28મીએ વાતાવરણ અસ્થિર થશે; અમુક સેન્ટરોમાં છાંટા-છુંટીની 50 ટકા શકયતા: 29-30 એ ઠંડીનો રાઉન્ડ

25 January 2020 05:50 PM
Rajkot Saurashtra
  • 28મીએ વાતાવરણ અસ્થિર થશે; અમુક સેન્ટરોમાં છાંટા-છુંટીની 50 ટકા શકયતા: 29-30 એ ઠંડીનો રાઉન્ડ

જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: 31મીથી તાપમાન ફરી વધવા સાથે ઠંડીમાં રાહત મળશે: રવિ-સોમ ઠંડી નોર્મલ જ રહેશે

રાજકોટ તા.25
રાજકોટ-સૌરાષ્ટ્રમાં પાંચેક દિવસથી ઠંડીમાં રાહત રહી છે. પરંતુ નવા સપ્તાહમાં એકાદ-બે દિવસ વાતાવરણ અસ્થિર બનશે. કયાંક-અમુક સેન્ટરોમાં છાંટાછુટી-હળવા વરસાદની 50 ટકા શકયતા છે. ઉપરાંત બે-ત્રણ દિવસ ઠંડીનો ચમકારો અનુભવાશે. આવતા વિકએન્ડમાં જો કે તાપમાન ફરી નોર્મલ થઈ જવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે. તેઓએ આજે વાતચીતમાં કહ્યું હતું કે, 18મીની આગાહીમાં સૂચવ્યા મુજબ ગત સોમવારથી કોલ્ડવેવમાંથી રાહત મળવા લાગી હતી અને તાપમાન ઉંચકાવા લાગ્યુ હતું.

ન્યુનતમ તાપમાન 10 ડીગ્રીથી ઉપર આવી ગયુ હતું એટલું જ નહીં આજે અનેક સેન્ટરોમાં તાપમાન નોર્મલથી પણ વધી જતા ઠંડી ગાયબ થઈ ગયાનો ઘાટ સર્જાયો છે. આજે રાજકોટનું તાપમાન 16 ડીગ્રી થયુ હતું. જે નોર્મલ 13 ડીગ્રી હોય છે. ભુજનું તાપમાન નોર્મલ 11ની સરખામણીએ 14.3 ડીગ્રી હતું. મહુવાનું 14.9 ડીગ્રી, અમદાવાદનું 12.5 ડીગ્રી, ગાંધીનગરનું 11.6 ડીગ્રી તથા ડીસાનું 11.5 ડીગ્રી રહ્યું હતું.

તા.26 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધીની આગાહી કરતા તેઓએ કહ્યું કે, આ સમયગાળા દરમ્યાન તાપમાનમાં ચઢાવ-ઉતાર રહેવાની શકયતા છે. તા.26 અને 27મીએ તાપમાન નોર્મલ આસપાસ જ રહે તેમ છે. અર્થાત ઠંડીમાં રાહત જ રહેશે. પરંતુ 27મીની સાંજથી પશ્ચિમી પવન ફુંકાવા લાગશે એટલો 28મીને મંગળવારો કેટલાક સેન્ટરોમાં ભેજ વધવા સાથે ઝાકળ વરસી શકે છે. વાતાવરણ અસ્થિર બનશે. ભેજ અને પશ્ચિમી પવનને કારણે 28-29મીએ સૌરાષ્ટ્ર-કચ્છના અમુક સેન્ટરમાં છાંટાછુટી વરસાદ થવાની 50 ટકા શકયતા છે. 28મીએ હિમાલયન ક્ષેત્રમાં નવુ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સર્જાવાનું છે. તેની અસર કાશ્મીર, હિમાચલ સહિત સમગ્ર ઉતરભારત ઉપરાંત મધ્યપ્રદેશ તથા રાજસ્થાન સુધી તેનો પ્રભાવ પડવાનો છે.

આ જ કારણથી વાતાવરણ અસ્થિર થવા-છાંટાછુટી થવાની શકયતા છે. અસ્થિર વાતાવરણ વચ્ચે 28મીથી તાપમાન પણ નોર્મલથી નીચુ આવવા લાગશે. 29 તથા 30મી જાન્યુઆરીએ તાપમાન વધુ નીચુ આવવા સાથે ઠંડીનો ચમકારો વર્તાશે. 31 જાન્યુઆરીથી ફરી તે નોર્મલ તરફ જશે. 31 જાન્યુઆરી તથા 1-2 ફેબ્રુઆરીએ તાપમાન 1-2 ડીગ્રી ઉંચકાશે અને ઠંડીમાં રાહત મળશે.


Loading...
Advertisement