સાધુતાના શણગાર, ગુરૂકુલ ગંગાને પુન: જીવિત કરનાર શાસ્ત્રીજી મહારાજની સોમવારે પુણ્યતિથિ ઉજવાશે

08 February 2020 05:11 PM
Rajkot Dharmik
  • સાધુતાના શણગાર, ગુરૂકુલ ગંગાને પુન: જીવિત કરનાર શાસ્ત્રીજી મહારાજની સોમવારે પુણ્યતિથિ ઉજવાશે

સવારે 7 થી 8-30 ભાવાંજલિ સભા: સાધુ થવા માટે ઘરેથી છ વખત ભાગી છૂટી 12 વર્ષની ઊંમરે સાધુ જીવનના માર્ગને અપનાવ્યો: 81 જેટલાં મંદિરોનો ર્જીણોધ્ધાર : સાડા ત્રણ કરોડ સ્વામિનારાયણ મહામંત્ર જાપ કર્યા હતાં : 1948માં રાજકોટમાં સ્વામિનારાયણ ગુરૂકુલની સ્થાપના કરી : તેઓ ભગવાન સાથે અખંડ સબંધ જોડી રાખતા

રાજકોટ : અમરેલી જિલ્લાના તરવડા ગામે તા. 18-6-1901નાં સંવત 1957ની અષાઢી બીજ (રથયાત્રાનાં પુનિત પર્વે) માતા વિરુબા અને પિતા ભુરાભાઈ લાખાણીના ત્યાં અરજણ નામનાં પુત્રનો જન્મ થયો. માતા-પિતાએ પુત્રનું પાલન પ્રેમ અને સંસ્કારયુક્ત કર્યું. ફક્ત સાત વર્ષની ઉંમરે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય વચનસિધ્ધ સમર્થ સંત સદગુરુ બાલમુકુંદદાસજી સ્વામી પાસે કંઠી ધારણ કરી નિત્ય પૂજા પાઠ કરવાનું નિયમ લીધું. નવ વર્ષની ઉંમરે અરજણ સ્વામી પાસે ધ્યાન શીખવાની તીવ્રતા બતાવી ત્યારે જ બાલમુકુંદદાસજી સ્વામીએ બાળકમાં રહેલા ગુણને પારખી લીધાં.

ભણવામાં તેજસ્વી, ચપળ, હોશિયાર, અરજણને નાનપણથી જ સદગ્રંથોનાં વાંચનમાં વિશેષ રુચિ હતી. યમદંડનાં વાચનથી કુમળી વયમાં જ હૃદયમાં વૈરાગ્યની ભાવના પ્રગટી અને 12 વર્ષની ઉંમરે સંસાર છોડી સાધુતાનાં માર્ગે પ્રયાણ કર્યું. સાધુ થવા છ-છ વખત ઘેરથી ભાગી છૂટી સફળ થયેલા અરજણે જૂનાગઢ મંદિરનાં વચનસિધ્ધ સ્વામી બાલમુકુંદદાસજી સ્વામી પાસે 14 વર્ષની ઉંમરે પાર્ષદ તરીકે દીક્ષા લીધી. બાલમુકુંદદાસજી સ્વામી અક્ષરવાસી થતાં નંદસંતોની સેવા કરી સાધુતાસંપન્ન, વિદ્વત્વર્ય પુરાણી શ્રી ગોપીનાથજીદાસજી સ્વામી શિષ્ય થઇ રહ્યાં. 16 વર્ષની ઉંમરે સારંગપુર શ્રી કષ્ટબંજન દેવના સાનિધ્યમાં શ્રીલક્ષ્મીનારાયણદેવ વડતાલનાં આચાર્યશ્રી પતિપ્રસાદજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા લીધી.

