LICનું ખાનગીકરણ કરવા છતાં સરકારી ગેરંટી યથાવત રખાશે

03 February 2020 11:37 AM
Government India
  • LICનું ખાનગીકરણ કરવા છતાં સરકારી ગેરંટી યથાવત રખાશે

વીમાધારકને શંકાકુશંકા રાખવાની જરૂર નથી : નવા વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં આઈપીઓ આવશે

નવી દિલ્હી,તા. 3
ભારત સરકારની માલિકીની અને અત્યંત વિશ્વાસપાત્ર-પ્રતિષ્ઠિત લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડીયાના ખાનગીકરણની બજેટમાં કરાયેલી દરખાસ્ત સામે વિરોધવંટોળ ઉઠ્યો છે છતાં સરકારે તેમાં ઝુકવાના મૂડમાં નથી અને નવા નાણાંવર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં આઈપીઓ લાવે તેવા સંકેત છે.

કેન્દ્રીય નાણાં સચિવ રાજીવકુમારે જણાવ્યું હતું કે, કંપનીના આઈપીઓ તથા લીસ્ટીંગ માટે અનેકવિધ પ્રક્રિયા કરવાની થાય છે. એલઆઈસી માટે કાનૂની સુધારા પણ કરવા પડશે. કાયદા મંત્રાલય સાથે સંકલન કરીને પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. તેમાં ઓછામાં ઓછા છ-આઠ મહિના નીકળી જશે અને નવા નાણાવર્ષનાં બીજા અર્ધવાર્ષિક ગાળામાં તે શક્ય બનશે.

એલઆઈસીનાં લીસ્ટીેગથી પારદર્શિતા વધશે અને લોકભાગીદારી વધવા સાથે શેરબજારને પણ ફાયદો થશે. 10 ટકા આસપાસ સરકારી હિસ્સો વેચાશે. જો કે ટકવારી હજુ નિશ્ચિત થઇ નથી. સરકાર એલઆઈસી તથા આઈડીબીઆઈ બેંકનો હિસ્સો વેંચીને 90,000 કરોડ એકત્રિત કરવા માંગે છે. નવા વર્ષ માટે ડીસઇન્વેસ્ટમેન્ટ ટારગેટ 2.20 લાખ કરોડ કરાયો છે.

એલઆઈસીમાં હાલ તમામ 10 ટકા હિસ્સો સરકારનો જ છે. જ્યારે આઈડીબીઆઈ બેંકમાં 46.5 ટકાનો હિસ્સો ધરાવે છે.

દરમ્યાન એવા નિર્દેશ સાંપડ્યા છે કે એલઆઈસીનું આંશિક ખાનગીકરણ કરવામાં આવે તો પણ વીમાધારકના હિતોના રક્ષણ માટે સરકાર દ્વારા જ ગેરંટી આપવાનું ચાલુ રાખવામાં આવશે. એટલે વીમાધારકોને કોઇ શંકાકુશંકા રાખવાની કે ભય રાખવાની કોઇ જરુર નહીં રહે. ખાનગીકરણનો નિર્ણય લાંબી ચર્ચા-વિચારણા પછી કરાયો છે. અને છેવટનો નિર્ણય રાજકીય જ છે.


Loading...
Advertisement