પ્રજાસતાક પર્વ ઉજવણી: રાજકોટમાં ઉત્સવ જેવો ઉમંગ

25 January 2020 04:38 PM
Rajkot Saurashtra
  • પ્રજાસતાક પર્વ ઉજવણી: રાજકોટમાં ઉત્સવ જેવો ઉમંગ

રેસકોર્ષથી માંડીને નવા-જુના રાજકોટના તમામ ભાગોમાં રોશનીના શણગાર-સજાવટ નિહાળવા માનવ-મહેરામણ: સેલ્ફીનો ક્રેઝ: ટ્રાફિક જામ રોકવામાં પોલીસતંત્રને પણ આંખે અંધારા આવી જતા હોવાનો ઘાટ: ફલાવર શો, શસ્ત્રપ્રદર્શન, હસ્તકલા પ્રદર્શન જેવા કાર્યક્રમોનું પણ આકર્ષણ: જન્માષ્ટમી કે દિવાળી જેવા તહેવારો જેવો માહોલ: રંગીલુ રાજકોટ’ રાષ્ટ્રીય પર્વને માણવા માર્ગો પર ઉતરવા લાગ્યુ

રાજકોટ તા.25
રાજકોટમાં પ્રજાસતાક પર્વની રાજયકક્ષાની ઉજવણીમાં ઉત્સવ જેવો માહોલ છવાયો હતો. જન્માષ્ટમી-નવરાત્રી કે દિવાળી જેવા તહેવારોમાં માનવમેદની ઉમટી પડે છે, તે જ રીતે લોકો ઉમટવા લાગ્યા છે. આજથી વિકએન્ડ (શનિ-રવિ) છે એટલે બે દિવસ રોશનીના ઝગમગાટ તથા ફલાવરશો, શસ્ત્રપ્રદર્શન ઉપરાંત સાંસ્કૃતિક સહિતના કાર્યક્રમોમાં મોટો માનવ મહેરામણ ઉમટી પડે તેમ મનાય છે.

શહેરભરમાં ઠેકઠેકાણે રોશનીની સજાવટ તથા કાર્યક્રમોની હારમાળાને ધ્યાને રાખીને ટ્રાફિક કે અન્ય કોઈ પ્રશ્ર્નો ન ઉદભવે તે માટે સર્વત્ર બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને ટ્રાફિક-પાર્કીંગના નિયમનો પણ અમલી બનાવવામાં આવ્યા છે.

ઉત્સવપ્રિય શહેરીજનોની ગાથા દેશવિદેશમાં પ્રચલિત છે જ અને એટલે જ શહેરને ‘રંગીલા રાજકોટ’ ની ઓળખ પણ મળી છે. કોઈપણ કાર્યક્રમ, ઉત્સવ કે તહેવાર હોય તેને સોએ સો ટકા માણવાની રાજકોટીયન્સની પરંપરા છે અને તેનો પુરાવો પ્રવર્તમાન પ્રજાસતાક પર્વોત્સવમાં પણ મળી ગયો છે. રાજકોટમાં રાજયકક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણી થઈ રહી છે અને તેના ભાગરૂપે શ્રેણીબદ્ધ કાર્યક્રમોની હારમાળા છે. રાજયપાલ-મુખ્યમંત્રી જેવા રાજકીય મહાનુભાવોનો પણ રાજકોટમાં મુકામ છે. રાષ્ટ્રપ્રેમના રંગે રંગી નાખતા આ રાષ્ટ્રીયપર્વ માટે સમગ્ર શહેરને રોશનીના શણગાર કરવામાં આવ્યા છે. શહેરના ત્રણ ડઝનથી વધુ સર્કલોને શણગાર કરવા ઉપરાંત સામાજીક વિકાસના મુદાઓ આધારીત બાબતોને તેમાં વણી લેવામાં આવ્યા છે.

પ્રજાસતાક પર્વોત્સવમાં શહેરના નવા-જુના તમામ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. જુના-નવા ભાગોને આવરી લેવામાં આવ્યા છે. સર્વત્ર રોશનીનો શણગાર કરાયો છે. ઐતિહાસિક કેસરી હિન્દ પુલથી માંડીને નવા રાજકોટના દોઢસો ફુટ રોડ, કાલાવાડ રોડ, પરાબજાર, લાખાજીરાજ રોડ વગેરે રોશનીથી ઝળહળી રહ્યા છે. સામાન્ય રીતે જન્માષ્ટમી, નવરાત્રી કે દિવાળીના તહેવારોમાં હોય તેવો ઉત્સવ જેવો રંગ અત્યારે ઘુંટાયો છે.

રેસકોર્ષ રીંગરોડ ફરતે પણ અદભૂત આયોજનો છે. દેશના જુદા-જુદા રાજયો તથા તેની સંસ્કૃતિઓને વર્ણવતા-વેશભૂષા-લોકનૃત્યો વગેરેની રમઝટ શાળાના વિદ્યાર્થીઓ પેશ કરતા રહ્યા છે. સાથોસાથ દેશભક્તિના ગીતોની ગુંજ છે. ઉત્સવ જેવા આ માહોલમાં રાજકોટીયન્સ પણ સંપૂર્ણ રંગાય ગયા હોય તેમ હજારોની સંખ્યામાં ઉત્સવ માણવા નીકળી પડે છે. ફલાવર શો, શસ્ત્ર પ્રદર્શન જેવા કાર્યક્રમો સ્થળે તથા રોશનીનો નજારો નિહાળવા માર્ગો પર ભરચકક હાજરી છે. રેસકોર્ષ રીંગરોડ પર જે માનવ મહેરામણ ઉમટી પડતો હોય તેમ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા રહ્યા છે. ટ્રાફિક જામ રોકવા માટે સુરક્ષાતંત્રને પણ ભારે મહેનત કરવી પડી રહી છે.

કાલાવાડ રોડ, મહિલા કોલેજ, એસ્ટ્રોન ચોક, દોઢસો ફુટ રોડ, કેસરી હિન્દ પુલ સહિતના ભાગોમાં સમાન હાલત પ્રવર્તતી રહી છે. જો કે, સર્વત્ર પોલીસ દ્વારા ટ્રાફિક સંબંધી પગલા લેવામાં આવ્યો છે. ટ્રાફિક-પાર્કીંગ માટેનો એકશન પ્લાન અમલી બનાવ્યો છે.


Loading...
Advertisement