મોરબીના ઉદ્યોગો માટે ખાસ પેકેજ આપો: જીએસટીમાં રાહતની માંગ

31 January 2020 01:32 PM
Morbi Business Government Gujarat Saurashtra
  • મોરબીના ઉદ્યોગો માટે ખાસ પેકેજ આપો: જીએસટીમાં રાહતની માંગ
  • મોરબીના ઉદ્યોગો માટે ખાસ પેકેજ આપો: જીએસટીમાં રાહતની માંગ
  • મોરબીના ઉદ્યોગો માટે ખાસ પેકેજ આપો: જીએસટીમાં રાહતની માંગ
  • મોરબીના ઉદ્યોગો માટે ખાસ પેકેજ આપો: જીએસટીમાં રાહતની માંગ

સિરામિક અને ઘડિયાળ એકમોને ટેકાની જરૂર: કલસ્ટરમાં શ્રેષ્ઠ સુવિધા આપો: ચાઇનાના માલની આયાત રોકાય તો ફાયદો થવા અપેક્ષા

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.31
સિરામિક અને ઘડિયાળનું નામ પડે એટલે સ્વાભાવિક રીતે જ મોરબીનું નામ યાદ આવે જો કે, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા દરવર્ષે નાણાકીય વર્ષનું બજેટ તૈયાર કરવામાં આવે છે ત્યારે મોરબીના આ બન્ને જગવિખ્યાત ઉદ્યોગને ભૂલી જાય છે તે હક્કિત છે વર્ષે કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતા વિશ્વ કક્ષાના મોરબીના આ બન્ને ઉદ્યોગની કેન્દ્ર સરકારના આગામી બજેટમાં ખાસ કરીને જીએસટીમાં ઘટાડો કરવામાં આવે તેમજ મોરબી કલસ્ટરમાં લોકોને સારામાં સારી પ્રાથમિક સુવિધાઓ મળે તેના માટે ખાસ પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
સરકારને વર્ષે કરોડો રૂપિયાનો ટેક્ષ અને લાખો લોકોને રોજગારી આપતા મોરબી આસપાસના વિસ્તારમાં આવેલ સિરામિક વિટ્રીફાઈડ ટાઈલ્સ, વોલ ટાઈલ્સ, ફલોર ટાઈલ્સ અને સેનેટરી વેર્સ તેમજ ઘડિયાળના કારખાનાના માલિકોની આગામી બજેટને લઈને શું અપેક્ષા છે તે જાણવા માટેનો પ્રયાસ કર્યો ત્યારે કેન્દ્ર સરકારની નીતિરીતી સામે અહીના ઉદ્યોગકારોએ કોઈપણ પ્રશ્ર્ન રજુ કર્યા ન હતા પણ વિશ્વ કક્ષાના આ બન્ને ઉદ્યોગમાં બનતી પ્રોડક્ટ ઉપર હાલમાં જેટલો જીએસટી લગાવવામાં આવી રહ્યો છે તેમાં જો સરકાર દ્વારા ઘટાડો કરી આપવામાં આવે તો ઉદ્યોગકારોને સરકાર તરફથી આગામી બજેટમાં હુંફ મળી રહેશે તેવું મોરબી સિરામિક વિટ્રીફાઈડ એસો.ના પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજાએ કહ્યું છે.મોરબી આસપાસના વિસ્તારમાં આવેલા સિરામિકના કારખાનાઓમાંથી સીધી કે આડકતરી રીતે આજની તારીખે બે લાખથી પણ વધુ લોકોને રોજગારી મળી રહી છે આ ઉદ્યોગ છેલ્લા બે દાયકા કરતા વધારે સમયથી મોરબી પંથકમાં ધમધમે છે જો કે, આ ઉદ્યોગના વિકાસમાં સરકારના યોગદાન કરતા વધારે ફાળો અહીના ઉદ્યોગકારોની સાહસિક વૃતિનો છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી આજની તારીખે દેશ અને વિદેશમાં મોરબીની ટાઈલ્સ સપ્લાઈ કરવામાં આવે છે જો કે સારી પ્રાથમિક સુવિધા મોરબીમાં નથી તે વસ્તવિકતા છે અને સરકાર એક્સપોર્ટ કરવામાં આવતા માલ ઉપર ડ્રોબેક ડ્યુટી આપવામાં આવે છે તેના કરતા ચાઈનામાં ત્યાની સરકાર દ્વારા ઉદ્યોગકારોને વધુ ડ્રોબેક ડ્યુટી આપવામાં આવશે જેથી કેન્દ્ર સરકાર દ્વારા સિરામિક પ્રોડક્ટ માટેની ડ્રોબેક ડ્યુટીમાં વધારો કરવામાં આવે તે જરૂરી છે વધુમાં સેનેટરી વેર્સ એસો.ના પ્રમુખ કિરીટભાઈ ઓગણજાએ કહ્યું હતું કે, સ્વચ્છતા અભિયાનમાં મોરબીની ટાઈલ્સ અને સેનેટરી મદદરૂપ બની રહી છે ત્યારે તેના ઉપર લગાવવામાં આવતો જીએસટી ઘટાડવામાં આવે તે જરૂરી છે.
મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઇ પટેલએ કહ્યું હતું કે સીરમીક ઉદ્યોગ બાંધકામના વ્યવસાયની સાથે જોડાયેલ છે ત્યારે કેન્દ્ર સરકારે આગામી બજેટમાં મોરબીના સિરામિક ઉદ્યોગને ધ્યાનમાં રાખીને બાંધકામ ક્ષેત્ર માટે કોઈ સ્કીમ જાહેર કરવામાં આવે તો આ વિશ્વ કક્ષાના ઉદ્યોગને ફાયદો થાય તેમ છે આ ઉપરાંત નેચરલ ગેસની પર લાગતા છ ટકા જો પાછા મળે તે માટે તેને જીએસટીમાં સમાવવામાં આવે તે જરૂરી છે. ખાસ કરીને મોરબી આસપાસના સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગથી સરકારને કરોડો રૂપિયાના ટેક્ષની આવક થાય છે ત્યારે આ ક્લસ્ટરને ધ્યાનમાં રાખીને તેના વિકાસ માટે કોઈ પેકેજ આગામી બજેટમાં આપવામાં આવે તે જરૂરી છે.

