અમદાવાદમાં ફર્નિચર-રીયલ એસ્ટેટ ગ્રુપ પર ઈન્કમટેકસ દરોડા

28 January 2020 11:31 AM
Ahmedabad Business Government Gujarat Saurashtra
  • અમદાવાદમાં ફર્નિચર-રીયલ એસ્ટેટ ગ્રુપ પર ઈન્કમટેકસ દરોડા

એચઓએફ ફર્નિચરના રાજુ સ્વદેશી, દિનેશ જૈન, અજય શ્રીધર ઉપરાંત મારૂતી ગ્રુપના શરદ પટેલના નિવાસ-ઓફિસ સહિત 24 સ્થળોએ ઓપરેશન: 150 અધિકારીઓ જોડાયા: મોટી કરચોરી પકડાવાની આશંકા

રાજકોટ તા.28
આવકવેરા ટારગેટ સિદ્ધ કરવા તથા કરચોરી પકડવા માટે ઈન્કમટેકસ વિભાગ ઉંધા માથે રહ્યુ જ છે ત્યારે આજે અમદાવાદમાં ફર્નિચર તથા રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા બે મોટા જૂથ પર મોટા પાયે દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવતા ખળભળાટ સર્જાયો છે. એક સાથે 24 સ્થળોએ દરોડા કાર્યવાહી શરુ કરવામાં આવી છે તેમાં જંગી કરચોરી પકડાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આવકવેરા વિભાગના ટોચના સૂત્રોએ જણાવ્યુ છે કે અમદાવાદમાં એચઓએફ ફર્નિચરના માલીક તથા રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા રાજુ સ્વદેશી ઉપરાંત તેમના ભાગીદારો દિનેશ જૈન તથા અજય શ્રીધરની ઓફિસો તથા નિવાસસ્થાનો પર આજે સવારથી આવકવેરા વિભાગ દ્વારા મોટાપાયે દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત મારૂતી ગ્રુપના શરદ પટેલને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. તેમની ઓફિસ તથા નિવાસે પણ દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ફર્નિચર જુથના ભાગીદારો દ્વારા છેલ્લા કેટલાક સમયમાં મોટા જમીન સોદા કરવામાં આવ્યા હોવાથી ઈન્કમટેકસની તેમના પર વોચ હતી અને છેવટે આજે સવારથી દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યાની ચર્ચા છે. બન્ને ગ્રુપના માલિકો તથા તેમના ભાગીદારોની ઓફિસ-નિવાસસ્થાન સહિત બે ડઝન સ્થળોએ આ દરોડા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેમાં 150થી વધુ અધિકારીઓ જોડાયા છે. રાજકોટથી પણ આવકવેરા અધિકારીઓની ટીમને સામેલ કરવામાં આવી છે. ઉપરાંત સુરત-વડોદરાની ટીમોને પણ કાર્યવાહીમાં જોડવામાં
આવી છે.

પ્રાથમીક તપાસમાં આવકવેરા વિભાગ દ્વારા કરોડો રૂપિયાના જમીન વ્યવહારને લગતા દસ્તાવેજો-સાહિત્ય જપ્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત બેંક ખાતા- લોકરોની પણ તપાસ કરવામાં આવી રહી છે. આવકવેરા વિભાગ મોટો દલ્લો મળવાની ગણતરી રાખી રહ્યું છે. મોટી કરચોરી પકડાવાની આશંકા છે.

અમદાવાદમાં આવકવેરા વિભાગે વ્હેલી સવારથી જ સપાટો બોલાવ્યો હોવાની વાત વાયુવેગે પ્રસરી જતા વેપાર ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે. આવકવેરા વસુલાત લક્ષ્યાંક ચાલુ વર્ષે સિદ્ધ થઈ શકે તેમ ન હોવાનું કહેવાય જ છે. આર્થિક મંદીને કારણે વેપાર ધંધાનો મોટો માર છે છતાં મંદીની આડમાં મોટી કરચોરી થતી હોવાનું ધ્યાનમાં આવ્યાને પગલે આવકવેરા વિભાગે એકશનપ્લાન ઘડયો છે. નાણાં વર્ષને આજે માંડ સવા બે મહિના બાકી છે ત્યારે રાજયભરમાં સર્ચ-સર્વે ઓપરેશનનો સિલસિલો રહેવાનું માનવામાં આવી રહ્યું છે.


Loading...
Advertisement