ પડતુ હતું. હવે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એવો નિર્ણય લીધો છે કે આયુષ્યમાન ભારત હેઠળની બિમારીની યાદી સિવાયની બિમારી હોય તો સરકારી સુપર સ્પેશ્યાલીટી હોસ્પીટલમાં સારવાર માટે લાભાર્થીઓને 15 લાખ સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે.

આ નિર્ણયથી કીડની, લીવર, કેન્સર જેવી બિમારીઓને લાભ થશે. અત્યાર સુધી આયુષ્યમાન ભારત યોજનામાં લાભાર્થી હોય તેવા લોકોને રાષ્ટ્રીય આરોગ્ય નિધિમાંથી નાણાકીય સહાય મળતી નથી. આરોગ્યમંત્રીના કેન્સર ફંડમાંથી પણ તેઓ સહાયને પાત્ર નહતાં. આ સ્થિતિમાં કેટલાક ગરીબ દર્દીઓ તકલીફમાં મુકાતા હોવાનું ‘એઈમ્સ’ના તબીબો દ્વારા સરકારનું ધ્યાન દોરવામાં આવ્યુ હતું. જો કે, તેનો ગેર ઉપયોગ થયાની શંકાથી સરકાર પ્રથમ તબકકે સહમત થઈ નહતી પરંતુ હવે અભિગમ-નિર્ણય બદલ્યો છે.

દિલ્હી સ્થિત એઈમ્સના આસીસ્ટંટ પ્રોફેસર ડો.વિજય ગુર્જરે કહ્યું હતું કે સરકારી નિયમો-માર્ગદર્શિકાઓને કારણે સેંકડો ગરીબ દર્દીઓ સુપર સ્પેશ્યાલીટી હોસ્પીટલોમાં સારવાર આપવી શકતા નહતી. સરકારી માર્ગદર્શિકા પૂર્વે ગરીબીની રેખા હેઠળના પરિવારોને રાષ્ટ્રીય આરોગ્ય નિધિમાંથી નાણાકીય સહાય મળતી હતી. દર્દીઓને પાછા ધકેલવામાં તબીબો માટે પણ કફોડી હાલત સર્જાતી હતી.

હવે સરકારે નિયમ બદલ્યો છે. નાણાકીય સહાય ‘એક વખતની ગ્રાંટ’ના સ્વરૂપે આપવામાં આવશે. સરકારે એવી સ્પષ્ટતા કરી છે કે રાષ્ટ્રીય આરોગ્ય નિધિમાંથી સહાયની ફેબ્રુઆરી 2019 ની માર્ગર્શિકા અંતર્ગત અત્યંત ગંભીર બિમારીમાં આયુષ્યમાન ભારતની યાદીમાં સામેલ ન હોય તેવી બિમારી માટે આરોગ્ય નિધિમાંથી નાણાકીય સહાય ચુકવાશે.


Loading...
Advertisement