એરલીફટ-2: કોરોનાગ્રસ્ત ચીનથી 250 ભારતીયોને ઉગારાશે

28 January 2020 11:20 AM
Government India World
  • એરલીફટ-2: કોરોનાગ્રસ્ત ચીનથી 250 ભારતીયોને ઉગારાશે

મોદી એકશનમાં: કેબીનેટ સચિવને ઓપરેશનની જવાબદારી સોંપી મુંબઈ વિમાની મથકે ખાસ વિમાન તૈયાર: વુહાન એરપોર્ટ પરથી લીલીઝંડી મળે કે તુર્ત જ રવાના થશે: ગુજરાતીઓનો પણ સમાવેશ વુહાનમાં છુટા છુટા રહેતા ભારતીયોને એરપોર્ટ સુધી લાવવા બિજીંગ દૂતાવાસના અધિકારી પહોંચ્યા: તબીબી ટીમ પણ જશે

નવી દિલ્હી: કોરોના વાયરસથી પીડીત ચીનના વુહાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સહીત 250 ભારતીયોને ઉગારવા કેન્દ્ર સરકાર ખાસ વિમાન રવાના કરશે. મુંબઈના વિમાની મથકે આ અંગે એક ખાસ વિમાન તૈયાર રાખવામાં આવ્યું છે અને ચાઈનાની સરકાર લીલીઝંડી આપે કે તુર્ત જ આ તમામને એક જ સાથે વિમાનમાં દિલ્હી લવાશે તથા તેમના વાયરસ-ટેસ્ટ બાદ જો કોઈને ચેપ હોવાની શક્યતા જણાશે તો તુર્ત જ સારવાર માટે દિલ્હીની ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટયુટ પર મેડીકલ સાયન્સ અને ખાસ વોર્ડમાં સારવાર માટે ખસેડાશે અને જે કોઈ સંક્રમણનો શિકાર નહી બન્યા હોય તેઓને તેમના વતનમાં જવા દેવાશે. ગઈકાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સૂચનાથી કેબીનેટ સેક્રેટરીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરની બેઠક મળી હતી અને તેમાં આ નિર્ણય લેવાયા છે.

વુહાનમાં મેડીકલ સહિતનો અભ્યાસ કરતા ભારતના વિદ્યાર્થીઓ વ્યાપાર, ધંધા, નોકરી કરતા કુલ 250 થી વધુ ભારતીયો અહી ફસાયા છે. ચાઈનીઝ સતાવાળાઓએ વાયરસનો ચેપ વુહાન બહાર ન જાય તે હેતુથી સમગ્ર શહેરને સીલ કર્યુ છે અને લાખો લોકો ફસાયા છે. જેમાં વિદેશીઓને ઉગારવા જે તે દેશની સરકાર એકશનમાં આવી છે. ભારતને પણ ચાઈનીઝ સતાવાળાઓને 250 ભારતીયોને સલામત કરવા માટે એરલીફટ કરવા તૈયારી બતાવી છે. એર ઈન્ડિયાનું એક બોઈંગ 747 મુંબઈ વિમાની મથકે તૈયાર છે અને વુહાન એરપોર્ટથી લીલીઝંડી મળે તુર્ત જ રવાના થશે. આ વિમાનમાં વાયરસ, નિષ્ણાંત, તબીબો અને જરૂરી દવા સાથે પેરામેડીકલ ટીમ પણ જશે.

પ્રશ્ર્ન એ છે કે વુહાનમાં ફસાયેલા ભારતીયોને શહેરથી એરપોર્ટ કેમ લાવવા અને આ માટે ભારતે ચાઈનીઝ સતાવાળાઓને ખાસ બસોની વ્યવસ્થા કરવા પણ જણાવ્યું છે. ઉપરાંત સમસ્યા એ છે કે 1 કરોડથી વધુ વસતિ ધરાવતા વુહાનમાં ભારતીયો અલગ અલગ વસે છે.

આ તમામનો સંપર્ક કરવા ભારતીય દૂતાવાસના અધિકારી વુહાન એરપોર્ટ પર પહોંચી ગયા છે. જે તમામ ભારતીયોનો સંપર્ક કરશે અને ચાઈનીઝ સતાવાળાઓના સહકારથી તમામને એરપોર્ટ લઈ આવવાની વ્યવસ્થા કરશે. ચીનમાં કોરોના વાયરસથી 80 લોકોના મોત થયા છે અને 2744 ક્ધફર્મ વાયરસ અસરગ્રસ્ત છે. ચીને 11 શહેરો સીલ કર્યા છે. વાયરસ અમેરિકા-જાપાન-કોરીયા-તાઈવાન અને ભૂતાન પાડોશી નેપાળમાં પણ દેખાયા છે. હવે ભારતે તમામ સાથેની સરહદો પણ સલામત કરવાની ચિંતા કરવી પડશે.


Loading...
Advertisement