સાત વર્ષ સુધી વરતાલની સંસ્કૃત પાઠશાળામાં રામાનુજ વેદાંતનો અભ્યાસ કર્યો. કથાવાર્તા કરી, સેવા કરી અનેક સંતોનો રાજીપો મેળવ્યો. યુવા અવસ્થામાં 800 જેટલાં કીર્તનો, 3000 જેટલાં સંસ્કૃતનાં શ્ર્લોકો, વચનામૃતો, ભક્તચિંતામણીનાં પ્રકરણો કંઠસ્થ કર્યાં તો ગીતાજીના 18 અધ્યાયના 700 જેટલાં શ્ર્લોકો માત્ર અઢાર દિવસમાં જ કંઠસ્થ કરી સૌને વિદ્વતાનો પરિચય કરાવ્યો.

81 જેટલાં મંદિરોનાં ર્જીણોધ્ધાર તથા નવનિર્માણ કર્યાં. સાડા ત્રણ કરોડ સ્વામિનારાયણ મહામંત્ર જપ કરવાનું નિયમ ગ્રહણ કર્યું. જેઓએ ટૂંક સમયમાં 10 કરોડથી વધુ જપ કર્યાં.

નાની ઉંમર હોવા છતાં પીઢતા, સાધુતા, વિદ્ધતા, કાર્યકુશળતા, સેવાભાવના, વ્યવહારિક સુઝ જેવા અમાપ ગુણો જોઇ આચાર્ય શ્રી આનંદપ્રસાદજી મહારાજે જૂનાગઢ શ્રી સ્વામીનારાયણ મંદિરના મહંતપદે નિમણુંક કરી. બીજા વિશ્ર્વયુધ્ધ ખાતે વિશ્ર્વશાંતિ માટે જૂનાગઢમાં 21 દિવસનો અભૂતપૂર્વ યજ્ઞ મહોત્સવ કરી સાધુ-સંતો અને હરિભક્તોમાં અનેરી લોકચાહના મેળવી.આ યજ્ઞ મહોત્સવનાં 700થી વધુ સંતો અને 21 લાખથી વધુ ભાવિકોએ આઠ આઠ રસોડે ભોજન પ્રસાદ લીધો.

મહંતપદેથી નિવૃત્ત થઇ હિમાલયમાં બદ્રીનારાયણ, કેદારનાથની 53 દિવસની પદયાત્રા કરી. આ યાત્રા દરમિયાન રુદ્રપ્રયાગની એક પર્ણકુટીમાં એક ઋષિ થોડાં બાળકોને રઘુવંશનાં શ્ર્લોકો શીખવતા હતા. તે જોઇ ઉગતી પેઢીનાં બાળકોમાં વિદ્યાનાં માધ્યમથી ભારતીય સંસ્કૃતિનાં સંસ્કારો રેડવા ગુરુકુલ કરવાનો સંકલ્પ સ્ફૂર્યો.

ભારતની ઉગતી આઝાદી સાથે 1948માં સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ ખાતે સાત વિદ્યાર્થીઓથી શ્રી સ્વામીનારાયણ ગુરુકુલ,રાજકોટનો શુભારંભ કર્યો. ત્યારબાદ 1962માં જૂનાગઢ ખાતે અને 1977માં અમદાવાદ મેમનગર ખાતે ગુરુકુલ રાજકોટની ત્રીજી શાખા શરુ કરી. શાસ્ત્રીજી મહારાજ અયાચક વ્રતધારી સંત હતા. ઇશ્ર્વરઇચ્છાએ જે કંઇ મળે તે સ્વીકારતા, તેઓ માનતા હતા કે બે હાથવાળા પાસે શા માટે માંગું ? માંગવું હોય તો હજાર હાથવાળા પાસે ન માંગું ? સ્વામીએ પોતાના જીવનમાં 75 જેટલા સ્ત્રીધનના ત્યાગી સાચા સંત તૈયાર કર્યાં. જે સ્વામીનારાયણ સંપ્રદાયની મોટી મૂડી સમાન હતાં.

