રાજકોટ: ભેંસનો તબેલો ધરાવતા આ શખ્સે દારૂ વેચવા નવો કીમિયો અજમાવ્યો

10 February 2020 04:10 PM
Rajkot Crime Saurashtra
  • રાજકોટ: ભેંસનો તબેલો ધરાવતા આ શખ્સે દારૂ વેચવા નવો કીમિયો અજમાવ્યો
  • રાજકોટ: ભેંસનો તબેલો ધરાવતા આ શખ્સે દારૂ વેચવા નવો કીમિયો અજમાવ્યો

નવાગામમાં ભેંસનો તબેલો ધરાવતો શખ્સ મોરબી રોડ પર દૂધના કેનમાં 18 બોટલ સાથે પકડાયો : દૂધની આડમાં દારૂની હેરફેર કરી એક બોટલ રૂા. 100માં કમાતો હતો : દારૂ કોની પાસેથી લાવતો હતો તે મુદ્દે તપાસ

રાજકોટ,તા. 10
રાજકોટમાં ગત અઠવાડિયે દૂધના ટેન્કરમાંથી 15 લાખના દારુ સાથે ક્રાઈમ બ્રાંચની ટીમે એક આરોપીને ઝડપી લીધો હતો ત્યારે આજરોજ પોલીસે દૂધના કેનમાં દારુની હેરફેર કરતા શખ્સને દબોચી લીધો છે. શહેરનાં મોરબી રોડ પર દૂધના કેનમાં દારુની ડીલીવરી કરવા નીકળેલા નવાગામના શખ્સને પોલીસે ઝડપી લઇ તેની પાસે રહેલાં કેનમાં તપાસતા અંદરથી 18 બોટલ દારુ મળી આવ્યો હતો.

દૂધના કેનમાં દારુની હેરફેર કરનાર શખ્સ નવાગામનો રહેવાસી હોવાનું અને તેને નવાગામમાં જ ભેંસનો તબેલો આવેલો હોવાનું માલુમ પડ્યું હતું. આ શખ્સ દારુની બોટલો કોની પાસેથી લાવ્યો હતો તેમજ છેલ્લા કેટલા સમયથી દારુના ધંધા સાથે સંકળાયેલો છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, બી ડીવીઝન પોલીસ મથકનાં પીઆઈ વી.જે. ફર્નાન્ડીઝની રાહબરી હેઠળ પીએસઆઈ એમ.એફ. ડામોર તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિરમભાઈ ધગલ, કોન્સ્ટેબલ મહેશભાઈ ચાવડાને એવી હકીકત મળી હતી કે, નવાગામમાં રહેતો એક શખ્સ દૂધના કેનની આડમાં દારુની હેરફેર કરી રહ્યો છે.

પોલીસે આ હકીકતના આધારે વહેલી સવારે વોચ ગોઠવી શહેરનાં મોરબી રોડ પરથી બાઈકમાં દૂધની ડીલીવરી કરવા નીકળેલા સુરેશભાઈ દોલુભાઇ વિકમા (ઉ.32, રહે. નવાગામ રંગીલા સોસાયટી)ને અટકાવી તેના બાઈકમાં રહેલા દૂધના કેનની તપાસ કરતાં અંદરથી દારુની 18 બોટલ કિંંમત રુા. 7,200 મળી આવી હતી. જેથી પોલીસે આ શખ્સની ધરપકડ કરી દારુની બોટલ અને બાઈક સહિત રુા. 34,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આરોપી સુરેશ વિકમાને નવાગામમાં ભેંસનો તબેલો હોવાનું જાણવા મળ્યું હતું. તે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો હોય અને વધુ પૈસા કમાઇ લેવાની લ્હાયમાં દૂધની આડમાં દારુની પણ ડીલીવરી કરતો હતો. તેને એક બોટલ દીઠ રુા. 100 મળતા હોવાનું તેણે રટણ કયુર્રં હતું. આ શખ્સ અગાઉ પણદારુના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું માલુમ પડ્યું છે. તે કોની પાસેથી દારુ લાવ્યો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

પેડક રોડ પાસેથી નશાની હાલતમાં ત્રણ શખ્સો ઝડપાયા
બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ રાત્રિનાં પેટ્રોલીંગમાં હતો દરમિયાન પેડક રોડ સર્કલ પાસે વાહન ચેકીંગ દરમિયાન પરેશ રામજીભાઈ સાંગાણી (ઉ.42, રહે. મોરબી રોડ, શક્તિ પાર્ક શેરી નં. 2), મોહીત વલ્લભભાઈ સખીયા (ઉ.27, રહે. મધુવન પાર્ક, શેરી નં. 5,સમર્પણ પાર્ટી પ્લોટ)ને નશાની હાલતમાં બાઈક ચલાવતા ઝડપી લીધા હતા તેમજ અન્ય એક બાઈક ચાલક ભરત ધનજીભાઈ સોલંકી (ઉ.27, રહે. પેડક રોડ, વૃંદાવન સોસાયટી)ને અટકાવી પૂછપરછ કરતાં તે નશાની હાલતમાં હોવાનું તેમજ તેની પાસે દારુની બોટલ પણ મળી આવતા પોલીસે તેની સામે અલગ અલગ બે ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Loading...
Advertisement