વાહનચાલકોને રાહત: પેટ્રોલ-ડિઝલમાં ચાલુ મહિનાનો સૌથી મોટો ઘટાડો

27 January 2020 05:03 PM
Rajkot Gujarat
  • વાહનચાલકોને રાહત: પેટ્રોલ-ડિઝલમાં ચાલુ મહિનાનો સૌથી મોટો ઘટાડો

પેટ્રોલ-71 અને ડિઝલ-70ની અંદર: ચીનમાં રોગચાળાના કહેરથી વિશ્વબજારમાં ક્રુડતેલ તૂટયુ

રાજકોટ તા.27
પ્રજાસતાક પર્વના દિવસોમાં પેટ્રોલીયમ કંપનીઓએ વાહનચાલકોને મોટી રાહત આપી હતી. પેટ્રોલ અને ડીઝલમાં મહિનાનો સૌથી મોટો ભાવ ઘટાડો નોંધાયો છે. બે દિવસમાં પેટ્રોલ 43 પૈસા તથા ડિઝલ 63 પૈસા સસ્તુ થયુ છે.

રાજકોટમાં આજે પેટ્રોલનો ભાવ 71 રૂપિયાની સપાટીથી નીચો આવી ગયો હતો અને પ્રતિ લીટર રૂા.70.88 સાંપડયો હતો. આ ભાવ રવિવારે રૂા.71.02 તથા શનિવારે રૂા.71.31 હતો. આ જ રીતે ડિઝલનો ભાવ આજે 26 પૈસા ઘટીને 69.62 હતો. ગઈકાલે રવિવારે 37 પૈસાના ઘટાડાથી 69.88 હતો. શનિવારે આ ભાવ રૂા.70.25 હતો.
બે દિવસમાં પેટ્રોલમાં 43 પૈસા તથા ડિઝલમાં 63 પૈસા ઘટયા હતા.

પેટ્રોલીયમ કંપનીના સૂત્રોએ કહ્યું કે, વિશ્વબજારમાં ક્રુડતેલ સસ્તુ થવાને પગલે પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટયા છે. છેલ્લા એક પખવાડીયામાં પ્રતિ લીટર બે રૂપિયાથી પણ વધુનો ઘટાડો નોંધાયો છે. વિશ્વબજારમાં ક્રુડ સતત ઘટતુ હોવાથી આવતા દિવસોમાં હજુ ભાવ ઘટાડાને અવકાશ છે. પ્રજાસતાક પર્વના દિવસે- ગઈકાલે પેટ્રોલ-ડિઝલમાં ચાલુ મહિનાનો સૌથી મોટો ઘટાડો હતો.

એમ કહેવાય છે કે ચીનમાં કોરોના વાઈયરસના લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં સતત અસર છે. વિશ્ર્વબજારમાં ક્રુડમાં પાંચ ડોલર નીકળી ગયા છે. રોગચાળાને કારણે, ચીનની ડીમાંડને મોટી અસર છે.


Loading...
Advertisement