બહુ આગવી પ્રતિભાસંપન્ન શાસ્ત્રીજી મહારાજને ભગવાન પર અખૂટ ભરોસો હતો. તેઓશ્રી ભગવાન સાથે અખંડ સંબંધ જોડી રાખતા.
સદગુરુ શાસ્ત્રી શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ ખાટું-ખારું, તીખું-તમતમતું કે મનને ગમતું ક્યારેય ખાવાનું માગ્યું નથી. જે ગરમ નરમ મળ્યું તે આજીવન સ્વીકાર્યું. તેઓ હંમેશા કાષ્ઠના પતરમાં જ એક જ ટાઇમ ભોજન લેતાં. 29 વર્ષની શ્રી નારાયણદાસજી સ્વામીની સ્મૃતિમાં ખાંડ કે તેમાંથી થતાં મિષ્ટાન્ન ન ખાવાની પ્રતિજ્ઞા લીધી, જે જીવનભર નિભાવી.

પોતાની જિંદગીમાં 31643 દિવસોની એક ક્ષણ પણ વેડફ્યા વગર સતત સત્સંગ અને રાષ્ટ્રની સેવા કરતા રહેનાર આ મહાપુરુષ સંવત 2044ના મહાવદી બીજ તા. 5-2-1988ને શુક્રવારે રાત્રે 9.35 મિનિટે 86 વર્ષ, 7 માસ ને 18 દિવસનું પવિત્ર અને અધ્યાત્મજીવન જીવીરાજકોટ ગુરુકુલમાં પ્રભુસ્મરણ સાથે અક્ષરધામમાં સિધાવ્યાં.
શાસ્ત્રીજી મહારાજનો આધ્યાત્મીક વારસો હાલ સદગુરુ મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી ગુરુસ્થાને બિરાજી સંભાળી રહ્યા છે. ગુરુવર્ય દેવકૃષ્ણદાસજીએ સાચે જ કહ્યું કે શાસ્ત્રીજી મહારાજ પંચવ્રત પૂરા શૂરા હતા. તેમનું જીવન નદીના પ્રવાહની જેમ સદા પરહિતાર્થે વહેતું રહ્યું છે. વિપત્તિ અને વિરોધોના વાવાઝોડા વચ્ચે સાધુતા ટકાવી રાખવાનું કામ તો મીણના દાંતે લોઢાનં ચણા ચાવવા કરતાં ય વધુ કપરું હોય છે પણ સ્વામીજી આ ઝંઝાવાતોમાંથી સારધાર પાર ઉતરી ગયા છે.
સ્વામીજીએ હરિભક્તોના અતિ આગ્રહને વશ થઇને સૌ પ્રથમ આફ્રિકાની વિદેશયાત્રા કરી ત્યારબાદ ગુરુકુલનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનાં આગ્રહથી 77 વર્ષની ઉંમરે અમેરિકા પધાર્યાં. 27 કલાકની મુંબઈથી ન્યૂયોર્ક સુધી હવાઈ યાત્રામાં પાણી પણ પીધું નહીં !

પૂ. શાસ્ત્રીજી મહારાજે સ્વામીનારાયણ સંપ્રદાયમાં જે જે કાર્યો કર્યાં તે સત્સંગમાં જ નહીં પરંતુ સમગ્ર સમાજમાં અનોખી ભાત પાડે છે. કિસાનો માટે બબ્બે માસ સુધી સુંદર વ્યવસથા સાથેની ઓછા દરમાં ભારની ચારધામની રેલવે યાત્રા કરાવી. આવી તો તેમને હૈયાતી દરમિયાન સાત-સાત સ્પેશ્યલ યાત્રા ટ્રેનો કાઢી.

