કૌભાંડીયાઓ પર તવાઈ: રૂપિયા 40,000 કરોડની ઈનપુટ ટેકસ ક્રેડીટ ‘બ્લોક’

28 January 2020 11:53 AM
Business Crime Government
  • કૌભાંડીયાઓ પર તવાઈ: રૂપિયા 40,000 કરોડની ઈનપુટ ટેકસ ક્રેડીટ ‘બ્લોક’

રીટર્ન ‘મીસમેચ’ થતા 2000 વેપારીઓના દાવા અટકાવાયા

નવી દિલ્હી તા.28
‘વન નેશન, વન ટેકસના ઉદેશ સાથે લાગુ કરાયેલા જીએસટીમાં કૌભાંડોનો સિલસિલો છે. અમલના અઢી વર્ષ પછી સિસ્ટમ ફુલપ્રુફ બની શકી નથી ત્યારે આડકતરા વેરા વિભાગે રીટર્ન ‘મીસમેચ’ હોય તેવા અંદાજીત 2000 કરદાતાઓની 40000 કરોડની ઈનપુટ ટેકસ ક્રેડીટ સ્થગીત કરી દીધી છે.

કેન્દ્રીય આડકતરા કરવેરા બોર્ડના અધ્યક્ષ જહોન જોસેફે કહ્યું કે ચાર કલાકની કાર્યવાહીમાં 2000 પેઢીઓની 40000 કરોડની ઈનપુટ ટેકસ ક્રેડીટ બ્લોક કરી દેવામાં આવી છે. રીટર્ન ફાઈલ થયા હોય અથવા કૌભાંડ-ગેરરીતિ આચરવા ઈરાદાપૂર્વકના મીસમેચ રીટર્નમાં ટેકસ ક્રેડીટ સ્થગીત કરવામાં આવી છે.

સૂત્રોએ કહ્યું કે બોગસ ઈનપુટ ટેકસ ક્રેડીટ મેળવવા કરદાતાઓ નવા-નવા કૌભાંડ-કારસ્તાન કરતા રહ્યા છે. જીએસટી વિભાગ દ્વારા પ્રથમ તબકકે જીએસટીએ-1ના 20 ટકા મીસમેચ કેસો તથા ત્યારબાદ જીએસટીઆર-3બીના રિટર્નને તપાસ હેઠળ લેવામાં આવ્યા હતા. બોગસ ઈનપુટ ટેકસ ક્રેડીટ રોકવા માટે જ સરકાર દ્વારા વિવિધ નિયંત્રણો મુકવામાં આવ્યા છે. વેપારીઓના સરવૈયા ચકાસવાને બદલે ઉપલબ્ધ ડેટાના આધારે જ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મહેસુલ વિભાગ દ્વારા આંકડાકીય ડેટા રાજય સરકારોને મોકલવામાં આવી રહ્યા છે, જીએસટી રીટર્નમાં ‘મીસમેચ’ ભુલ હોય તો સુધારો કરાવવા અને કૌભાંડ હોય તો સંબંધીત વેપારીના ગળા પકડવાની તાકીદ કરવામાં આવી છે.

સરકારની તપાસમાં એવુ બહાર આવ્યુ છે કે કૌભાંડ આચરવા માટે રાતોરાત નવી કંપનીઓ ખોલી નાખવામાં આવી હતી. બોગસ ટર્નઓવરના આધારે ઈનપુટ ટેકસ ક્રેડીટ મેળવવાનોજ ઉદેશ હોય છે. આ માટે બનાવટી દસ્તાવેજો ઉપયોગમાં લેવામાં આવે છે. રાતોરાત શટર પણ પડી જાય છે. આ જ કારણોસર જીએસટી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ કડક બનાવવામાં આવી છે.
કેટલાંક કિસ્સામાં એવુ બહાર આવ્યુ છે કે વેપારીઓએ લોખંડનો ભંગાર ખરીદ્યો હોવા છતાં તેઓએ નિકાસકારોને કપડાના બીલો આપ્યા હતા અને તેના આધારે નિકાસકારોએ આઈજીએસટી રિફંડના દાવા પેશ કરી દીધા હતા. જીએસટી વસુલાત અપેક્ષિત થતી ન હોવાનું કારણ કૌભાંડો જ હોવાનુ ધ્યાનમાં આવતા જ સરકાર કડક કાર્યવાહી કરવા લાગી છે.


Loading...
Advertisement