" મોરબી પંથકમાં સિરામિકના 700-ઘડિયાળના 100થી વધુ યુનિટ કાર્યરત
" ક્લસ્ટર જીલ્લા તરીકે પેકેજ આપવામાં આવે તેવી માંગ
" મોરબીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવા માટે પેકેજ જાહેર કરવાની માંગ
" સ્વચ્છતા અભિયાનમાં ઉપયોગી ટાઈલ્સનો જીએસટી ઘટાડે તે જરૂર
" ટાઈલ્સ ઉપરના 18 ટકા જીએસટીમાં ઘટાડો કરવામાં આવે તેવી માંગ
" ઘડિયાળના ઉદ્યોગમાં પણ જીએસટી ઘટાડવામાં આવે તેવી માંગ
" ચાઈના ઘડિયાળ ડમ્પિંગ કરે છે તેના ઉપર ડ્યુટી લગાવવામાં આવે તેવી માંગ
" ડ્રોબેક ડ્યુટી વધે, ગેસનો સમાવેશ જીએસટીમાં કરાઈ અને સસ્તો ગેસ મળે
" બાંધકામ ઉદ્યોગને વેગ મળશે તો મોરબીના સિરામિક ઉદ્યોગને ફાયદો થશે

મોરબી કલોક એસો.ના પ્રમુખ શશાંકભાઈ દંગીએ કહ્યું હતું કે, શહેરના સૌથી વધુ મહિલાને રોજગારી આપતા ઘડિયાળ ઉદ્યોગની જો વાત કરીએ તો મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં તેમજ રાજકોટ હાઈવે ઉપર વોલ કલોકના નાના મોટા 100થી વધુ કારખાનાઓ આવેલા છે અને ત્યાં બનતી ઘડિયાળોને દેશ અને વિદેશમાં મોકલાવવામાં આવે છે જેથી મોરબીના ઘડિયાળ ઉદ્યોગનું વાર્ષિક ટન ઓવર 700 કરોડ જેટલું છે અને તેમાંથી લગભગ 100 કરોડનો માલ જુદાજુદા કારખાનેદારો દ્વારા એક્સપોર્ટ પણ કરવામાં આવે છે. ઘડિયાળ ઉપર લાગતા જીએસટીમાં ઘટાડો કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે વધુમાં ભરતભાઈ રાચ્છએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે જીએસટી અમલમાં મુક્યા પછી તેના સારા પરિણામો ઘડિયાળ ઉદ્યોગમાં જોવા મળ્યા છે જો કે, એક્સપોર્ટ માર્કેટને કવર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવેલા ડ્યુટી એકઝામિનેશન સ્કીમ (ડીઇપી) કાર્યરત કરવામાં આવે તે જરૂરી છે અને સાથો સાથ ચાઈનાથી જે ઘડિયાળ ઇમપોર્ટ કરવામાં આવે છે તેના ઉપર બ્રેક લાગે તો સો ટકા મોરબીના ઘડિયાળ ઉદ્યોગને નવી ઉર્જા મળી શકે તેમ છે.
આગામી દિવસોમાં કેન્દ્ર સરકારનું બજેટ આવી રહ્યું છે ત્યારે સ્વભાવિક રીતે બીજા લોકોની જેમ ઉદ્યોગકારોને પણ કેન્દ્ર સરકાર પાસે ઘણી આશા અને અપેક્ષાઓ છે જેથી વિશ્વ કક્ષાએ નામના ધરવતા મોરબીના સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગની કેન્દ્ર સરકાર પાસે શું અપેક્ષાઓ છે તે જાણવા માટેનો પ્રયાસ કરતા બંન્ને ઉદ્યોગના વિકાસ માટે જીએસટી માં રાહત આપવામાં આવે તેમજ ખાસ કરીને મોરબીમાં સારી પ્રાથમિક સુવિધાઓ ઉદ્યોગકારોને આપવામાં આવે તેવી માંગ કરેલી છે


Loading...
Advertisement