જસદણમાં આવતીકાલે મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ ઉજવાશે

06 February 2020 01:20 PM
Jasdan
  • જસદણમાં આવતીકાલે મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ ઉજવાશે

જસદણ, તા. 6
(ધર્મેશ કલ્યાણી દ્વારા)
સમસ્ત મોઢ વણિક સમાજના કુળદેવી મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ વણિક સમાજના તમામ યુવાનો દ્વારા આવતીકાલે ધામધૂમથી ઉજવવામાં આવશે. આ પ્રસંગે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

જસદણ મોઢ વણિક સમાજના તમામ યુવાનો દ્વારા મોઢેશ્વરી માતાજી પાટોત્સવ ઉજવણી સમિતિના ઉપક્રમે સમસ્ત મોઢ વણિક સમાજના કુળદેવી મોઢેશ્વરી માતાજીનો દ્વિતીય પાટોત્સવ મહા સુદ તેરસ તારીખ 7-2-2020 ને શુક્રવારના રોજ દશા મોઢ માંડલિયા વણિક જ્ઞાતિ સમાજની વાડી જસદણ ખાતે યોજાશે.

આ પ્રસંગે મહાપ્રસાદના મુખ્ય મનોરથી વિનયકુમાર ગિરધરલાલ ધ્રાફાણી છે. જ્યારે મોઢેશ્વરી માતાજીની આરતીના મનોરથી તરીકે સ્વ. રસિકલાલ શાંતિલાલ બાબરીયા, હિંમતલાલ મગનલાલ બાબરીયા, રતિલાલ સુખલાલ અંબાણી, શાલીનભાઈ ભરતભાઈ ધારૈયા તથા અશોકકુમાર શાંતિલાલ અંબાણી છે. આ પ્રસંગે મોઢ વણિક સમાજની વાડી ખાતે તા. 7-2ને શુક્રવારે સાંજે 5=30 કલાકે વણિક સમાજના તમામ બહેનો દ્વારા માતાજીના રાસ ગરબા યોજાશે. સાંજે 6=30 કલાકે નાના બહેનો દ્વારા માતાજીનું સ્વરૂપ ધારણ કરવાની વેશભૂષા સ્પર્ધા યોજાશે. 7=00 કલાકે સમસ્ત મોઢ વણિક સમાજના તમામ ભાઈઓ બહેનો બાળકો દ્વારા સમૂહ મહા આરતી યોજાશે. 7=30 કલાકે માતાજીના પ્રસાદનું વિતરણ તેમજ મનોરથીઓનું સન્માન, વેશભૂષા સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ યોજાશે. 8 કલાકે મહાપ્રસાદ શરૂ થશે.

મોઢ વણિક જ્ઞાતિ સમાજ જસદણના તમામ લોકોને સહ પરિવાર મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા કાર્યક્રમના આયોજક મોઢેશ્વરી માતાજી પાટોત્સવ ઉજવણી સમિતિ જસદણ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


Loading...
Advertisement