રાજકોટ: ગણવેશ ખરીદીમાં 1.23 કરોડની બચત: અધિકારીઓના ખિસ્સા ફાટયા

31 January 2020 05:26 PM
Rajkot Education Government Saurashtra
  • રાજકોટ: ગણવેશ ખરીદીમાં 1.23 કરોડની બચત: અધિકારીઓના ખિસ્સા ફાટયા

સ્ટે.કમીટીમાં 8.67 કરોડના કામો મંજૂર: વોર્ડ નં.3માં ફરી ડામર રોડની સુવિધાઓના પુર..! :2300 કર્મચારીનો ખર્ચ 1.89 કરોડ થવાનો હતો, હવે 4000 કર્મચારીના માત્ર 66 લાખ થશે: ઉદય કાનગડે વધુ એક વખત તિજોરી લૂંટાતા બચાવી

રાજકોટ તા.31
રાજકોટ મહાપાલિકામાં ગણવેશ કૌભાંડ થતા થતા રહી ગયું છે. ગત વર્ષે મહાપાલિકાના 2300 કર્મચારીઓ માટે 1.89 કરોડના ખર્ચે ગણવેશ ખરીદી કરવામાં આવેલી ટેન્ડર પ્રક્રિયા અને દરખાસ્તને સ્ટે.ચેરમેન ઉદય કાનગડે બ્રેક મરાવી દેતા અંતે નવેસરથી કરવામાં આવેલી કાર્યવાહીમાં મહાપાલિકાની તિજોરીને સવા કરોડ જેવો ફાયદો થઈ ગયો છે. રીટેન્ડરમાં વર્ગ-4 અને વર્ગ-3ના 4000 કર્મચારી માટેની ગણવેશ ખરીદી માત્ર 66 લાખમાં થઈ જવાની પ્રક્રિયા આવતા કેટલાય અધિકારીઓના કપડા ફાટી ગયા છે.

આજની મીટીંગમાં સ્ટે.ચેરમેને ગણવેશ ખરીદીમાં ઉંચા ભાવની બેદરકારીથી લ્હાણી કરવાની પ્રક્રિયા બદલ સ્ટોર વિભાગના અધિકારીઓનો ઉધડો લીધો હતો. તો ફાયર સેફટી મામલે આ વિભાગ પાસે પણ જવાબ લીધા હતા.

આજની મીટીંગમાં એજન્ડા પર રહેલી 16, અરજન્ટ ત્રણ સહિતની 19 દરખાસ્તમાં કુલ 8.67 કરોડના વિકાસ કામ મંજૂર કરવામાં આવ્યા છે. વોર્ડ નં.3માં ટીપી સ્કીમના બાકીના રસ્તાઓ મેટલીંગ કરવા 5.40 કરોડ, વોર્ડ નં.18 ઢેબર રોડ પર રસ્તા મેટલીંગ માટે 44 લાખ મળી કુલ 5.84 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે. તો વોર્ડ નં.18-બમાં પાર્ટ ટાઈમ સફાઈ કામદારનો કોન્ટ્રાકટ લંબાવવા વધુ 31 લાખ મંજૂર કરાયા છે.

મનપામાં ગણવેશ મેળવવા પાત્ર કર્મચારીઓને રેગ્યુલર ગણવેશ આપવાની દરખાસ્ત આજની મીટીંગમાં મંજૂર કર્યા બાદ ચેરમેને કહ્યું હતું કે ગત વર્ષે 2350 સફાઈ કામદાર સ્ત્રી, પુરૂષને ગણવેશ કાપડ આપવાનો ખર્ચ 1.89 કરોડ થતો હતો જયારે આ વખતે વર્ગ-4 અને વર્ગ-3ના અંદાજે 4000 જેટલા કર્મચારીઓ માટે બે બ્લોકનું ગણવેશ કાપડ ખરીદવાનો ખર્ચ માત્ર રૂા.66.50 લાખ આવ્યો છે. અગાઉ કરતા માત્ર 35.17 ટકા ખર્ચમાં સ્ટાફ માટે કાપડ ખરીદી શકાય તેમ હોય 1,22,53,392 રૂપિયાનો પ્રજાની તિજોરીને ફાયદો થયો છે.

ચેરમેને વધુમાં કહ્યું હતું કે ગુજરાત રાજય હેન્ડલુમ થતા મોદી કોર્પોરેશન તરફથી કર્મચારીઓ માટે 2015થી 17, 2017થી 19 એમ બે બ્લોક ગણવેશનું કાપડ ખરીદવાનું છે. તે માટે 36.66 લાખ ખર્ચ થશે. તો સ્ત્રી સફાઈ કામદાર અને અન્ય કર્મચારીઓ માટે આ જ રીતે 29.83 લાખનો ખર્ચ થશે. સફાઈ કામદારો ઉપરાંત 1475 અન્ય કર્મચારીઓને પણ આ ગણવેશનો લાભ સાથોસાથ થઈ જવાનો છે.

વધુમાં આજની મીટીંગમાં વોર્ડ નં.3માં મેટલીંગ કામ, વોર્ડ નં.12ના ગોકુલધામ અને જલજીત મેઈન રોડ લાગુ શેરીઓમાં સ્ટોર્મ ડ્રેઈન લાઈન નાખવા 60.21 લાખ, દિવાળી પર બાળકોને ફટાકડા વિતરણ માયે 1.25 લાખ, વેસ્ટ ઝોનમાં વોંકળા સફાઈ કોન્ટ્રાકટ માટે 17.69 લાખ, રેસકોર્ષ ફરતે ડેકોરેટીવ લાઈટના કામ માટે 22.50 લાખ, બુકફેરના ખર્ચ માટે 50 લાખ, મહિલા કોલેજ બ્રીજ પમ્પીંગ સ્ટેશન પર જનરેટર સેટના કામ માટે 12.42 લાખ, ઓડીટ રીપોર્ટ, ફાયર સાધનોની ખરીદી, વોર્ડ નં.18-બમાં સફાઈ કોન્ટ્રાકટની મુદત લંબાવવા 31 લાખ મંજૂર કરાયા છે. ઝુ ઈન્ટરપ્રીટેશન માટે નીતિ નિયમો પણ મંજૂર કરવામાં આવ્યા હતા.


Loading...
Advertisement