ચીનમાં અભ્યાસ માટે ગયેલા રાજકોટના તમામ તબીબી છાત્રો સલામત

28 January 2020 03:10 PM
Rajkot Education Gujarat Saurashtra
  • ચીનમાં અભ્યાસ માટે ગયેલા રાજકોટના તમામ તબીબી છાત્રો સલામત

કોરોના વાયરસે મારેલા ફૂંફાડાનાં પગલે વિશ્ર્વભરમાં મચેલો હાહાકાર ચીનમાં માત્ર રાજકોટના જ 250 વિદ્યાર્થીઓ : સૌથી વધુ નાનચાગ યુનિ.માં અભ્યાસ કરે છે હ્યુહાન શહેરની સ્થિતિ ખરાબ : અડધા વિદ્યાર્થીઓ વેકેશનના કારણે માદરે વતનમાં હોસ્ટેલમાંથી છાત્રાને બહાર નિકળવા પર પ્રતિબંધ : ચીન સરકાર દ્વારા સાવચેતીનાં તમામ પગલા

રાજકોટ,તા. 28
ભારતના પાડોશી દેશ ચીનમાં કોરોના વાયરસે મારેલા ફૂંફાડાના પગલે વિશ્ર્વભરમાં હાહાકાર મચી જવા પામેલ છે. આ વાયરસે અત્યાર સુધીમાં 80 જેટલાં વ્યક્તિઓનો ભોગ લેતાં રાજકોટ સહિત ગુજરાતભરમાંથી મેડીકલનાં અભ્યાસ માટે ચીન ગયેલાં વિદ્યાર્થીઓનાં વાલીઓ ચિંતિત બની ગયા છે.

સૌરાષ્ટ્રના પાટનગરસમા રાજકોટના 250 જેટલા વિદ્યાર્થીઓ ચીનમાં મેડીકલનો શિક્ષણ લઇ રહ્યા છે. જો કે, હાલ વેકેશન ચાલતું હોય અડધા વિદ્યાર્થીઓ માદરેવતનમાં છે. ચીન ગયેલા રાજકોટના તમામ વિદ્યાર્થીઓ સહીસલામત છે. આ વાયરસના ફૂંફાડા સામે ચીન સરકાર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવાઈ રહ્યા છે. હોસ્ટેલમાંથી વિદ્યાર્થીઓને બહાર નીકળવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવેલ છે.

રાજકોટમાં સારથી એજ્યુકેશનના માધ્યમથી ચીન તબીબી અભ્યાસ માટે 150 જેટલા વિદ્યાર્થીઓ ગયા હોય આ અંગે સારથી એજ્યુકેશનનાં ધવલ ઠેસીયાએ જણાવ્યું હતું કે રાજકોટ સહિત ગુજરાતનાં 1000 જેટલા વિદ્યાર્થીઓ ચીનના વિવિધ શહેરોમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહ્યા છે.

જેમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ નાનચાંગ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે. જે તમામ વિદ્યાર્થીઓ સુરક્ષીત અને સહીસલામત છે. આ તબીબી વિદ્યાર્થીઓને હોસ્ટેલની બહાર નીકળવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવેલ છે. નાનચાંગ યુનિ.ના તમામ અધ્યાપકો અને હોસ્ટેલના રેક્ટર પણ યુનિ.માં જ રહી વિદ્યાર્થીઓનું ધ્યાન રાખી રહ્યા છે.

ધવલ ઠેસીયાએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, કોરોના વાયરસે ચીનમાં સૌથી વધુ હાહાકાર હ્યુહાન શહેરમાં મચાવેલ હોય હ્યુહાન શહેરની સ્થિતિ ખરાબ છે. જ્યારે હ્યુહાન શહેરથી નાનચાંગ સિટી 800 કિલોમીટરનાં અંતરે આવેલું હોય આ નાનચાંગ સિટીમાં કોરોના વાયરસનો એકપણ કેસ નોંધાયેલ નથી. વિશેષમાં તેઓએ એમ પણ જણાવ્યું હતું કે ચીનમાં જ્યાં આ વાયરસે કહેર મચાવેલ છે તે વિસ્તારની કોલેજોનાં 40 થી 45 જેટલા ઇન્ડીયાના વિદ્યાર્થીઓ ખાસ ફલાઈટ મારફતે માદરેવતન પરત ફરેલ છે. રાજકોટનાં તમામ વિદ્યાર્થીઓ ચીનમાં સહી સલામત હોય વાલીઓને ચિંતા કરવાની કોઇ જરુર નથી.


Loading...
Advertisement