રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસના મામલે મડાગાંઠનો ઉકેલ: હડતાળ સમાપ્ત

27 January 2020 04:44 PM
Rajkot Saurashtra
  • રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસના મામલે મડાગાંઠનો ઉકેલ: હડતાળ સમાપ્ત

કાલથી હરરાજી ફરી શરૂ થઈ જશે

રાજકોટ તા.27
રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસના મજુરીદર મુદે વિવાદને કારણે ચારેક દિવસથી અટકેલી હરરાજી મામલે છેવટે સમાધાન થયુ છે. આવતીકાલથી કપાસની આવક-હરરાજી ફરી શરૂ થઈ જશે.

માર્કેટયાર્ડ સતાવાળાઓએ દર ત્રણ વર્ષે મજુરીદરમાં 10 ટકા વધારો કરવાનો સર્વસંમત નિર્ણય લીધો છે. તમામ જણસીના વેપારમાં આ નિયમ લાગુ પાડવામાં આવ્યો હતો. કપાસના વેપારીઓએ તેનો અમલ નહીં કરતા મજુરો વિફર્યા હતા અને ચાર દિવસથી હડતાળ પર હતા છેવટે આજે યાર્ડ સતાવાળાઓ દ્વારા વેપારીઓ તથા મજુરોની બેઠક બોલાવવામાં આવી હતી અને તેમાં સમાધાન કરાવવામાં આવ્યું હતું. વચલો માર્ગ કાઢવામાં આવ્યો હતો. મજુરીદર વધારાનો નિર્ણય એકાદ મહિના પુર્વે જ થયો હતો.

સિઝનની અધવચ્ચે તે લાગુ પાડવા સામે વેપારીઓને વાંધો હતો. કપાસની નવી સિઝનથી મજુરી વધારી દેવા તેઓ સંમત થયા હતા. મજુરો પણ માની જતા મડાગાંઠનો ઉકેલ આવી ગયો છે.

સમાધાનને પગલે આજથી આવક શરૂ કરી દેવામાં આવી છે. આવતીકાલથી હરરાજી પણ શરુ થઈ જશે. ચારેક દિવસ કપાસની હરરાજી બંધ રહી હોવાથી ખેડુતોમાં ભારે ઉહાપોહ હતો. હવે રાહત થશે.


Loading...
Advertisement