રોગાર્તની સેવા માટે હોસ્પિટલ બનાવી અને તેમાં રાહતભાવે નિદાન-દવા સવલત આપી. તો નિ:શુલ્ક દંતયજ્ઞ તથા નેત્રયજ્ઞો દ્વારા ગરીબ લોકોને આંખની દ્રષ્ટિ ફરી અપાવવા મોતિયાના ઓપરેશન કરાવ્યાં. રક્તદાન કેમ્પો કરી જરુરિયાતવાળા લોકોને રક્તદાન કેમ્પ યોજી મદદરુપ થયા. અબોલ પશુઓની સેવા માટે ગામડે ગામડે નિ:શુલ્ક કેટલ કેમ્પ યોજ્યા. ધરતીકંપ, અતિવૃષ્ટિ, દુષ્કાળ જેવી કુદરતી આપત્તિઓમાં ગામડે ગામડે અને શહેર શહેરે ફરી નાતજાતના ભેદભાવ વિના ભગવાનની પ્રસાદી રુપે અન્ન, વસ્ત્ર તથા જીવન જરુરિયાત વસ્તુઓની વહેંચણી કરી, મનુષ્ય સત્સંગનાં રંગથી રંગાય એ માટે બ્રહ્મવસ્ત્ર તથા જ્ઞાનસત્ર દર વર્ષે યોજ્યા. તો ઋષિકેશમાં શિબિરો યોજી માનવીઓને અધ્યાત્મનો માર્ગ બતાવવામાં સફળ રહ્યા. આ ઉપરાંત જપયજ્ઞો, મંત્રજાપ, મંત્રલેખનની અનોખી પ્રણાલી પાડી, જે હાલમાં પણ ચાલુ છે. હરિભક્તોને વાચનની ભૂખ ઉઘડે અને સાહિત્ય દ્વારા સમાજસુદાર અને ઉધ્ધાર થાય, સંપ્રદાયના સિધ્ધાંતોને સમજી શકે તે માટે અનેક ઉપયોગી મોટાપાયે પુસ્તકો પ્રકાશિત કરી સમાજની સાહિત્ય ક્ષેત્રે મોટી સેવા કરી.

આજે પૂ. શાસ્ત્રીજી મહારાજનાં આશીર્વાદ અને ભગવાન શ્રી સ્વામીનારાયણની કૃપાદ્રષ્ટિથી શ્રી સ્વામીનારાયણ ગુરુકુલ-રાજકોટની 42 જેટલી શાખાઓ દેશ-વિેદેશમાં કાર્યરત છે. આ બધા શાખાઓનો મુખ્ય હેતુ માનવી સદાચારી જીવન જીવી ભગવતપરાયણ બની આ લોકનું અને પરલોકનું ભાથું બાંધે તે છે. આ બધી સંસ્થાઓનાં મહંતપદે અને ગુરુસ્થાને બિરાજતા સદગુરુ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી સરળ અને સાદગીપૂર્ણ જીવનજીવી બીજાને માર્ગદર્શક રુપ બની રહ્યાં છે. તેઓશ્રીને જીવનમાં અહમ નથી તો પદનો મોહ પણ નથી. સોમવારે પૂજ્ય શાસ્ત્રીજી મહારાજની 31મી પૂણ્યતિથિ છે. ગુરુકુલમાં સવારે 7.30થી 8.30 ગુણાનુવાદ સભા થશે તેમાં સ્વામીજીનું પુષ્પોથી પૂજન કરવામાં આવશે, જેનો લાભ બધા ભક્તોને મળશે. આ દિવસે પૂ.શાસ્ત્રીજી મહારાજના કર્મસ્થાન (ઓરડો)માં સવારના8.30થી રાત્રિનાં 8.30 સુધી 12 કલાકની અખંડ ધૂન થશે. આ પ્રસંગે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ છે. ગુણાનુવાદ સભા બાદ સવારે 8.30 કલાકે પ્રાર્થના મંદિરથી વાજતે ગાજતે સંતો હરિભક્તો પૂ.શાસ્ત્રીજી મહારાજના અગ્નિસંસ્કાર વેદીકા સ્થળ પર જઇ પ્રદક્ષિણા-દંડવત કરી પુષ્પાંજલિ અર્પણ કરશે.

આ દિવસે પૂ. સ્વામીજીને શ્રધ્ધાંજલી રુપે ભજન ભક્તિનાં વિશેષ કાર્યક્રમ પૂ. શાસ્ત્રી હરિપ્રિયદાસજી સ્વામી તથા સાધુ લક્ષ્મીનારાયણદાસ સ્વામી વગેરેનાં માર્ગદર્શન નીચે કાર્યક્રમ કરવામાં આવશે.


Loading...
Advertisement