રાજકોટ:નવા થોરાળામાં અગાસી પર તડકો ખાવા ગયેલા કમળાના દર્દીનું નીચે પટકાતા મોત

27 January 2020 05:34 PM
Rajkot Saurashtra
  • રાજકોટ:નવા થોરાળામાં અગાસી પર તડકો ખાવા ગયેલા કમળાના દર્દીનું નીચે પટકાતા મોત

આશાપુરા ચોકમાં વેપારીનું હાર્ટએટેકથી મોત : પરિવર્તન સોસાયટીના કારખાનેદારનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા.27
શહેરના નવા થોરાળા આરાધના સોસાયટીમાં અગાસી પર તડકો ખાવા ગયેલા દર્દીનું અગાસી પરથી અકસ્માતે ગબડી પડવાથી મોત નિપજયું હતું. જયારે આશાપુરા ચોકમાં મિત્રો સાથે ગોષ્ટી કરતા લોહાણા પ્રૌઢનું હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું અને પરિવર્તન સોસાયટીના કારખાનેદારનું બેભાન હાલતમાં મોત નિપજયું હતું. પોલીસે ત્રણેય અપમૃત્યુના બનાવ અંગે જરૂરી કાગળો કર્યા હતાં.
પ્રાપ્ત વિગતો મુજબ નવા થોરાળા આરાધના સોસાયટીમાં શેરી નં.પમાં રહેતા મજુરીકામ કરતા ભરત કિશન કાચા (ઉ.વ.31) નામનો કોળી યુવક ગત તા.22ના રોજ બુધવારના દિવસે બપોરના સમયે કમળાની બીમારી સબબ અગાસી પર તડકો ખાવા ગયો હતો. જે દરમ્યાન અગાસીની પાળી પર બેઠેલો કોળી યુવક અકસ્માતે ગબડી પડતા નીચે પટકાયો હતો. જેના માથાના ભાગે ગંભીર ઇજા થતાં કોળી પરિવારે યુવકને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. જયાં ચાર દિવસની ટુંકી સારવાર બાદ મોત નિપજતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મૃતકને સંતાનમાં એક પુત્ર-એક પુત્રી છે. થોરાળા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મુકેશ ચરપટાએ યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કાગળો કર્યા હતાં.
જયારે ન્યુ જાગનાથ શેરી નં.27/38માં રહેતા રજપુતપરામાં પીવીસી પાઇપની દુકાન ધરાવતા હરીશ ગોવિંદ અનડકટ (ઉ.વ.પપ) નામના લોહાણા પ્રૌઢ મિત્રો સાથે શનિવારના દિવસે રાત્રીના સમયે આશાપુરા ચોકમાં મિત્રો સાથે બેઠા હતા તે અરસામાં છાતીમાં દુ:ખાવો ઉપડતા પ્રૌઢ બેભાન થઇ ઢળી પડયા હતા. મિત્રોને જાણ થતાં પ્રૌઢને બેભાન હાલતમાં 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. પરંતુ ફરજ પરના તબીબે પ્રૌઢનું હાર્ટએટેકથી મોત નિપજયાનું જાહેર કરતા પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
આ ઉપરાંત માયાણી ચોક પાસે પરિવર્તન સોસાયટીમાં રહેતા મેટોડા જીઆઇડીસીમાં કારખાનું ધરાવતા રાજેશ જયસુખ વડગામા (ઉ.વ.34) નામના યુવકનું રાત્રીના સમયે ઘરે બેભાન થઇ ગયા બાદ મોત નિપજયું હતું. મૃતકને સંતાનમાં બે પુત્રો છે. માલવીયાનગર પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કાગળો કર્યા હતાં.


Loading...
Advertisement